Goras-a small picture of Krishna's Childishness

ગોરસ.Goras-Swadhyay Parivar


ગોપીની આંખોમાં ઉછળવા માંડયો છે કૌતુકનો દરિયો, છલકાતા વિસ્મયની છોળથી ભીંજાઈને એની સખી પૂછી બેસે છે “ શું થયું તને ? " ગોપી કહે, “ અલી, માંડીને વાત તો કર '. પાંપણેથી વિસ્મયને ઊંચકતી હોય એમ ગોપી આંખ પરોવતાં કહે, “ આજ તો નંદના આંગણે મેં સાક્ષાત વેદાંતને નૃત્ય કરતાં જોયું. વિશ્વના વિચારને નાચતો જોયો, કૂદતો જોયો. નંદના આંગણાને કૃષ્ણની નાની નાની ફૂલ પગલીઓની સુગંધથી છલકાતું જોયું.... ગોકુળની સૂરીલી હવામાં સંભળાતાં આ શબ્દો યાદ આવતાં જ....
આંખો સામે એક દ્રશ્ય અતીતના સમયનું છે, પણ એમાંથી નીકળતો મુગ્ધ આનંદનો ભાવ હજુય અકબંધ છે. ગોકુળની ગલીઓ છોડીને, થોડીક ગોપીઓ સાથે મહીથી છલકતી મટુકી લઈને નીકળી પડી છે મથુરાની વાટે..... અચાનક મટુકીને કાંકરીનો સ્પર્શ થતાં તે તૂટી પડે છે. માખણ ઢોળાય છે. ગોપીના ચહેરા પર છે થોડીક ચીડ અને મીઠી મૂંઝવણનો ભાવ.... કાંકરી ફૅનાર નટખટ કનૈયો દૂર ઊભો ઊભો મરક મરક સ્મિતનાં ફૂલો છે. સ્મરણોની સુગંધ પથરાવો માંડે છે અને ધીમે ધીમે ક્ષણોની પાંખડી ફરી બીડાવા માંડતાં આંખ સામે ઊભેલું દશ્ય ધીમે પગલે ચાલ્યું જાય છે ને રહી જાય છે પાછળ માખણ જેવો કૂણી કૂણો ભાવ .....

મટકીનો આ પ્રસંગ એ કૃષ્ણની બાળલીલા નહોતી, પણ આંદોલનની આધારશિલા હતી. આ આંદોલન પાછળ એક દીર્ઘ વિચાર હતો. ભાવના હતી . સમાજના ઐક્યની ભાવના હતી . મટકીફોડ એ ભારતના ગ્રામવાસીઓનું પ્રથમ કલ્યાણકારી આંદોલન. નટખટ નંદકિશોરનું અનોખું સર્જન. 

ગોકુળ ગામના ગોપાલકોનું સર્વ ઉત્પાદન શહેર તરફ ધકેલાઈ જતું. દૂધ, દહીં, માખણ મથુરાની બજારમાં ઢોળાઈ જતાં, જે ગામમાં નદી હોય એ નદી પોતે જ તરસી સુકાઈ જાય તે બરાબર નહિ, કૃષ્ણ તો બધાના સખા. તેમણે મથુરામાં દૂધ વેચવા જનારા ગોપગોપીઓને અટકાવીને સમજાવવાની શરૂઆત કરી. તેમને ગોકુળમાં પાછા મોકલવા લાગ્યા. જે ગોવાળો સાંભળે નહિ તમના માટલાં ગોપખાળોની ટોળકી મારફત ફોડવા લાગ્યા . આમ મટકી ફોડીને કૃષ્ણએ ગોકુળને દુર્બળ થતાં અટકાવ્યું, પરંતુ આજે તો સમગ્ર સંદર્ભ જ બદલાયો છે. ગોકુળ ગાયબ થઈ ગયું છે ને મટકીની અંદરનું માખણ સમજણના અભાવે ગંધાવા લાગ્યું છે. સમસ્યાની મટકી એમની એમ છે. ગામડાંઓનાં ઘી-દૂધ ગામડાંઓમાં ન રહેતાં બજારોમાં ઠલવાય છે.શહેરની ડેરીઓમાં પહોંચે છે. પણ ભરબપોરો અડધો લીટર દૂધ ન મળે કે પછી જરૂરિયાતવાળા ગરીબ કુટુંબોને રોટલા સાથે છાશ પણ ખાવા ન મળે એવી સ્થિતિ જોવા મળે છે. આ એક દૂબળા સમાજની નિશાની કહેવાય . સમાજને પુષ્ટ કરવા કૃષ્ણએ મટકીફોડનો પ્રયોગ આપ્યો; પરંતુ આજે એ જ સમાજ દુર્બળ થવાથી માથાં પટકતો બેસી રહ્યો છે . સમસ્યા વિશે સભાનતા આવે , ઉકલની વિચારણા પણ ચાલે ; પણ પહેલ કરવા કોઈ આગળ ન આવે ..... આ જોઈ એક મહાપુરુષના હૈયે વેદના જન્મી......... વિસ્તરી . વિચાર થયો . મનની મટુકીમાં વિચારનું વલોણું થયું અને સાર રૂપે બહાર આવ્યું ભક્તિનું નવનીત, કૃષ્ણએ કંડારેલી ક્રાંતિની કેડી પર પગલું પડ્યું . એ પગલું એટલે ' ગોરસ '. એ પગલું પાડનાર પ્રયોગશીલ મહાપુરુષ એટલે પૂજય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ( પૂજય दादा ) ‘ગોરસ જેવો અભિનવ પ્રયોગ મળવાથી સૂનાં ગામડાંઓ ફરી ગાતાં થયાં. સ્તબ્ધ થયેલા માનવહૈયાં ફરીથી ' કૃષણ નામના સ્પંદનથી છલકાતા થયાં . 

