"શ્રીમદ્ ભગવદ્ ગીતા:ગીતાજયંતી વિશેષ".
👇લાઈવ ગીતા જયંતી પ્રોગ્રામ નિહાળવા માટે અહી ફોટા પર ક્લિક કરો👇
'ગીતાજયંતી' વિશેષ:!! ગીતા એટલે પ્રવૃત્તિ - નિવૃત્તિનો સમન્વય !!
વિશ્વમાં જ્યારથી માણસ જનમ્યો ત્યારથી અત્યાર સુધીમાં બધી જ ભાષાઓમાં કલ્પનાતિત સંખ્યામાં અનેક ગ્રંથો લખાયા છે અને આવનારા સમયમાં પણ લખાતા જ રહેશે, પણ આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં મહર્ષિ વેદવ્યાસ સંકલિત શ્રીકૃષ્ણાર્જુન સંવાદિત અને મહાભારત ગ્રંથમાં સમાવિષ્ટ એક ગ્રંથ એટલે શ્રીમદ્ ભગ્વદ્ ગીતા ! ગીતા એ ભગવાનનાં શ્રીમુખથી નીકળેલું કાવ્ય છે. ગીતા એક જ એવો ગ્રંથ છે કે જેનો જન્મદિવસ ઉજવાય છે.
પ્રશ્ન કોઈપણ હોય, ગમે તે કાળનો હોય, જાતિ-સમાજ-ધર્મ કે સમયથી ઉદ્ભવેલો હોય પણ ગીતા તે દરેક પ્રશ્નનો તાર્કિક અને વ્યાવહારિક જવાબ આપે છે. જીવન સંગ્રામ છે તેથી युद्धाय कृतनिश्चय, જીવન રમત છે તેથી तुष्यन्ति च रमन्ति च, જીવનમાં દુર્બળતા છે તો क्षुद्रं ह्रदय दौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ કહીને તે કાઢીને ફેંકી દે, તેમ ગીતા કહે છે. એક ભૂલ થઈ જવાથી જીવન ખલાસ થતું નથી, તેથી ગીતા કહે છે કે તું અતિશય દુરાચારી હોઈશ, મહાન પાપી હઈશ તો પણ તું બદલી શકે છે, તારામાં Can Do વૃત્તિ નિર્માણ થઈ શકે છે. હું બનીશ જ, હું થઈશ જ, હું બદલીશ જ, હું બદલાવીશ જ, હું મેળવીશ જ આ હિંમત અને ખુમારી ગીતા આપે છે.
વિવિધ વર્ગનાં લોકોને માટે ગીતા ગુણોની સારસંભાળ માટે આજ્ઞા કરે છે. શમ, દમ, તપ, યજ્ઞ જેવાં ગુણો સંસ્કૃતિનાં ઉત્કર્ષ અને સંવર્ધન માટે બ્રાહ્મણ વર્ગ એ કેળવવાનાં છે. સંસ્કૃતિની રક્ષા કરનાર ક્ષત્રિયોને શૌર્ય, તેજ, ધીરજ અને દક્ષતા જીવનમાં લાવવાનું કહે છે. વૈશ્ય વર્ગ વૈદિક સંસ્કૃતિને સંભાળે છે, તેથી તેને કૃષિ, પશુપાલન અને વેપારમાં ભળવાની આજ્ઞા કરે છે. શૂદ્ર પોતાની વિત્તશક્તિ અને સાધનશક્તિનો સમાજ માટે ઉપયોગ કરે જેથી સમાજની ભૌતિક જરૂરિયાતો પુરી થઈ શકે તે માટે ભગવાન માર્ગદર્શન કરે છે. જેવી રીતે સામાજીક જીવનનાં ચાર પાસાંની વાત કરી, તેવી રીતે વ્યક્તિજીવનની ૩ પગથીની પણ ભગવાન વાત કરે છે - બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા એ પણ સૂચક છે. દરેક સમયનો અનુભવ સાથે લઈને જીવન ઘડવાનું છે. ૬૦ વર્ષે ઢીમ ઢળી જાય તો વાંધો નહી, એવી નમાલી દ્રષ્ટિ નહી પણ तुष्यन्ति च रमन्ति च ની તેજસ્વી વૃત્તિ પ્રત્યેક અવસ્થામાં વણાય શકે છે, તે પણ ગીતા સમજાવે છે.
संन्यास નો ગમતો અર્થ ન કરતાં યોગ્ય અર્થ ગીતા આપે છે - काम्यानां कर्मणां न्यासं संन्यासो कवयो विदु: - કામ્ય કર્મોને ભગવાનનાં ચરણે ધરવાનાં ! ઈચ્છા, આસક્તિ કે જીજીવિષા; ફક્ત ભગવાન જ પુરી કરી શકશે તેનો અતુટ અને અટલ વિશ્વાસ ગીતા સમજાવે છે. સ્ત્રીઓમાં રહેલાં કીર્તિ, લક્ષ્મી, સ્મૃતિ, ધીરજ જેવાં ગુણો પણ મારી વિભૂતિ છે, તેમ ભગવાન કહે છે. વિદ્યાર્થીને ભગવાન કહે છે - तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया - જો તારે વિદ્યા મેળવવી હશે તો તારી પાસે નમ્રતા, જિજ્ઞાસા અને સેવા એમ ત્રણ ગુણો હોવા જોઈએ; આવી આડકતરી રીતે આ ગુણો ખીલવવા માટે પણ ભગવાન જણાવે છે. મારે જો જ્ઞાન જોઈતું હશે તો જ્ઞાન, ગુરુ અને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પડશે.
