તીર્થયાત્રા.
( યાત્રા + ધર્મ = તીર્થયાત્રા)🚶
જો યાત્રામાં ધર્મ ભળી જાય તો તે યાત્રા તીર્થયાત્રા બની જાય છે.
સંત નામદેવને મુકતાબાઈએ કાચો ઘડો કહી ટપાર્યા ને નામદેવ પહોંચ્યા પંઢરપુર. ત્યારે ભગવાને કીધું કે “ તેરેડોકીથી પંઢરપુર સુધીના માર્ગમાં હું નહોતો ? '' ; ત્યારે નામદેવ ઘડીક વિચારમાં પડી ગયા. પરંતુ ભકતોને હૈયે નામદેવનો વાંક લાગતો જ નથી. પ્રભુ પ્રાગટયથી રોમાંચિત બની ગયેલી ભૂમિ પર પગલાં માંડતાં જ આપણા હોઠે પ્રભુનામ વહી નીકળે છે. આ તીર્થસ્થળોનું મહત્ત્વ જ કંઈક અનેરું અંકિત થયેલું છે. પર્વતોની એ કંદરામાં કે વૃક્ષોની ભુલભુલામણીમાં પ્રભુ જયાં જયાં આકાર રૂપે રમ્યા તે સ્થળોએ પહોંચવાનો આનંદ જ કંઈક વિશેષ છે.
આ યાત્રા એટલે કંઈ ઊનનો દડો ઉકેલતાં ઉકેલતાં સોયમાં પરોવીને બનાવેલ સ્વેટરની જન્મયાત્રા નથી. પણ આ તો ઉકેલી લીધેલા દડાને સંકેલવાની યાત્રા છે. વ્યાવહારિક શાણપણનું પડળ આંખ આડેથી હડસેલીને જીવન વિષયક ચિંતન કરવું અને નિસર્ગના ખોળામાં રહી જીવનનું સરવૈયું મેળવવા પ્રયાસવું આનું નામ યાત્રા. પરંતુ આજે પુણ્યનું ભાથું બાંધવા દોડતો ને પાપની બાંધેલી ગઠરી છોડતો માનવ પ્રભુ પાસે જ્યારે જાય છે, ત્યારે તેના મોં પર હોય છે દીનતાનો ભાવ. કતારબધ્ધ ઊભેલા કાળા માથાના આ યાત્રાળુઓનાં ટોળાંમાં પવિત્ર અંત:કરણને બદલે હોય છે ક્ષુદ્ર હૃદય ! યાચક બનીને આવતા આ યાત્રીઓને જોઈને પ્રભુ શાને ખુશ થાય ? કોઈ પર્યટન સ્થળની માફક તીર્થસ્થળે આવેલાને પ્રભુના કીર્તન ને બદલે ધરાતા ભોગની યાદીમાં રત રહેલા આ હજારો ; યાત્રાળુઓના શ્વાસોચ્છશ્વાસમાંથી નીકળતા સ્વાર્થ અને ભોગના ઝેરી વાયુથી પ્રભુને જરૂર ગૂંગળામણ થતી હશે . હોંશે હોંશે તીર્થસ્થળોએ મળતી જાતજાતની વાનગીઓ આરોગતા ને આવનજાવનની ટિકિટોનો હિસાબ માંડતા આ યાત્રાળુઓ જેમ બને તેમ જલ્દી મોક્ષ મેળવવા આતુર હોય છે અને એમાં તીર્થયાત્રાની ઈતિશ્રી માને છે . પરંતુ આ પ્રકારની તીર્થયાત્રાઓમાં પ્રાણ નથી હોતો. તીર્થયાત્રા પાછળ રહેલો ઋષિઓનો અમૃતવિચાર મુરઝાતો જતો હતો ; ત્યારે તેને નવપલ્લવિત કર્યો છે પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( પૂજય दादा ) ના અમૃત સ્પર્શે. પૂજય દાદા તેનો સાંસ્કૃતિક જીર્ણોધ્ધાર કરીને નવસર્જનની પ્રક્રિયા દ્વારા તેને આગળ ઘપાવે છે.