ગામમાં પરોઢિયે પાંચ વાગે, ગોપાલકૃષ્ણનું સ્મરણ કરતાં તેની મીઠી મુરલીના મધમીઠાં વહેણમાં તણાતાં, તેના સ્મરણના સ્તોત્રો ‘ગોરસ' ના આંગણે ગુંજવા લાગે . ગામની સ્વાધ્યાય પરિવારની વ્યકિતઓ પ્રસન્ન ચહેરે ત્રિકાળ સંધ્યાના શ્લોકો ગાતી, સ્તોત્રો ગણગણતી પોતાના દૂધની તાંબડીઓ ભરી ‘ગોરસ'માં ઠાલવવા શાંતિથી એક કતારમાં ઊભી રહી જાય. ગોરસને દૂધ આપનાર ગોપાલકો , દૂધ વેચવા માટે નહી; પરંતુ ભગવાનના મંદિરે દૂધ ધરવા જતા હોય એવા ભાવથી આવે. કૃષ્ણપ્રેમથી છલકાતી ગાગરો ગોરસમાં ઠલવાય ને ભકિતરસથી ગોરસ છલકી ઊઠે . 

‘મફતનું ન આપવું કે ન લેવું' ની તેજસ્વી વૃત્તિ ગામના લોકોમાં ઊભી થતાં દરરોજ હોંશે હોંશે તેઓ અહીંથી છાશ લઈ ત્યારે તેમની આંખોમાં હોય સંતોષ અને ચહેરા પર પ્રસન્નતાનો ભાવ. સ્વાધ્યાયની મટુકીમાં જે તેજસ્વી વિચારોનું નવનીત ગામના લોકોને મળે તેનાથી તેમની કરી કરોડરજજુ મજબૂત થાય. “સૂકો રોટલો પાણીમાં બોળીને આનંદથી ખાઈશ પણ છાશ માંગવા નહિં જાઉ" આ તેજસ્વી વિચાર મળતાં જ તૈયાર થાય તેજસ્વી વૃત્તિ . જે પરિવારો આ વૃત્તિથી જીવન જીવતા હોય તેમની વૃત્તિઓ સમજી, વંદન કરી એમને ત્યાં ગોરસની છાશ પૂજારીઓ પહોંચાડી આવે . પ્રસાદરૂપે છાશ મળવાથી લેનાર અને આપનાર બંને ધન્ય થાય. આ પ્રસંગે જેવા મળે કૃતજ્ઞભાવના . આ ભાવનાં ભીનાં તોરણ જે આપણને સામાન્યોની ભીતર ઐશ્વર્યનો અનુભવ કરાવે . . 

ગામમાં નાનકડા બાળકો પણ કેવાં ઉસ્તાદ પોતાને વાપરવા મળતાં પૈસામાંથી પીપરમેંટ કે ચોકલેટ ન ખરીદે પણ ગોરસમાંથી પૈડા લે. કોઈ ટાબરીયાને પંડો ખાતો જોઈએ તો ક્ષણભર તો એમ જ લાગે આ તો ગોકુળ ગામનો કોઈ ગોવાળ, મટકીનું માખણ ન ખાતો હોય ? ગલ્લો ખુલ્લો પડયો હોય છતાં પણ કદી ચોરી ન થાય એવું તો ‘ગોરસ'માં જ બને. સમાજના નૈતિક સ્તરની ચિંતા કરતા કહેવાતા વિચારકો, સમાજ શાસ્ત્રીઓ ‘ ગોરસ'ના ગામમાં એકવાર આંટો મારે તો કેમ ? 

