વૃક્ષમંદિર.
'વૃક્ષ' આ શબ્દ સાંભળતાં જ હદયની ડાળી પર એક લીલીછમ કુંપળ ફૂટી નીકળે . એ ડાળીઓની વચ્ચેથી પસાર થાય વિસ્મયની લહેરખી .... કશુંક લીલુંછમ આંખો સામે ઉઘડવા માંડે . પર્ણોની ધીમી ગુફતેગો ડાળીના કાને અથડાયા કરે . ઘેઘૂર ડાળીઓ વચ્ચે સૂર્યના કિરણો પથરાતાં , અજવાળાનું ઝીણું નકશીકામ થવા માંડે . આંખોમાં પથરાવા માંડે વૃક્ષોનો લીલેરો વૈભવ . ઊડી ગયેલા પંખીના ટહુકાનો પગરવ સચવાઈ જાય . ઝુકેલી ડાળીઓના ખભા પર ..... 'વૃક્ષ' એ તો ઈશ્વરના હાથથી લખાયેલી લીલીછમ લિપિ . આ લિપિને વાંચવા હદયની આંખ જોઈએ . વૃક્ષનું જીવન જ લીલુંછમ . પોતાના મૂળિયાં જમીનમાં દાટી પોતાનો રસ જાતે જ મેળવી લે . ધરાનું બંધન સ્વીકાર્યું હોવાથી ચોતરફ ફેલાઈ છે એની ઘટાઓ . ટાઢ , તાપ કે વરસાદને ઝીલતું દરેક ઋતુઓમાં ધબકતું વૃક્ષ . પથ્થર મારનારને ફળ આપે . શંકરની જેમ ઝેર પી લે છતાંય અમૃતરૂપી પ્રાણવાયુ આપે . બદલાની કોઈ આશા નહિ , આભાર કે કદરના બે મીઠા વેણની કોઈ અપેક્ષા નહિ , પોતાના મૂળિયાં ઔષધરૂપે આપે . પૂજાની સામગ્રી માટે ક્લ , પાન આપે . ભૂખ સંતોષવા ફળ આપે , થાકેલાને છાંયડો આપે . અન્યનો વિચાર કરતાં શીખવે તે વૃક્ષ . ગીતાના નિ : સ્વાર્થ કર્મને જે કોઈની સાથે સરખાવવું હોય તો વૃક્ષ સાથે સરખાવી શકાય . વૃક્ષ એ નિ : સ્વાર્થ પ્રેમનું પ્રતીક .
પરંતુ માનવને વૃક્ષમાં પણ લાકડું દેખાય છે . જે બળતણ પૂરું પાડે , ફર્નીચરમાં કામ લાગે . વૃક્ષના થડમાંથી જ માણસે બનાવ્યો કુહાડીનો હાથો .આંખમાં ભોગનું ઝેર ભરાતાં , હાથમાં કુહાડી આવતાં વૃક્ષોનું નિકંદન શરૂ થયું . જંગલો કપાવા માંડ્યા . વૃક્ષોની લાશો ઢળવા માંડી . આની પ્રતિક્રિયારૂપે દેશભરમાં વૃક્ષો બચાવવા માટે અનેક ઝુંબેશો શરૂ થઈ . વૃક્ષારોપણો પણ થયાં ; અભયારણ્યો રચાયાં . “ વૃક્ષ વાવો ” નાં આંદોલનો થયાં . વૃક્ષો રોપાય છે ખરા ; પણ મોટાં નથી થતા ; કારણ ઉછેર થતો નથી . કંઈક કેટલાય નવજાત શિશુ જેવા લીલાછમ છોડો યોગ્ય ઉછેર અને માવજતના અભાવે મુરઝાઈ જાય છે ; મરણને શરણ થાય છે . માત્ર 'ભોગ' ની જ દૃષ્ટિ લેવાથી વૃક્ષનો ભોગ લેવાય છે .કેટલાકની દ્રષ્ટિએ વૃક્ષનું મહત્વ સૌંદર્ય પૂરતું જ છે , બધું લીલુંછમ દેખાય , હરિયાળું લાગે ; સુંદરતામાં ઉમેરો થાય એ હેતુથી વૃક્ષારોપણ થાય.