પવિત્ર અંત:કરણથી, પવિત્ર હેતુથી, પવિત્ર વિચારો સાથે, પવિત્ર વૃત્તિથી પવિત્ર સ્થળે પ્રભુ મિલન માટે જવું એનું જ નામ તીર્થયાત્રા. આ તીર્થધામો એ તો ઋષિઓની કર્મભૂમિ, જયાં પ્રભુ સામે ચાલીને વસવા આવ્યા. આ તીર્થસ્થાનમાં સાથે હોય છે માત્ર દઢ સંકલ્પ , પવિત્ર વિચાર અને પ્રેરક વાણી . તીર્થયાત્રામાં પ્રભુમિલન માટે જવાનું. પ્રભુને મળવા જવાનું હોય તો શણગાર સજીને જવું જોઈએ. कर ले शृंगार चतुर अलबेली साजन के घर जाना है I પ્રિયતમા જયારે પતિને મળવા જાય છે ત્યારે સોળે શણગાર સજીને જાય છે . એની એક જ અભિલાષા હોય છે કે એને જોઈને એનો પ્રિયકર ખુશ થવો જોઈએ , આનંદિત થવો જોઈએ , ભક્ત પણ જયારે પ્રભુને મળવા તીર્થયાત્રામાં જાય છે ત્યારે શણગાર સજીને જાય છે . પણ કયો શણગાર ? પ્રભુને કયો શણગાર ગમે છે ? પ્રભુને કર્તુત્વનો શણગાર ગમે છે . ભકત જયારે નિ:સ્વાર્થ ભાવે અને પ્રેમાળ હદયે,માનવ માનવ પાસે જઈ પવિત્ર વિચારો સમજાવી, અસ્મિતા અને ભાવ જાગૃતિ કરી અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ ભાવ ઊભો કરી પ્રભુને મળવા જાય છે, ત્યારે પ્રભુ એને ભેટે છે . પ્રભુ એને જોઈને આનંદથી પુલકિત થાય છે. ભકત જયારે વિનમ્ર આત્મનિવેદન કરતો હોય ત્યારે પ્રભુ એની સામે પ્રેમથી અનિમેષ દૃષ્ટિથી જોતા રહે છે . અહીં ભકત યાચક બનીને કંઈ માગવા નથી આવતો પરંતુ પ્રભુ કાર્ય કરીને પોતાનું કર્તુત્વ પ્રભુ ચરણે ધરવા આવે છે . આવા લાડલા દીકરાઓને કે લિ મળીને પ્રભુ આનંદ વિભોર થઈ જાય છે .
પૂજય દાદાએ ઋષિઓની તીર્થયાત્રાની કલ્પનાને ફરી પાછી જીવંત કરી . તેમના દરેક પ્રયોગની માફક આ પ્રયોગ પણ ક્રાંતિકારી, ભાવપૂર્ણ અને નિરાળો છે. આ પ્રયોગની પાછળનું વિજ્ઞાન, વિચારબળ તો મહાન છે જ; પરંતુ સાથે સાથે તે બધા વિચારોનું સામાજિકીકરણ પણ એટલું જ ઉત્કૃષ્ટ છે . તીર્થયાત્રાના સ્વરૂપનું વિશ્લેષણ કરી તેમણે તીર્થયાત્રાની ત્રણ મૂળભૂત વાતો તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. સંઘ, કીર્તન અને પાપનાશ.પ્રાચીન કાળમાં તીર્થયાત્રા હંમેશા સંઘમાં - સમૂહમાં - થતી . સમૂહશકિતમાં નવસર્જનની જબરદસ્ત શકિત રહેલી છે . વ્યાવહારિક સગપણ કે સંબંધ ન હોવા છતાં સમૂહમાં રહેલી દરેક વ્યકિતનો પ્રેમ અને આદરથી સ્વીકાર કરવાનું શિક્ષણ સમૂહમાંથી મળે છે . સંઘ એટલે સ્વચ્છંદતા ઉપર સંયમનો બંધ . સંઘથી વિકાસ રૂંઘાતો નથી ; પણ સંઘમાં વિકાસની સમતુલા સધાય છે . સમૂહમાં અહંકારનું હવન થતાં તેમાંથી યજ્ઞીય ભાવનાની નોખી સુગંધ ઊભી થાય છે . તીર્થયાત્રામાં સ્વાધ્યાયીઓ સમૂહમાં જાય છે, ત્યારે સ્વાર્થ અને સંકુચિતતાની કૂપમંડૂકતામાંથી બહાર કૂદકો મારી નિ:સ્વાર્થ પ્રેમ અને ઉદાત્ત ધ્યેયની પાંખો વડે મુકત મને બીજાની સાથે વિહરે છે .