દૂધ એ તો પૃથ્વી પરનું અમૃત .... ગોરસમાં આ અમૃત પણ મળે ..... ચોખ્ખું દૂધ, વ્યાજબી ભાવે લોકો સુધી પહોંચે . આજનો જમાનો જ ભેળસેળનો. દૂધ ખરીદતી વખતે જ માણસ વિચારતો હોય કે હવે જે પૈસા ચૂકવીશ એ તો પાણીના જ. પણ કરે શું ? દર વખતે કંઈ દૂધ અને પાણીનાં માપ થોડાં જ લેવાય ? જયારે અહી ગોરસમાં એવું કાંઈ જ નહિ. એકદમ ચોખ્ખું દૂધ ....... ભેળસેળનો તો વિચાર સુધ્ધાં ફરકે નહિ . ગોરસના દૂધમાં ભાવની મીઠાશ હોવાથી એની માંગ પણ વધુ . શુધ્ધ ભાવને લીધે દૂધ શુધ્ધ મળે . ગોરસના પ્રયોગ પાછળ ગોકુળ ઊભું કરવાની દષ્ટિ હોવાથી લોકોની નજર સહેજે આ દૂધ પર પડે . ઘણીવાર ગોરસમાં દૂધની નદી છલકાઈ જાય તેથી થઈ મીઠાઈઓ બનાવવાની શરૂઆત. પણ હા, ગોરસ એ મીઠાઈ બનાવવાનું કારખાનું નથી. કમાણી કરવાનું સાધન પણ નહિ. મીઠાઈ તો માત્ર ગોરસનું By Products ગામનો નાનકડો ગૃહ ઉદ્યોગ ! મીઠાઈની ગુણવત્તા પણ વિશેષ!

ગોરસના પ્રયોગ સમજણપૂર્વક ગામડાંઓમાં કરવામાં આવે તો ગ્રામ અર્થતંત્રની કાયાપલટ થાય અને સહજભાવે ગામોમાં દૂધ-દહીંની નદીઓ વહે એવું વાતાવરણ તૈયાર થાય. ભકિતની બેઠક પર ગ્રામ્ય અર્થકારણની કાયાપલટ થઈ શકે એની સાબિતી એટલે આ ગોરસનો પ્રયોગ. ગોરસમાં કામ કરનારાઓ ધંધાદારી નથી; પરંતુ પૂજારીઓ છે. ગામના સ્વાધ્યાયી ભાઈઓ પોતાના રોજિંદા વ્યવસાયમાંથી વારાફરતી થોડો સમય પોતાની ભકિત તરીકે આપે . તેમને મન આ પ્રભુકાર્ય છે. કોઈપણ મહેનતાણાની અપેક્ષા નહિ, વળતરની વાત નહિ. ગોરસમાં આપેલો સમય એ નટખટ નંદકિશોરને આપેલો સમય. અહીંની હિસાબ પધ્ધતિ પણ ગોરસ જેવી ચોખ્ખી, ગામના પાંચ પ્રતિનિધિઓ નકકી કરે તે મુજબ દૂધના માપ અને ગુણવત્તા પ્રમાણે ભાવ નકકી થાય. ગામના પરિવારોને એમના પર વિશ્વાસ, ગોરસનો પ્રયોગ થવાથી આ વિષય સાથે સંલગ્ન લોકો અચંબામાં પડી ગયા છે. 'ગોરસ'થી ઉત્પાદિત લક્ષ્મીના વિતરણની સુંદર વ્યવસ્થા વિચારાઈ છે. ગામના જ જરૂરિયાતવાળા ઘરોમાં પ્રભુપ્રસાદી રૂપે તે પહોંચાડવામાં આવે; જેથી માનવ્ય દુર્બળ ન બનતાં પુષ્ટ બને. તંદુરસ્ત સમાજ ઊભો થાય એ માટેની કેવી તંદુરસ્ત વિચારણા !! 

ગોરસ એ વેપાર કે સહકારી મંડળીનો વ્યવસાય નથી. પૂજય दादाએ નાના નાના ગામોને આપેલ મંદિર છે. ત્યાં લોકો દૂધ ભરવા નહીં, ધરવા આવે છે. અહીં થી લોકો માલ નહિ, પ્રભુપ્રસાદ લઈ જાય છે. 

ગોરસ એ માત્ર દૂધનો પ્રયોગ નથી; પરંતુ તંદુરસ્ત અને સ્વસ્થ માનવ ઘડવાનો પ્રયોગ છે. પૂજય दादाએ ગોરસના પ્રયોગ દ્વારા શ્વેતકાંતિ સર્જી છે . મહીથી છલકાતી મટકીને ફોડનાર નટખટ નંદકિશોરના કાંતિકારી પગલાંને ફરી ગતિ આપી છે. કૃષ્ણની ભાવનાને ફરીથી લોકહૈયાની મટકીમાં ધૂધવતી કરી છે. 

ગોરસ એટલે ગોકુળ. ગોપી ને ગોવાળોનો જીવંત ઈતિહાસ. ગોરસ એટલે શ્રીકૃષ્ણના ગામને ગોકુળિયું બનાવવાના પ્રયોગનો જીર્ણોધ્ધાર. ગોરસ, એ કૃષ્ણની બાળલીલાની ખેંયેલી એક નાનકડી તસવીર ...........


જય યોગેશ્વર!

Header Ads

Post a Comment

0 Comments