વૃક્ષ તરફ જોવાની ભોગવાદી અને સૌંદર્યવાદી દષ્ટિ હોવાથી બંનેમાં અધૂરપ છે . ઉપયોગિતા અને સૌંદર્ય ઉપરાંત વૃક્ષમાં કાંઈક અધિક પણ છે . જેમ મનુષ્ય , પશુપંખીમાં પ્રભુ વસે છે એ રીતે વૃક્ષ વનસ્પતિમાં પણ પ્રભુ વસે છે તેથી વૃક્ષનું પૂજન એ તો ઈશપૂજન છે .
"વનસ્પતિમાં જીવ છે ." એવી વિજ્ઞાનની માન્યતા છે ; જયારે અધ્યાત્મ કહે છે કે વનસ્પતિમાં શિવ છે ; પરંતુ જેમની સંવેદનાનો વ્યાપ કેવળ માનવ પૂરતો જ સીમિત નથી ; પરંતુ મા વસુંધરાના મુગટરૂપ વૃક્ષ સુધી વિસ્તરી ગયો છે એવા વાસંતી વિચારક પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીએ ( પૂજય दादाએ ) ' વનસ્પતિમાં વિશ્વપતિનો વાસ છે ' આ વિચાર મૂકી વૃક્ષ પાસે માત્ર સંરક્ષક કે માળી , માલિક કે મજૂર તથા ત્રાહિત કે તટસ્થ થઈને ન જતાં પૂજારી તરીકે પણ જઈ શકાય એવી સમજણ આપી.
‘વૃક્ષમંદિર' આ શબ્દપ્રયોગ આપણા માટે નવો છે . મંદિર હોય ત્યાં ઈંટ ચૂનાનું ચણતર હોય. અંદર આરસ કે માટીની ભગવાનની મૂર્તિ હોય . વૃક્ષોની મૂર્તિ હોય એ વાત પહેલાં તો આપણા ગળે ઊતરે જ નહિ . વૃક્ષોની વાટિકા હોય . ઉપવન હોય પણ વૃક્ષોનું મંદિર હોય એવું કદી સાંભળ્યું નથી. વૃક્ષમાં ભગવાન હોઈ શકે એવું ક્યાંય જોયું કે જાણ્યું નથી .
પૂજય दादाએ ઈશ્વરને વૃક્ષમાં જોયા છે તેથી જ તેમના હદયકોશમાંથી ‘ વૃક્ષમંદિર ’ જેવો અર્થસભર શબ્દ પ્રગટયો છે . તેઓ બાલતરુના પાંદડે પાંદડે બાલમુકુંદને જુએ છે . એમના આ વૃક્ષમંદિરમાં રણછોડ લપાયો નથી પણ ભાવના લીલાછમ રંગથી લીંપાયો છે . આમ પૂજય दादाએ વૃક્ષ જેતી આંખમાં ભકિતની નજર મૂકીને , મંદિર જોવાની દૃષ્ટિ આપી .
વૃક્ષમંદિર એટલે ધરતીને ખોળે રમતું દેવાલય . જેને નથી દ્વાર કે દીવાલ , છે માત્ર હરિયાળી ભાવ . જેમાં બિરાજે છે વિકાસ પામતી , વૃધ્ધિગંત થતી ચેતનવંતી તરુમૂર્તિઓ . આપણા મંદિરોના પ્રાંગણમાં વડ , પીપળો કે તુલસી હોય છે . તેમની પૂજા પણ થાય છે પણ તેમનું સ્થાન આંગણામાં , ગર્ભદ્વારમાં નહીં . જયારે અહીં તો વૃક્ષ જ સ્વયં મૂર્તિ ; કારણ અહીં વૃક્ષ તરફ જોવાનો દૃષ્ટિકોણ ઉપયોગ કે ઉપભોગથી ઉપર ઉપાસનાનો છે , ભોગ કે ભાવથી ઉપર ભકિતનો છે .
