Amrutalayam-some small but important things to learn about amrutalayam

અમૃતાલયમ્.


loknath amrutalayam dhadhodar photos,Amrutalayam, amrutalayam swadhyay ,amrutalayam photos ,amrutalayam

મનુષ્ય ભગવાનનું શ્રેષ્ઠ સર્જન છે. તેજસ્વિતાથી છલકાતા અને ઉત્સાહથી થનગનતા મનુષ્યને પ્રભુએ પોતાનો અંશ કહ્યો છે. મનુષ્ય ધારે તો પોતાને બદલી શકે છે; ધારે તો પ્રદેશે અલાયદો મહેલ ખડો કરી શકે છે. રણમાં યે લીલોતરી વાવી શકનાર મનુષ્યમાં હિંમત છે, કર્તુત્વ છે અને તેથી જ તે કર્તુત્વ જોઈ કોઈ કવિ સહજ જ કહી ઊઠે કે, 

“આખું નભ છે મારું ને હું છું એનો નિયંતા હું ધારું તે રંગ જ પૂરે તેમાં વિશ્વપ્રણેતા.”


માનવતાની આ અલાયદી ખુમારી જ માનવોની મોંઘેરી મિરાત છે. તેજસ્વિતાની અને તપસ્વિતાની આ મિરાત થકી જ માનવ શ્રેષ્ઠ સર્જન બની રહ્યો છે. પરંતુ આજે તો વિશ્વેશ્વરનો એ અંશ પોતાને પામર જીવ સમજવા લાગ્યો છે. अमृतस्य पुत्रा: જેને માટે કહેવાયું છે, એ માનવ તો બની ગયો છે વારસાગત સમસ્યાનો શિકાર જડ સાધનોની લેવડદેવડમાં અટવાતો ને બંધારણમાં ગૂંચવાતો માણસ પ્રભુ સાથેની મૈત્રી ભૂલી ગયો ને વિસરી ગયો બીજા માનવ સાથેના સંબંધ! તેની લાગણીઓના ઢગલાને ફરફરતી હવામાં ઊડતી ચીચી કરતી ચકલી ચણી ગઈ અને હવે. 
ઝીણી ઝરમરનું ઝાડ પછી ઉજળો ઉઘાડ પછી ફરફતી યાદ એવું કાંઈ નહીં. 
હવે પહેલો વરસાદ અને બીજે વરસાદ અને વિ છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં. 
આજના માનવના આવા સ્વરૂપને જોઈ વિશ્વના અનેક ચિંતકો વિચારવા લાગ્યા તેમની સમસ્યાઓ પર. તુચ્છ ઘટનાના થયેલા માનવની માનવતાને કઈ રીતે ઊંચી લાવી શકાય? ભળેલા માનવત્વનું શ્રેષ્ઠત્વ તેને કઈ રીતે સમય? તે પરમ ચૈતન્યનો અંશ છે તેનું દર્શન તેને કેમ થાય? 

આ અને આવા અનેક પ્રશ્નોના ઢગલામાં ચિંતકો ખોવાયા , મૂંઝાયા, ત્યારે એક અનેરો સાદ આવ્યો પૂર્વમાંથી; તેની પાસે હતો આ પ્રશ્નોનો ઉત્તર ! ! ચિંતાગ્રસ્ત થયેલ માનવતાને ઊંચે લાવવાનો રસ્તો હતો આ વિચારોમાં, સ્વભાવથી જે કાળો કોલસો કોઈ રીતે પોતાના રંગ છોડતો નથી, તેના પર ન તો થઈ શકે કોઈ રંગ કે ન તો ઊઠ તેની પર કોઈ રોનક. પાણીમાં ધોવા રાખીએ તો પાણી જ પડી જાય કાળું. ત્યારે તેનો રંગ બદલવાનો એક જ રસ્તો છે. જ્યાંથી તેનો જન્મ થયો છે ત્યાં જ તેને પાછો નાખવો રહ્યો. અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા કોલસાનો સંયોગ અગ્નિ સાથે થાય કે તરત તે પોતાની કાલિમા છોડી દે છે; અને પ્રાપ્ત કરે છે મૂળ રંગ, તે રંગાય છે અગ્નિના રંગે, તે પ્રાપ્ત કરે છે અગ્નિના ગુણો. આ જ વાત બંઘબેસે છે માનવ મન માટે. શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે પ્રત્યેક માનવ ઈશનો અંશ છે તો નિરૂત્સાહી, અકર્મણ્ય, દીન થયેલા માનવમનને જે ભગવાન સાથે જોડી. દઈએ તો જ તેનો  મર્ત્યભાવ ચાલી જાય. ભગવાનના તેજોમય સ્વરૂપમાં મન લગાડવાથી બધી જ નિસ્તેજના હણાઈ જાય અને આ જ કારણસર મૂર્તિપૂજા, કર્મકાંડ જેવા ઉપાસનાના વિવિધ માર્ગોનું આગમન થયું. આમ માનવને ઈશ્વર સાથે જોડતી અનેક વિધિઓના રૂપમાં આવિર્ભાવ થયો મંદિરનો. મંદિર એ ઋષિઓએ ઊભી કરેલી પરમોચ્ચ વાત હતી.