ગીતા સમજાવે છે કે બુદ્ધિમાં તિરાડ પાડીને વિષય ફેંકી દેવાથી લોકોનો વિશ્વાસ ગુમાવી બેસવો પડે, તેનાં બદલે તેમની કદર કરીને, સાથે રાખીને તેમની કુશળતાને સંસ્કૃતિનાં સંવર્ધનમાં કામે લગાડવી જોઈએ (गीता ०३/२६). સમાજમાં જે સંપન્ન અને અનુભવી એવા મોટા લોકો છે, તેમનાં પર પણ સમાજને બદલવાની જવાબદારી છે તેથી તેણે સમાજને યોગ્ય દિશામાં અને યોગ્ય પ્રમાણમાં દોરવણી કરવી જોઈએ (गीता ०३/२१). જ્ઞાની હોય, સંતોષી હોય, વિવેકી હોય, આધ્યાત્મિક હોય તો પણ, દરેક વ્યક્તિએ સિદ્ધાંતો લોકોનાં જીવનમાં સંક્રાંત થાય, લોકોનાં જીવન ભગવાનનાં ભાવ, પ્રેમ અને કરૂણાથી ભીંજાય તેવાં બનાવવાં જોઈએ તે માટે બધુ આવડે છે એટલે કંઈક કરવાની જરૂર નથી તેમ ન સમજતા બીજા લોકોનાં ઉદ્ગમ અને ઉત્કર્ષ માટે તારી કુશળતા ભગવાન માટે વાપરવા લાગ તો તે યોગ બની જશે, તેમ ભગવાન કહે છે.
રોટલો કમાવા પુરતું જ જીવન નથી, તે જવાબદારી તો ભગવાન પોતાનાં માથે લે છે, શરત એટલી જ છે કે મારે એકમેવ ધ્યાનથી ભગવાનનું કહ્યું માનવાનું છે અને બીજા લોકો માનતાં થાય તે માટે પ્રયત્ન કરવાનો છે અને આવો થોડો પણ પ્રામાણિક પ્રયત્ન હું કરીશ તો પણ મહાભયંકર ભયથી મુક્ત થઈ શકીશ, તેમ ભગવાન કહે છે. વિશ્વાસ રાખ કે બાહ્ય આડંબર ફક્ત શરીરનો નાશ કરી શકશે, પણ આત્માને તે હણી શકતા નથી, આમ એક અર્થમાં મારો આત્મા, મારુ મન પણ ક્યારેય મરવાં જોઈએ નહી તેવી ભગવાન સમજ ધારણ કરવાનું કહે છે.
જીવન એટલે ઉંમરનો વધારો નહી પણ ગુણોનો વૈભવ ! ગીતા એ સ્થિતપ્રજ્ઞનાં ગુણો, ભક્તનાં ગુણો, દૈવી ગુણો, ત્રિગુણો જીવનમાં લાવવાની વાત કરી છે; ઉપરાંત ક્યારે ક્યાં ગુણનું મહત્વ સમજવું તે પણ શીખવ્યું છે. આ ગુણો પેઢીઓ સુધી સચવાય રહે તે માટે "યજ્ઞકર્મ કર" તેમ કહીને રસ્તો પણ ભગવાને કહ્યો છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એ કોઈ અલગ અલગ વિષય નથી પણ એકબીજા સાથે જોડાયેલી ઉપાસના પદ્ધતિ છે તેમ ભગવાન સમજાવે છે. ભગવાન તે પણ સમજાવે છે કે શરીરને કસવું જોઈએ તેવી રીતે મનને પણ કસવું જોઈએ. યજ્ઞ, દાન, તપ, મન, વાણી, બુદ્ધિ, ખોરાક કેવાં હોવાં જોઈએ તે પણ ભગવાન સમજાવે છે. જીવનમાં ક્યાં ગુણો મને દેવનો અને દેવ બનાવી શકશે તે ભગવાને કહ્યું છે, તેમ ક્યાં ગુણો મને રાક્ષસ અને અસૂર બનાવશે તે પણ ભગવાને કહ્યું છે.
