ભક્તિફેરી.
‘ભક્તિફેરી’ આ શબ્દ કાને અથડાતાં જ આશ્ચર્યનો ભાવ જન્મે છે કે આ વળી કયો શબ્દ ? શબ્દકોશ ખૂંદી વળીએ પણ આ નવીન શબ્દનો અર્થ મળતો નથી. ‘ભકિતફેરી’ એ તો શબ્દ કોશ બહારનો શબ્દ છે. ઘણાંને આશ્ચર્ય થાય છે અને ભકિત માટે કોઈ ફેરી થતી હશે ? એવો ઉપરછલ્લો અર્થ લઈ છુટકારાનો શ્વાસ ખેંચી કાઢે છે .
મોટે ભાગે દરેક માણસ પોતાના સ્વાર્થ માટે ફરતો દેખાય છે. કોઈપણ વ્યકિત સ્વાર્થશૂન્ય થઈને પગલું ઉપાડતી હોય એવું દેખાતું નથી. પરંતુ વર્તમાનયુગના આ દશ્ય પાછળની ભૂમિકા બદલવાનો નકકર પ્રયત્ન ‘ભકિતફેરી’ શબ્દમાં ગતિ કરતો દેખાય છે.
આ ભકતફેરી નથી કારણ પોતાને અથવા બીજને ભકત તરીકે ઓળખાવવાનો આપણને શું અધિકાર છે. આ નકકી કરવાનું કામ તો પ્રભુનું. એના કામમાં દખલગીરી કરનાર આપણે કોણ ? આપણી જીવનઈમારતનાં પાયામાં ભકિતની ઈંટ મૂકાય અને સાથે સાથે સમાજદેહમાં પણ ભક્તિની સાચી સમજણનું લોહી વહેતું થાય એ બે ભૂમિકા આંખ સામે રાખીને ભ્રમણ કરવું એ જ ‘ભક્તિફેરી’ આ તેજસ્વી વિચારના પ્રણેતા છે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે જે માત્ર એક નામ નથી પણ જવલંત વિચારધારા છે.જેમણે આ વિચાર આજથી વર્ષો પહેલાં કે સ્વાધ્યાયીઓને આપ્યો.
સવાર પડે છે કે માણસ દોડવાનું શરૂ કરી દે છે. સૌ પોતપોતાની ગતિમાં છે. દોડ ચાલુ છે ત્યાં અચાનક એક વિચારક રસ્તામાં દોડતા માણસને અટકાવીને, ખભે હાથ મૂકીને ખૂબ જ પ્રેમથી પૂછે છે કયાં જઈ રહ્યા છો તમે ? ' ત્યારે એ પ્રશ્નના ઉત્તરો કંઈક આવા મળે છે. ‘દુકાને જાઉ છું ' ; તો કોઈ વળી કહે છે , ' દવાખાના તરફ ' ; કોઈ ‘ અદાલત તરફ' ; કોઈ કહે છે, “ બજરે જઉ છું રોટી માટે ' ; પોતાના હેતુ માટે ; માનવ સેવાના નામે પોતાના ગજવાં ભરવા માટે લોકો ઘરની બહાર નીકળતા દેખાય છે પણ આના સિવાય ઉચ્ચ ધ્યેય માટે ઘરનો ઉંબરો ઓળંગી બહાર નીકળવા કોઈ તૈયાર થતું હોય એવું દેખાતું નથી . પોતાની જ જીત માટે, ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે જ દોડ ચાલી રહી છે. એને શું કહેવું ? ‘ભોગફેરી’ જ કહેવાય ને !
સદીઓથી વિશ્વચિંતકોનો એ અનુભવ રહ્યો છે કે એક માણસ સ્વાર્થથી પ્રેરાઈને જ બીજા માણસ પાસે જાય છે ; પછી એનું રૂપ ગમે તે હો. બીજના કલ્યાણ માટે પણ નીકળનારા લોકોના દિલમાં એક યા બીજા પ્રકારનો સ્વાર્થ દેખાય છે. પછી એ નોટ માટે હોય, વોટ માટે હોય કે લોટ માટે હોય .
અમુક તત્ત્વજ્ઞાનીઓનો એવો મત છે કે ઘણા લોકો સંવેદનશીલ હોવાથી બીજાનું દુ:ખ જોઈ બેચેની અનુભવે છે અને એ બેચેનીને દૂર કરવા બીજાનાં દુ:ખનિવારણ માટે નીકળી પડે છે .