સંઘનિષ્ઠાના પાયામાં “અમે એક પિતાના સંતાન''ની પૂજય दादाએ સમજવેલી ભકિતની ભૂમિકા દઢ છે . તેથી જ સામૂહિક બળની શોભા અનેરી છે . સમૂહ શકિતમાં અફાટ સાગરને કૂદવાની કે હિમાલય જેવા ઉત્તુંગ શિખર સર કરવાની તાકાત છે .
કીર્તન એ તીર્થયાત્રાનું અવિભાજય અંગ છે, કીર્તન એટલે ભગવાનનો નામોચ્ચાર. માનવ પર સતત વરસતા રહેલા પ્રભુના નિ:સ્વાર્થ અને એક નિરપેક્ષ પ્રેમની કીર્તિનું ગાન એટલે કીર્તન. નિ:સ્વાર્થ પ્રેમ અને ઉદાત્ત ધ્યેયનું ભાથું લઈ ગામે ગામ તેજસ્વી ભગવદ્ વિચારો પહોંચાડી મનુષ્યમાં અસ્મિતા ને ભાવ જાગૃતિ અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ ઊભા કરવા તેનું નામ કીર્તન. આમ કીર્તન એ માત્ર કરતાલ અને મંજીરા પૂરતું જ મર્યાદિત ન રહેતાં કૃતિભકિતનો પર્યાય બને છે. હાથ, પગ, વાણી અને સમસ્ત ચિત્ત તંત્ર ભગવદ્ વિચારોમાં, ભગવદ્ કાર્યમાં જોડાયા છે અને તેમાંથી જન્મે છે કીર્તનનું સુમધુર સંગીત !
આ વિચારને ધ્યાનમાં લઈ પૂજય दादाએ !! | ભકિતફરીનો પ્રયોગ આપ્યો . ભકિતફેરી એટલે ભકિતને પાયામાં રાખી ગામે - ગામ ભગવદ્ કાર્ય માટે ફેરી કરવી . પ્રભુના વિચાર પહોંચાડવા માટે આજે અક્ષરશ : હજારો સ્વાધ્યાયીઓ ગામડે ગામડે જાય છે . અપેક્ષા રાખ્યા વગર , રજાના દિવસોમાં પણ આરામ કરવાને બદલે પોતાના ખર્ચે પ્રભુ , કાર્ય માટે કોઈપણ જાતની અગવડતાની પરવા કર્યા વગર બહાર નીકળવું એ આધ્યાત્મિક કાંતિ નહિ તો બીજું શું છે ? આંતરિક ભકિત સાથે કૃતિ ભકિત સમજાવી પૂજય दादाએ જીવન રથને પ્રભુ દ્વાર તરફ સડસડાટ દોડતો કર્યો છે .
તીર્થ સ્થાનોમાં ફરવાથી , તીર્થક્ષેત્રમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે . મન શુધ્ધ અને નિર્મળ બને છે , આવી શ્રધ્ધા પ્રાચીનકાળથી લોકમાનસમાં દઢ થતી આવી છે . ભગવાને પણ ગીતામાં "अपिचेत्सुदुराचारो ........ ” કહીને પાપીને , સુદુરાચારીને આશ્વાસન આપી , તેનામાં આત્મવિશ્વાસ ઊભો કર્યો છે . પરંતુ આ પાપનાશ કેવી રીતે શક્ય છે ? તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરવાથી કે ફરવાથી જે પાપનાશ શક્ય હોય તો ; ત્યાંના પાણીમાં રહેલી માછલીઓ અને ત્યાં નિત્ય રહેતાં પશુ - પક્ષીઓ ઈત્યાદિ બધાને મોક્ષ મળી ગયો હોત . પાપનાશ એ કંઈ નદી કિનારે ઊભા રહી . છબછબિયાં કરવા જેટલી સહેલી વાત નથી . તેને પશ્ચાત્તાપના સમુદ્રમાં ડૂબકીઓ મારવી પડે છે .