નાક પકડીને બેસનારા લોકો ગીતાને વગોવે છે અને નિસ્તેજ સમાજ ગીતાને તરછોડે છે. આપણી જેવાં ડાહ્યા લોકોએ ગીતાને શબ્દોથી નહી, પણ અર્થોથી જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસંખ્ય ગુણો ભગવાને કહેલાં છે, તેમાંથી એકાદો ગુણ પણ જીવનમાં લાવવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. ગીતા પ્રયત્નવાદને માને છે, સમન્વય સાધે છે અને લોકસંગ્રહનું કામ કરે છે. હું દરેકનાં હ્રદયમાં બેઠેલો છું, દરેક જીવનો આત્મા હું છું, મારાથી છ બધી ક્રિયાઓ થાય છે એમ કહેનાર ગીતાનો કૃષ્ણ આપણી સાથે જ રહીને આપણને उपद्रष्टानुमंता च भर्ता भोक्ता महेश्वरः (ગીતા ૧૩/૨૨) જેવી અલગ અલગ ભૂમિકામાં રહીને આપણને જીવનદ્રષ્ટિ આપે છે. જે મારી સાથે જોડાયો તે યોગી, તેમ કહીને ભગવાન મને વૃત્તિનું મહત્વ સમજાવે છે. ભુખ્યાં ન રહેવું જોઈએ અને વધારે પણ ન ખાવું જોઈએ તેમ કહીને મારા સ્વાસ્થ્યની ફિકર કરે છે. માઁ જેમ ઝીણવટથી આપણું સંવર્ધન કરે, તેમ ગીતા આપણને પોષે છે.
છેલ્લે, ગીતા એક સિદ્ધાંત સમજાવે છે - કામ કર, ફળની આશા ન રાખ, હેતુ વગરનું કર્મ ન કર અને કર્મ કરવાનું ટાળીશ નહી; આ ચાર વાતો એ ગીતાનું હાર્દ છે. કામ કરવાનું છે - ભક્તિ તરીકે. ફળ મળવું જ જોઈએ - ઉપજ તરીકે. હેતુ વગરનું કામ એટલે - કહેવા પુરતુ કામ કર, રોડવવાં માટે કામ કર, દેખાડવાં માટે કામ કર, લખાવવાં માટે કામ કર તે ન ચાલે. દિલ અને દિમાગ પરોવીને તનતોડ મહેનત કર તેમ ભગવાન કહે છે. ડર, દુર્બળતા કે અનિશ્ચિતતાથી કામ છોડી દે તે ન ચાલે, તેનાં માટે સતત અને સંપૂર્ણ રીતે પ્રામાણિક પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ બધી વાત વાતમાં મુખ્ય વાત છે -
यज्ञार्थ कर्मणोन्यत्र लोकोयं कर्मबंधन : ।
तदर्थं कर्म कौन्तेय मुक्तसंगः समाचरन् ।।
ભગવાન સાથે જોડાવાં માટે અને જોડાય જઈને જે જે કામ કરે તે બધા જ કર્મો તકલીફ આપતા નથી, પણ મુક્તિ આપે છે. અને છેલ્લે, મન-બુદ્ધિથી નક્કી જ રાખ કે હું જે કર્મ કરુ છું, તેનું ફળ મારે લેવાનું જ નથી !! પ્રવૃત્તિ-નિવૃત્તિનો જગડો અનાદિકાળથી ચાલ્યો આવે છે, ત્યારે ભગવાને સંપૂર્ણ શાસ્ત્રીય વાત સમજાવી - કાર્ય કરવામાં પ્રવૃત્તિ અને ફળ મળે ત્યારે નિવૃત્તિ, આ જ છે ગીતાનો જયઘોષ !! ગીતા એટલે પ્રવૃત્તિ - નિવૃત્તિનો સમન્વય !!!
Gita is not the bible of hinduism but it is the bible of humanity એમ કહીને તત્વચિંતકો ગીતાનો મહિમા ગાય છે, ઈમર્સન અને થીબો તો તેમને માથે લઈને નાચેલાં !!! આપણે જ આપણો વારસો ક્યાંરથી સમજતાં થઈશું ? ગીતા એટલે માતૃહ્રદયનું વાત્સલ્યભર્યુ સ્તવન. તેને સમજવા માટે બુદ્ધિથી વધારે મન અને મન કરતાં ભાવની વધારે જરૂર છે. યુદ્ધનો દિવસ છતાં પવિત્ર દિવસ બની રહેનાર દિવસનાં સર્જક અને સેવક એવાં કૃષ્ણાર્જુનની જોડીને યાદ કરીએ, વિચારપ્રસાદ મેળવીએ, શાસ્ત્રીય નેમ લઈએ કે ગીતાને જીવનમાં લાવવાનો પૂરો પ્રામાણિક પ્રયત્ન કરીશું. એક મહાન શાસ્ત્ર જે ત્રિકાલાબાધિત છે તેને સમજવા અને તેણે કહેલાં રસ્તે ચાલીને જીવન પ્રભુને ગમતું કરવાનાં ઓરતાં સેવીએ તે જ અભ્યર્થના !!!
👉લાઈવ ગીતા જયંતી પ્રોગ્રામ નિહાળવા માટે અહી ક્લિક કરો ⏯️Play
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.