ઘણા લોકો લોભથી લલચાઈને બહાર પડે છે. તો કોઈ વ્યકિતગત સ્વાર્થથી પ્રેરાઈને બીજા પાસે જય છે. સંગઠિત સ્વાર્થથી પ્રેરાઈને જનારા લોકો પણ છે કે જે બીજાને દુ:ખી કે પીડિત જોઈને કરૂણાથી કમકમી ઊઠે છે ને પરિણામે દયાભાવથી દુ:ખીઓનું દુ:ખ દૂર કરવા દોટ મૂકે છે. આવી પરિસ્થિતિમાં “ ભકિતફેરી '' એ એક અભિનવ પ્રયોગ છે . વ્યકિતગત કે સામૂહિક બંને પ્રકારનાં સ્વાર્થથી પર એક એવો ઉદાત્તભાવ જેના પાયામાં ભકિત છે અને જેની ગતિ સ્વથી સર્વ તરફની છે.
પોતાના અહમને પુષ્ટ કરવા માટે પણ વ્યકિતને બીજની જરૂર પડે છે , તેથી અહથી પ્રેરાઈને વ્યક્તિ , બીજી વ્યક્તિ તરફ જાય છે . દાન દઈને શ્રીમંતોનો , વિદ્યા આપીને વિદ્વાનોનો અને પોતાની શક્તિઓનો બીજા માટે ઉપયોગ કરનારા શકિતશાળીઓનો અહમ્ કીર્તિ , પ્રતિષ્ઠા અને સન્માન દ્વારા પુષ્ટ થાય છે .
આજે સારા લોકોની સારી ભાવનાની કંઈ અછત નથી . સમાજમાં સાત્વિકવૃત્તિ પણ ક્યાંક ડોકિયાં કરતી દેખાય છે . પરંતુ એ વૃત્તિ વૈયક્તિક બની ઘરની ચાર દીવાલોમાં જ સીમિત રહે છે ; સંગઠિત થતી નથી ; પરિણામે તે દુર્બળ રહે છે . શકિતશાળી બનતી નથી . મૈત્રી થાય છે પણ ટકતી નથી . હેતુ સિદ્ધ થતાં મૈત્રી પરપોટાની જેમ ફૂટી જાય છે પ્રસંગો પાર પડતાં જ સમૂહ વિખરાઈ જાય છે . પાછા સૌ પોતપોતાની દિશામાં . બધું પાણીના રેલાની જેમ પસાર થઈ જાય છે . બે માણસ વચ્ચે મૈત્રી નામનો શબ્દ ફૂટબોલની જેમ ઉછળ્યા કરે છે .
સામાન્ય રીતે મૈત્રી કે સંગઠનના મૂળમાં ત્રણ ભૂમિકાઓનાં બીજ પડેલાં દેખાય છે . ઘણી મૈત્રી ‘ માત્ર ફાયદો ’ હોય તો જ ટકતી હોય છે. તો ઘણી મૈત્રી પાછળનાં કારણોમાં માત્ર ‘ ખાવું - પીવું , મોજમજા કરવી ' એટલું જ જોવા મળે . તો સમાન વિચારસરણી કે સિદ્ધાંતો માટેની મૈત્રી પણ કયાંક ઊડતી નજરે જોવા મળે છે . ટૂંકમાં કહેવું હોય તો આ ત્રણ મૈત્રી સિવાય બીજી કોઈ મૈત્રી દેખાતી નથી. શું મૈત્રી કે å સંગઠન માટે આ ત્રણ જ રસ્તા છે ? આના સિવાયનો કોઈ અનોખો રસ્તો ન હોઈ શકે ? રસ્તો છે. આપણા પગ નીચે જ રસ્તો છે . જે આપણી સંસ્કૃતિએ , આપણા ઋષિઓએ આપણા માટે બનાવ્યો છે. આ રસ્તો ભકિતની ભૂમિકા પર બંધાયો છે . ભકિતથી મૈત્રી ! ભકિતથી મૈત્રીનો હૂંફાળો સ્પર્શ મેળવી શકાય. સાથે મળીને ચાલી શકાય , આગળ વધી શકાય .
મૈત્રી અને સંબંધના બંધાતા પોતમાં જો ભકિતનો અખંડ , અતૂટ દોર હશે , ભકિતનો જ તાણાવાણો હશે તો એ પોતમાં શોભા હશે , સૌંદર્ય હશે.