પશ્ચાત્તાપ એટલે અજાણ્યે થયેલાં પાપોની કબૂલાત અને તેનું પુનરાવર્તન ન થાય તેનો દઢ સંકલ્પ.પાપનાશ એ માનસિક આવશ્યકતા છે . ગુનેગાર અને અપરાધી મનોવૃત્તિ વિકાસને માટે બાધારૂપ છે . તેથી જ આપણા ઋષિમુનિઓએ તીર્થયાત્રામાં પાપનાશની વિધિ સમજાવી પણ કાળક્રમે તેના તત્ત્વ અને સત્ત્વનો અસ્ત થવા લાગ્યો . તેની ગંભીરતા લુપ્ત થતી ચાલી . જીવન વિકાસ માટે નવું પ્રકરણ લખવા તેમ જ કરેલા પાપોનું પુનરાવર્તન ન કરવાના સંકલ્પની જે વાત હતી તે વિસરાઈ ગઈ અને “ તીર્થયાત્રા કરવાથી પાપનાશ થઈ જશે ” તેમ માની નવા પાપ કરવાનો પરવાનો માણસે પોતાની મેળે મેળવી લીધો . પાપપ્રક્ષાલનની આ વિકૃતિને નિહાળી પૂજય दादाએ પાપનાશની વિધિની ગંભીરતા ! સમજાવી કહ્યું કે જ્યાં સુધી પશ્ચાત્તાપ અને કરેલાં દુષ્કૃત્યો ફરીથી ન કરવાનો દઢ સંકલ્પ ને હોય ત્યાં સુધી પાપનાશ અશકય છે . પાપપ્રક્ષાલન નિરર્થક છે . પશ્ચાત્તાપની આ જ ભાવના સાથે તીર્થયાત્રામાં કરેલાં પાપો અને ભૂલોનું હવન અગ્નિમાં કરવાનું હોય હોય છે . દીકરો જેમ મા પાસે પોતાની ભૂલો કબૂલ કરી લે તેવી જ રીતે કરેલાં પાતકો અને ભૂલોની ભગવાન પાસે કબૂલાત કરી જીવનની સ્લેટ ચોખ્ખી કરી જીવનવિકાસના માર્ગ પર પ્રભુકાર્યના પંથે વિશેષ ગતિ અને ઉત્સાહ સાથે આગળ વધવાનો સંકલ્પ એ જ આ વિધિનું હાર્દ છે .
આ પાપપ્રક્ષાલનવિધિ એ માનવ મનની તો આવશ્યકતા છે જ પરંતુ સાથે સાથે "ગુનો કરનાર રોગી છે'' એ ધારણા લઈને ચાલનાર અપરાધવિજ્ઞાન SCIENCE OF CRIMINOLOGY પર સાચો પ્રકાશ ફેકે છે . જો ગુનેગાર માણસ ગુનાહિત વૃત્તિ લઈને ફર્યા કરશે તો તેનામાં એક જુદી જ ગ્રંથિ નિર્માણ થશે , જે તેના મનને નબળું પાડશે , તેની પ્રતિકારક્ષમતા પર પ્રહાર કરો . પૂજય दादाએ પુનર્જીવિત કરેલી પાપપ્રક્ષાલન વિધિએ પણ મનને કૂણું બનાવી એક અનોખી આંતરિક તાકાત ઊભી કરી છે . અદભુત આત્મવિશ્વાસ ઊભો કર્યો છે . શિવસંકલ્પની સંજીવની શકિત અર્પે છે . કર્મયોગની ક્રાંતિ સર્જી છે .
પૂજય दादाએ દર્શાવેલ તીર્થયાત્રા નો વિચાર લઈ , સાથે ગીતાના વિચારનું અને સંસ્કૃતિ પ્રેમનું ભાથું લઈ પ્રભુ કાર્ય માટે ગામે ગામ ફરી , એ કર્તુત્વની ભેટ લઈ પ્રભુને મળવા પ્રભુના આવાસમાં ( તીર્થસ્થાને ) જશું ત્યારે આતુર નજરે રાહ જોઈ રહેલા પ્રભુ આનંદિત થશે . અને પ્રભુકૃપા અને પ્રભુપ્રેમનો પ્રસાદ મળશે . આ પ્રસાદથી જ આપણું જીવન ઉન્નત , વિધાયક અને સુસંસ્કૃત બનશે . સંકુચિત વાડાઓ તોડી , ભકિતનો પ્રવાહ સમાજમાં રહેશે અને તેથી પારિવારિક ભાવના ઊભી થશે .
આમ પૂજય दादा તીર્થયાત્રાનો વિચાર નવપલ્લવિત કરીને માણસને આંખો બંધ કરી ચાલતાં ટોળાંમાંથી બહાર કાઢે છે . અને તેને પ્રભુ તરફ જવાનો સાચો માર્ગ દાખવીને સ્વઓળખનું સરનામું પૂરું પાડે છે.

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.