વૃક્ષની જ્યાં દેવરૂપે પ્રાણપ્રતિષ્ઠા થાય તે વૃક્ષમંદિર , પ્રાણપ્રતિષ્ઠા એટલે ‘ લૌકિકત્વમાં દેવત્વનો સંચાર ' . અહીં શ્રમનું સામાજિકીકરણ નથી , ઉપભોગની દૃષ્ટિ નથી કે નથી માત્ર સૌદર્યદષ્ટિ . અહીં તો છે ઉપાસનાભાવ . લીલાછમ ભાવ સાથે પ્રભુ પાસે બેસવું . નિષ્કામ ભાવે પોતાનું સ્વકર્મા ભગવાનને ચરણે ધરી શકાય . વૃક્ષની ડાળી પરથી તોડેલા ફૂલ કરતાં કર્મપુષ્પની સુગંધ અનોખી હોય . આ સુગંધ જે વહેતી વહેતી ભગવાનના ચરણને પલાળે તો ભગવાનના લાડકા થવાય . એના ખોળે બેસી શકાય . સામાન્યોમાં આ સમજ ઊભી થતાં તેઓ વિચારતા થયા . ભકિત આટલી સરળ હોય તેની કલ્પના જ નહોતી . કોદાળી અને પાવડાથી પણ ભકિત થઈ શકે . આ વિચાર મળતાં જ તેઓમાં કામ કરવાની તાલાવેલી જન્મી . પોતાની આવડતનો હોમ કરવાની તૈયારી નિર્માણ થઈ . આવા યશ કાર્યમાં સામેલ થશું તો રોજીંદા જીવનમાં પણ શોભા અને સુગંધ વધશે એવું લાગવા માંડ્યું . આત્મશ્રદ્ધા જાગૃત થઈ . સ્વાધ્યાય દ્વારા માનવ માનવને ભગવાનના દીકરા તરીકે જોવાની દષ્ટિ મળી હોવાથી દૈવી સંબંધ નિર્માણ થાય . ઉપવન પર સી શ્રમભકિત માટે ભેગા થાય . સૌના રંગઉમંગ જુદા . ત્રીકમ અને પાવડા એ પૂજાના સાધનો થાય . જે કાર્ય પાછળ પ્રભુ જોડે જોડાવાનો ભાવ હોય તે પ્રત્યેક કૃતિ માનવને ભગવાન જોડે . સૌ સાથે મળીને ભાવગીતો ગાતા , શ્લોકો વહાવતા શ્રમભકિત કરે . ઉપવન તૈયાર થાય .
હવે ઉપવનમાં મૂર્તિઓ સ્થાપવાની ... વૃક્ષની મૂર્તિઓની શોભાયાત્રા નીકળે . સૂત્રોથી વાતાવરણ સભર બને . સૌ વાજતે ગાજતે ઉપવન પર તે આવે . રોપા માટે ખાડાઓ અગાઉથી તૈયાર કરેલા હોય . સૌ પ્રેમથી નીતરતા , બાલતને સાથમાં લઈ નિયત સ્થાને હાજર થાય . શાસ્ત્રોકત પૂજાવિધિ થાય , વેદમંત્રોચ્ચારનું ગુંજન વાતાવરણને આંદોલિત કરી મૂકે . સૂકતો ગવાય . પંચદેવનું આવાહન થાય ને ત્યાર બાદ બાલતરુઓની પ્રાણપ્રતિષ્ઠા થાય . ને આકાર લે વૃક્ષમંદિર . છોડમાં રણછોડ બિરાજે . ઉપવનમાં ઊભા થયેલ વૃક્ષ મંદિરને સાચવવા ચોકીદાર નહિ પણ પૂજારી આવે , આ ઉપવનના માલિક માત્ર ભગવાન , , , , આવનાર ભગવાનનો પૂજારી ..... એ નથી માલિક કે નથી મજૂર ... એ વાહિત કે તટસ્થ પણ નથી , વૃક્ષમંદિરમાં માવીને જીવન લીલુંછમ બને એ જ આવનારના અંતરની ઝંખના .
ઉપવનમાં બધા જ લોકો આવે , ભેદનો છેદ ઉડાડી સૌ ભેગા મળે . આત્મીયતાનો દોર વધુ પાકો કરે . જુદા જુદા ગામના પૂજારીઓ આવે , બાલારૂઓની પ્રેમથી સંભાળ રાખે . ભાવસંબંધનું ઝરણું ખળખળ કરતું વહેવા માંડે . પ્રકૃતિની કિતાબનાં પાનાં હળવે હળવે વંચાતા જાય . લીલીછમ લાગણીની લિપિ ઉકેલાવા માંડે . સૌ ભેગા મળે એટલે સ્વાધ્યાયની વાતો થાય , અરસપરસ પ્રેમ અને વિચારની આપ - લે થાય . સાથે પ્રાર્થના થાય . સ્તોત્રો ગવાય . ભાવગીતોની ભીનાશમાં સૌ ભીજાય . સવાર સાંજ સાથે જ જમે ...
सं वो मनांसि जानतम्----
1 Comments
Jay yogeshvar. Dada ne shat shat naman.
ReplyDeleteJay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.