જો ભગવાન પર પ્રેમ હોય તો માણસે બીજા માણસે પાસે જવું જ જોઈએ . જેને આપણે પ્રેમ કરતા હોઈએ તેનું કામ કરવાની તત્પરતા આપણામાં હોય છે તો ભગવાન પર પ્રેમ હોય તો તેના કામ માટેની તત્પરતા આપણામાં કેમ નહીં ? તો શું કરવું ? તો કોઈ મંદિરનું આંગણું સાફ કરવું કે પછી પ્રભુ માટે ફૂલમાળા બનાવવી ? ના....'ભગવાનનું કામ' એનો અર્થ આટલા પૂરતો જ મર્યાદિત નથી.
ભગવાન જે રીતે પાષાણની પ્રતિમામાં છે એ રીતે પ્રકૃતિમાં પણ છે . વૃક્ષ , વનસ્પતિ , પશુપંખી અને માનવમાં પણ પરમાત્માનો વાસ છે . ઋષિ સમસ્ત સૃષ્ટિના ચાહક હતા , પરંતુ સામાન્ય માનવ માટે સમગ્ર સૃષ્ટિને પ્રેમ કરવો એ સહેલી વાત નથી . તેથી જ ઋષિઓએ સમજાવ્યું કે બીજા પાસે જાઓ . માનવ માત્રને પ્રેમ કરો . બદલામાં કશું મળે એટલા માટે નહિ પરંતુ એની અંદર જે ચેતનાનો પ્રવાહ વહે છે , એની અંદર જે ભગવાન બેઠો છે , એને પ્રસન્ન રાખવા માટે જાઓ . ત્રણસો પાંસઠ દિવસ ---ચોવીસ કલાક , જે શકિત મારું જીવન સંભાળે છે એના પ્રત્યે આભારની લાગણી અથવા તો કૃતજ્ઞતા કઈ રીતે વ્યક્ત કરશો ? તેથી જ માનવની ભીતર કૃતજ્ઞતાનું ઝરણું થીજી ન જાય એટલા માટે ઋષિઓએ આપ્યું ---' એકાદશીનું વ્રત ' ; જેના હૂંફાળા સ્પર્શથી થીજેલી કૃતજ્ઞતાનું ઝરણું ફરી ખળખળ કરતું વહેવા માંડે.
જૂના કાળમાં મહિનો ૧૫ દિવસના બે પક્ષમાં વહેંચાયેલો હોવાને કારણે એકાદશી પંદર દિવસમાં એક દિવસ થતી . પોતાના વ્યકિતગત કે વ્યાવહારિક કાર્યો નહિ પણ પ્રભુનું કામ કરવા માટેનો દિવસ એટલે એકાદશી . આ દિવસ ઉપવાસનો છે . સંસ્કૃત ભાષામાં ઉપ એટલે પાસે અને વાસ એટલે રહેવું , બેસવું . અહીં ઉપવાસનો અર્થ એવો કે પ્રભુના સાન્નિધ્યમાં , પ્રભુના વિચારોમાં , પ્રભુના કાર્યમાં ઓતપ્રોત થવું અને એ રીતે પ્રભુ પાસે બેસવું . જ્યોતિષ શાસ્ત્ર , આયુર્વેદ , નીતિશાસ્ત્ર , તત્ત્વજ્ઞાન વગેરેએ આ વાતને સમર્થન આપી એકાદશીનું ગૌરવ વધાર્યું છે .
જેની સાથે કોઈ વ્યાવહારિક સંબંધ નથી જેની પાસેથી કોઈ અપેક્ષા નથી એવા લોકો પાસે જઈને નિરપેક્ષ પ્રેમ , ભાવની પુષ્ટિ થાય એના અભ્યાસ માટેના દિવસો એટલે એકાદશી ; એ જ સાચો ઉપવાસ !
એકાદશી માટે અગિયારમા દિવસ પર પસંદગીનો કળશ ઢોળવા પાછળ ગીતાની એવી વિભાવના હશે કે ---
——— इन्द्रियाणि दशैकं च । ———
દસ ઈન્દ્રિયો અને અગિયારમું મન જોડાય અને પ્રભુના ચરણે અર્પિત થાય .
આજે તો એકાદશીનું સ્પષ્ટ ચિત્ર જ જોવા મળતું નથી સૂરણ , બટાટા , સાબુચોખા ખાવા અને ‘ ઉપવાસ કર્યો છે ' એમ માની લેવું એટલે જ એકાદશી , એવી ગેરસમજ સમાજમાં ઉછરી રહી છે . આવા ઉપવાસને આધ્યાત્મિક કિંમત કેટલી ? આવી એકાદશી બુદ્ધિશાળીઓના મગજમાં ઊતરે કેવી રીતે ? આ તો “ આંખનું કાજળ ગાલે ઘસ્યું એવી વાત થઈ.
ઋષિઓ દ્વારા પ્રેરિત એકાદશી વ્રત અને કૃતિભકિતના વિચારને સમાજના અંતિમ માનવ સુધી પહોંચાડવાની દષ્ટિથી પૂજ્ય दादाએ “ ભકિતફેરી’નો વિચાર વહેતો મૂક્યો. ફળસ્વરૂપ આ વિચારક પાસેથી પ્રેરણા , માર્ગદર્શન અને આશીર્વાદ લઈને ૧૯૫૮ ના માર્ચ મહિનામાં અઢાર ભાઈઓની એક ટુકડી ગુજરાતમાં ગઈ અને આમ ભકિતફેરીના મંગલાચરણ થયા . ત્યાર બાદ શ્રીમદ્ ભગવદગીતા પાઠશાળાની ગંગોત્રીથી નીકળેલી ભકિતફેરીની વિચારધારા ભારતદેશના ખૂણેખૂણે ઉપરાંત વિદેશોમાં પણ વહેતી વહેતી પહોંચી . આમ દેશ વિદેશની ભૂમિઓ ઉપર ભકિતની હેલી વરસી , ને ભૂમિની માટી ભાવથી ભીની થઈને મહેકવા માંડી .
ભક્તિફેરીમાં જવાવાળા લોકો ઉપદેશક , પ્રચારક કે સમ નથી . પણ માત્ર ‘ ભકત ’ છે . કારણ જવા પાછળની ભૂમિકામાં ‘ ભકિત ' રહેલી છે . સમાજમાં લોકો બીજાને પ્રલોભન કે લાલચ આપીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા જોવા મળે છે તો એવા લોકો પણ છે જે સુધારકનું લેબલ લગાડી બીજાને સુધારવાનો મોકો ચૂકતા નથી . આવા કહેવાતા સુધારકોને ક્યારેક જડબાતોડ જવાબ પણ મળે છે કે --- "અમને સુધારવાવાળા અને ઉપદેશ આપવાવાળા તમે કોણ ? અમે અમારું ફોડી લઈશું '.
ભકિતફેરીમાં જનારને પૂજ્ય दादाએ સમજાવ્યું કે ભક્તિફેરીમાં જનારો બીજને સુધારવા નથી જતો પણ પોતાની જાતને સુધારવા જય છે તેણે બીજને શીખવાડવા નહિ પણ પોતે શીખવા જવાનું છે, કંઈક મેળવવા નહીં પણ મળવા જવાનું છે . કેન્દ્રમાં ભગવાનને મૂકી પરિઘ પર ઊભા રહેવાનું છે.
માણસ જીવે છે બીજા માણસની હૂંફથી ઉષ્માથી! ભકિતફેરી દરમ્યાન બહુ જ સહજતાથી આત્મીયતાનું વાતાવરણ માણસની અંદર બંધાવા લાગે છે. નિ:સ્વાર્થ ઉષ્માથી જ આધ્યાત્મિક વિકાસ શકય છે . ભક્તિફેરીમાં પણ માનવ માત્રની ભીતર રહેલા ભગવાનને મળવાની દવ ભૂમિકા છે . માનવીય સ્પર્શથી જીવનમાં પરિવર્તન આવી શકે , એની પ્રતીતિ ભક્તિફેરી દરમ્યાન થાય છે . આ રીતે બીજા પાસે નિ:સ્વાર્થભાવે જઈ શકાય છે એ વિચાર જ આપણને અચંબામાં મૂકી દે છે .
આ જે કાળમાં માણસ સ્વાર્થ વગર સળવળતો નથી એ કાળમાં પોતા પાસે કેટલો પૈસો છે , કેટલું જ્ઞાન છે , કેટલી શક્તિ છે એ બધી જ વાત ભૂલીને ભકિતફેરીમાં જનારો વર્ગ બીજા પાસે જાય છે , હૈયામાં કોઈ સ્વાર્થ નથી . પોતાના તેમજ સામેની વ્યકિતના જીવન - હિતનો વિચાર છે . કશું મેળવવું નથી માત્ર મળવું જ છે . અપેક્ષાનું કોઈ વજન નથી ; નિરપેક્ષ ભાવની હળવી સુવાસ છે . જ્યારે જનાર વ્યકિત અને સામે આવનાર વ્યકિત જ સમાન ભૂમિકા પર આવી જાય તો ‘ તું નાનો હું મોટો ' એવી કોઈ જ ગ્રંથિની ગરબડ ઊભી થતી નથી , ગૂંથાય છે માત્ર નિઃસ્વાર્થ ભાવસંબંધ .
આજે સમાજમાં કેટલાય વર્ષોથી સ્વાધ્યાયીઓ કોઈ પણ પ્રકારની કર્મ પ્રેરણા વગર ભકિતફેરીમાં આંદોલિત થયાં છે ; પરંતુ ક્યાંય નીરસતા નથી . શુષ્કતા નથી . ભોતિક હેતુથી જનારો વર્ગ હેતુ પૂરો થતાં જવાનું માંડી વાળે છે અથવા તો અસફળ જતાં ઉત્સાહમાં ઓટ અનુભવતાં પાણીમાં બેસી જાય છે . પરંતુ સ્વાધ્યાયીઓ નથી ઉત્સાહની અછત અનુભવતા કે નથી કરતા પીઠ ફેરવી લેવાનો વિચાર ! આ સાતત્ય જ એમની વિશેષતા છે . નિરપેક્ષ ગતિની પાછળ ઊભેલી પ્રભુભકિતને જ કારણે આ સાતત્ય ટક્યું છે ; સાથે રહીને પગલું પડ્યું છે .
સ્વાર્થ , પ્રલોભન કે આકર્ષણ છોડીને ઘરનો ઉબરો ઓળંગવાની આજે કોઈની પણ તૈયારી દિખાતી નથી , ત્યારે આવા સમયમાં એક ક૫ ચાની પણ આશા રાખ્યા વગર કે બે મીઠા વેણ સાંભળવાની અપેક્ષા રાખ્યા વગર “ મારે તો પ્રભુનું કામ કરવું છે . ” એ ભાવનાથી પોતાનું જીવન સંભાળીને પોતાના ગાંઠના પૈસા ખર્ચન એક વર્ગ સમાજમાં ફરી રહ્યો છે ; ભકિતફરી કરી રહ્યો છે . તો એમની પ્રેરણા કઈ ?
સામાન્ય અનુભવ એવો છે કે પ્રવાસભાડું કે દૈનિક ભથ્થુ આપ્યા વગર કોઈ પણ માણસને રચનાત્મક કાર્યમાં જોડવો શકય નથી પરંતુ ભકિતફેરીમાં જવાવાળા હજારો લોકોનાં મનમાં ભથ્થાનો વિચાર ફરક્યો નથી , કારણ દિલમાં પ્રભુકાર્ય માટે નિષ્કામ ભાવે ઘસાઈ જવાની તમન્ના છે .
આજનો સમાજ ભોગનાં ભરડાઓમાં ભીંસાતો જાય છે. એ સમયે ભકિતફરી એક નવી જ દિશા લઈને આવે છે ભકિતફેરીએ આજના સમાજને એક નવો જ આયામ આપ્યો છે ; નવી નજર આપી છે . જીવન વિકાસ કરવો અને પ્રભુના લાડલા બનવું આ ભકિતફરીની પ્રેરણા શકિત છે.
પ્રભુ પ્રત્યેની લાગણીની ભીનાશ વ્યકત કરવા , કૃતજ્ઞતા વ્યકત કરવા આજે હજારો સ્વાધ્યાયી ભાઈઓની સાથોસાથ બહેનો પણ ગામડે ગામડે ભક્તિફેરીમાં જાય છે , ભગવાન બુદ્ધ સ્ત્રીઓને ધર્મની અધિકારી બનાવી હતી . સ્વાતંત્ર્યપૂર્વે સ્ત્રીઓ પ્રત્યે સહાનુભૂતિ જન્મી તે કાળમાં સમાજસુધારકો અને સ્વાતંત્ર્યસેનાનીઓએ સ્ત્રીઓને સમાજ સુધારણા અને ક્રાંતિમાં સામિલ કરી . પૂજ્ય दादाએ બહેનોને ભકિતફેરીમાં જવાનો અને સાંસ્કૃતિક કાર્યમાં જોડાઈ યજ્ઞીય કાર્ય કરવાનો અધિકાર આપીને સ્ત્રીઓને મહિલાનું સ્વરૂપ સમજવ્યું અને તેમને ભકિત અને મુક્તિનો અધિકાર છે , એમ સમજાવ્યું. નાના નાના સમૂહમાં થોડાક દિવસ સાથે રહીને પ્રભુકાર્ય કરતાં કરતાં બહેનો પણ જીવનવિકાસ કરી શકે છે , આ કલ્પના ભકિતફરીમાં સાકાર થઈ છે.
ભક્તિફેરીમાં પ્રત્યેક વ્યકિત પોતાની અનુકૂળતા પ્રમાણે જોડાય , કોઈ રવિવારે તો કોઈ એકાદશીના દિવસે . કોઈ મહિનામાં બે વાર તો કોઈ ચાર વાર . કોઈ ચાર - છ મહિને પંદર દિવસ માટે પણ જાય છે . સાધન જે મળે તે , સાઈકલ કે સ્કૂટર , બસ કે રેલ્વે , કોઈ પણ રીતે જવું આ લક્ષ્ય હોય છે.
આપણા દેશની એક શૈક્ષણિક સંસ્થાના અગ્રગણ્ય વ્યકિતએ ભક્તિફેરીમાં જનાર એક સ્વાધ્યાયી ભાઈને કહ્યું , “ મારે પૂજ્ય શાસ્ત્રીજીને એકવાર મળવું છે અને ખાસ તો એ પૂછવું છે કે મુંબઈ શહેરમાં મોજશોખથી જીવતા શ્રીમંત , સાધનસંપન્ન , મોટી માટી ડીગ્રીવાળા તથા એરકન્ડીશન્ડ ઓફિસોમાં મોટા પદ પર કામ ? કરવાવાળા લોકો પર તમે એવો તે કયો જાદુ કંડર કર્યો છે કે આ બધું છોડીને તેઓ ગામડામાં નિયમિત જાય છે ? પોતાનો સામાન પોતે ઉપાડે છે. પોતાનું ભોજન પણ જાતે જ તૈયાર કરે છે અને આ ટાઢ - તાપ કે વરસાદની પણ પરવા કરતા નથી ? ' '
યજ્ઞીયભાવ --- સમૂહમાં સાથે રહીને , ભળીને કામ --- એ ભકિતફેરીનું પ્રભાવી અંગ છે . ‘ મળ્યો તે ભાઈ ’ એ સમજણ હોવાથી ‘ બીનને પ્રભુએ મોકલ્યો છે ' એમ માનીને પ્રેમથી સ્વીકારીને સૌ સાથે કામ કરે છે . ઉદ્યોગપતિ હોય કે વેપારી , પ્રોફેસર હોય કે ડૉકટર , એજીનીયર કે વકીલથી માંડીને ક્લાર્ક , મજૂર , બ્રાહ્મણ , વણિક , મુસલમાન જે કોઈ હોય તે સૌ મળીને આત્મીયતાથી કામ કરે છે , “ મેં ' નહીં પણ “ અમે ' કામ કર્યું છે આ ભૂમિકા હોવાથી કાર્યને યશ મળે તો મારો નહીં પણ પરિવારનો છે એવી ભાવના હોય છે આમ થશીયભાવથી પ્રભુકાર્ય આકાર લે છે .
ભકિતફેરી એટલે વિચાર, વાણી અને વર્તનમાં સંવાદિતા લાવવા માટેની તક . મન , વચન અને શરીરનું તપ કરવા માટેની તક, તપ એટલે સ્વેચ્છાએ ઉપાડેલું , સ્વીકારેલું કષ્ટ , તપમાં ધ્યેય માટે સામેથી દુઃખ ઉઠાવવાના હોય છે . પ્રભુકાર્ય માટે અગવડને પણ આમંત્રણ એટલે તપ. સિદ્ધિ માટે પ્રતીક્ષા કરવાની, પરિસ્થિતિ કે પ્રારબ્ધથી જે વિપત્તિઓ સંસારમાં આવે છે એ તો સૌ કોઈ ઝીલે છે કારણ ત્યાં બીજો કોઈ વિકલ્પ નથી, પરંતુ એને તપ ન કહેવાય .
માનવનું જીવન ભાવની ભીનાશથી નીતરે અને પ્રભુ તરફ વળે, આશાવાદી અને તેજસ્વી બને , જીવનમાં વિધાયક દૃષ્ટિકોણ આવે, પવિત્ર અને ઉચ્ચ ધ્યેય માટે ઘસાઈ જવાની વૃત્તિ નિર્માણ થાય --- આવા શુભ હેતુ સાથે કૃતિશીલ ભાઈઓ - બહેનો ભક્તિફેરીમાં જાય . પૂજ્ય दादा દ્વારા કહેલા ગીતા ઉપનિષદ્ અને વેદોના વિચારો અને અવતારોનું જીવન કાર્ય લોક - હૃદય સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે . .
ભક્તિફેરીથી માણસનાં વિચારોની કરોડરજુ ટટ્ટાર થાય, એનામાં આત્મ ગૌરવ ઊભું થાય. ભકિતફેરી કરવાવાળા કૃતિશીલને પૂછશો તો હિંમત , સાહસ , વૈર્ય અને અતૂટ ઈશશ્રદ્ધાનાં દષ્ટાંતો સાથે અનેક ભાવપ્રસંગો સાંભળવા મળશે. અનેક વિનોનો સામનો કરી વિશ્નોને વટાવી ગામની ચાર પાંચ વ્યકિતઓને મળીને પાછા ફરવાવાળા સ્વાધ્યાયીની આંખમાં લેશમાત્ર ભય, નિરાશા કે લાભ - હાનિની કોઈ ગણતરીનો ભાવ જોવા નથી મળતો, બધાનાં ઉરમાંથી એક જ સૂર નીકળે છે કે પૂજ્ય दादा દ્વારા પ્રેરિત કાર્ય બુદ્ધિપૂર્વક સમજીને કરું . હું તો પ્રભુનો સૈનિક ! પ્રભુ જ મારા કાર્યની નોંધ લેશે,
ભક્તિફેરીમાં જનાર જ્યારે કોઈ અજાણ્યા અપરિચિત લોકોનાં બારણે ટકોરા મારે છે , ત્યારે આવકાર મળશે કે નહિ મળે ? આગમનનું મૂલ્ય સમજાશે કે નહીં સમજાય ? ત્રણ વ્યકિત મળશે કે ત્રણહજાર ? આ બધા વિચારોથી એના ઉત્સાહમાં કોઈ ફરક નથી પડતો ; કારણ એ તો પ્રભુના કામે નીકળ્યો છે . એની આગળ - પાછળ , આજુ-બાજુ ભગવાન રહે છે. આ એની દઢ માન્યતા છે આગળ રહીને ભગવાન માર્ગદર્શન આપે છે. જ્યારે પાછળ ઊભા રહીને સહારો, તો સાથે રહીને સુખ-દુ:ખ , યશ-અપયશમાં ભાગીદાર બને છે. તેથી જ પ્રભુનો સૈનિક , પ્રભુનું કાર્ય કરનારો હંમેશા આશાવાદી હોય છે અને વિશ્વાસ છે કે જ્યારે એની શક્તિ ઓછી પડશે ત્યારે એની પૂર્તિ કરવાવાળો ભગવાન એની અંદર છે . એની સાથે છે ; તેથી યશ મળતાં તે ફુગ્ગાની જેમ ફૂલાતો નથી અને અપયશ મળે તો મૂરઝાતો નથી કારણ કે મનમાં સમજે છે કે પોતે પ્રભુનાં વિચારોનો વાહક છે . પ્રભુકાર્યનું સાધન છે .
કાર્લ માર્ક્સ જેવા સમાજવાદી ચિંતકોનું આ માનવું છે કે સમર્થ વ્યક્તિ અસમર્થની પાસે તેને ઉત્તેજીત કરવા એટલે તેનું શોષણ કરવા જાય છે. વ્યકિત બીજ પાસે સ્વાર્થ વગર જઈ જ ન શકે. આ વાતનો જગવિખ્યાત ચિંતકોએ સિદ્ધાંતના રૂપમાં સ્વીકાર કર્યો, પરંતુ સ્વાધ્યાય પરિવારે તો ‘ ભકિતફેરી’ના અભિનવ પ્રયોગ દ્વારા માણસ પાસે જવાની ભૂમિકાને જ બદલાવી નાખી .
ભકિતની નજર હોવાને કારણે સામે આવનાર ભાઈ લાગે છે , કારણ કે એનો અને મારો બંનેનો એક જ પિતા છે , આ વિચારની સાથે સાથે લોહીના સંબંધથી નહિ પણ લોહી બનાવનારનાં સંબંધથી સૌ જોડાયા છે , એ મજણથી લોકોમાં દૈવી ભ્રાતૃભાવ નિર્માણ થાય છે આમ સોનામાં સુગંધ ભળે છે , જે ભગવાન મારામાં છે તે બીજમાં પણ છે ' આ ભૂમિકા હોવાથી " માનવસંબંધની બંધાની વ્યાખ્યાઓમાં સમજણ સ્થિર થતી જોવા મળે છે. આજે અનેક લોકો પ્રભુનાં વિચારોનાં પુષ્પોની સુવાસ લઈ જુદી જુદી દિશાઓમાં પવન થઈ પહોંચવા લાગ્યા છે . સુગંધને કયારેય કોઈ સરહદ નડતી નથી .
ભક્તિફેરીમાં જેઓ જાય છે તેઓ બીજ સમક્ષ આદર્શની મોટી મોટી વાત કરે છે ; પરંતુ જે ગુણ જીવનમાં સાકાર નથી થયા એના વિશે બીજાને કહેવાનો તેમને શું અધિકાર છે ? આવો પ્રશ્ન કદાચ કોઈના મનમાં ઉદ્દભવી શકે. પરંતુ માનવના જીવનમાં ત્રણ વાતો હોય --- વિચાર, ઉચ્ચાર અને આચાર. બીજી રીતે કહેવું હોય તો વિચાર, વાણી અને વર્તન. મનુષ્ય જે કંઈ વિચારે છે તેને એક જ રૂપમાં એ વાણી દ્વારા વ્યકત નથી કરી શકતો અને જે કંઈ કહે છે તેને વર્તનમાં, વ્યવહારમાં રૂપાંતર કરવું પણ મુશ્કેલ છે એટલે આ ત્રણ વચ્ચે અંતર રહેવાનું છે.
આચારનું ઉધ્ર્વીકરણ કરીને વિચાર અને આચાર વચ્ચેનું અંતર ઓછું કરવું એનું જ નામ જીવન વિકાસ , દૈવી વિચારો બીજાને કહેવા જવા એ વિચારોને જીવનમાં સાકારિત કરવાની ચાવી છે. સમાજમાં એવી માન્યતા પ્રચલિત છે કે ધર્મ અને તત્ત્વજ્ઞાનની વાતો તો કેવળ બ્રાહ્મણ , બ્રહ્મચારી અને સંન્યાસી જ કરી શકે . ઘડપણમાં જ ગોવિંદના ગુણગાન ગાવાનાં . પૂજય दादा એ સમજાવ્યું કે---
બ્રહ્મ એટલે વિચાર અને ભગવદ્ વિચાર લઈ જાય તે બ્રાહ્મણ. એટલે ભગવાનનાં કાર્યમાં પોતાની જાત ઘસે તે બ્રાહ્મણ . આમ ભકિતફેરીમાં જનાર દરેક વ્યકિત બ્રાહ્મણ છે. પછી ભલે તે લૌકિક દષ્ટિએ માછીમાર હોય કે આદિવાસી હોય , હરિજન હોય કે વાઘરી , દેશી હોય કે વિદેશીહોય . પૂજ્ય दादाની નજરે તે બ્રાહ્મણ છે . આમ પ્રભુનું કામ માણસ પોતાના સંસારની જવાબદારી સંભાળીને કરી શકે છે. આ વાત પૂજ્ય दादाએ સાબિત કરી બતાવી છે .
ભકિતફેરી આ સામાજિક કાર્ય નથી. સ્વાધ્યાયીઓ ગામડામાં જાય છે પણ ગ્રામોધ્ધારક નથી . હરિજનોની પાસે જાય છે પણ હરિજનોધ્ધારક નથી. મહિલાઓ પાસે જાય છે પણ અબલોધ્ધારક નથી. ભકિતફેરી કેવળ ભકિતથી છલકાતા હૃદય અને ભીતરમાં ભકિતનો બાજોઠ મૂકી પ્રભુનું સ્થાપન કરીને થાય છે .સમાજસુધારણા, વ્યસનમુકિત જેવા સામાજિક કાર્યો જાગૃત પ્રયત્નો ન કરતાં હોવાં છતાં ભાઈભાઈની ભૂમિકાથી નિકટ આવવાને કારણે શકય બન્યાં છે. પ્રત્યેક સમસ્યાના ઉકેલ રૂપે આ ભકિતીનો પ્રયોગ વર્તમાનમાં તેમજ આવતીકાલ માટે જરૂરી છે .
ભક્તિફેરી એ સમગ્ર સ્વાધ્યાય કાર્યોની આધારશિલા છે . પૂજ્ય दादा ના આ કાર્યાન્વિત વિચારથી છેલ્લા ૩૦ વર્ષોમાં યોગેશ્વરકૃષિ , અમૃતાલયમ , વૃક્ષમંદિર , ગોરસ , મત્સ્યગંધા , હરામંદિર , તીર્થયાત્રા , યજ્ઞ અને વયસ્થ સંચલન જેવા અનેક ક્રાંતિકારી અને પ્રાણવાન પ્રયોગો સ્વાધ્યાય પરિવારે સફળતાપૂર્વક સમાજમાં મૂક્યાં છે . જે ઈતિહાસનાં અવિસ્મરણીય પ્રકરણો બની રહેશે . હવે ક્યારેક ભક્તિફરી શબ્દ સાંભળવા મળે તો એનો અર્થ શબ્દકોશમાં નહીં શોધતા ; કારણ આ શબ્દ તો પૂજ્ય दादाનાં હૃદયકોશમાંથી પ્રગટેલો છે. એનો અર્થ મળશે સુગંધની શેરીમાં . . . . . ભકિતફેરીમાં . . . . . !!!
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.