ભગવાન પાસે સુખ માગવાની અને ભગવાનને દુઃખ કહેવાની જગ્યા એટલે મંદિર . 

મંદિર એટલે એ જગ્યા જ્યાં કોઈ શ્રેષ્ઠ નહીં અને કોઈ કનિષ્ઠ નહીં. 

પરંતુ દૈનંદિક જીવનની કટુતા અને વિકટતામાં માનવ ગૂંચવાયો અને ઋષિઓના વિચારને ભૂલ્યો .

ભૂલ્યો વૈદિક વિચારોનો સ્વાધ્યાય અને ભૂલ્યો મંદિરોનું મહત્ત્વ. અને પ્રભુના શ્વાસોચ્છવાસ સમા વેદોનો ઉચ્ચાર કરતું મંદિર બન્યું ગામની પટલાઈ કરતા ઘરડાઓનો ઓટલો. નકામા સમયે બીજઓની કૂથલી કરવાનું સ્થાન બન્યું મંદિર. અને મનથી માંદલા કે નિર્બળ યુવાનોનું આશ્રયસ્થાન બન્યું મંદિર. આવા સમયે હજારો વર્ષોથી સંસ્કૃતિ વહન કરી રહેલા મંદિરમાંનો ભગવાન રૂંધાયો, ગુંગળાયો. તે સમયે આવ્યો એક મહામાનવ, જેણે મંદિરોનું મહત્ત્વ સમજાવ્યું. 

સાંપ્રત યુગના ક્રાંત દષ્ટા પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (પૂજ્ય દાદા) એ સમજાવ્યું ભગવાનના ઘરનું મહત્ત્વ. સૂકા ઘાસના તણખલાંઓમાં જીવતા માનવના શ્વાસોમાં શેતૂર ઊગવે એવી અમીવર્ષા લાવ્યા પૂજ્ય દાદા. તેમના વિચારોની આ અમીવર્ષાએ માનવને ભીંજવ્યું બેસુમાર. ચારેકોર પથરાયેલ હરિયાળીમાં ટહુકતો કોયલનો લીલેરો સ્વર, ઝીણાં ઝરમરતાં આસોપાલવના અને બોરસલ્લીનાં ઝાડ અને બધાની વચ્ચે ઉન્નત મસ્તક શા ઘુમટ પર ફરકતી ધજામાં ચૈતન્ય રેડતું બેઠું છે ભગવાનનું ઘર-મંદિર. 

મંદિર(Temple) એટલે માનવ અને ભગવાન વચ્ચેનો સેતુ. 

મંદિર એટલે માનવ માનવના સંબંધોની હરિયાળી દોર. મંદિર પર ફરકતી ધજા મંદિરના વિજયનું નહીં, પરંતુ માનવના દિગ્વિજયનું યશોગાન કરે છે અને આ વિજય કાંઈ માનવનો માનવ પર વિજય નથી. ભગવાનના ઘરની આ સંકલ્પનાએ મનુષ્યત્વને દેવત્વથી ઊંચેરું કર્યું છે; અને તેથી જ મંદિરની ફરકતી ધજાના ટેકે આખુંયે આકાશ આવી ઊભે છે અને તે જોઈ કોઈ કહી ઊઠે કે,

આજ તુલા પર પણ નીચે છે ભૂમિ, સ્વર્ગ છે ઉપર. 

પૂજ્ય દાદાએ ભગવાનના આ ઘરને “ લોકનાથ અમૃતાલયમ્ ” કહ્યું છે . અહીં આપણને પ્રશ્ન થાય કે અમૃતાલયમ્ ઘરની આવશ્યકતા શું ? ભગવાનની પૂજા કરવા માટે અમૃતાલયમનું નિર્માણ નથી. ભગવાનની પૂજા, શાસ્ત્રીય મૂર્તિપૂજા તો એકાંતમાં જ સારી રીતે થઈ શકે છે. ભગવાનના દર્શન કરવા માટે પણ આ અમૃતાલયમ્ આવશ્યકતા નહિ; કારણ તે તો સર્વવ્યાપી છે. વૃક્ષ, સરોવર, સૂરજ, ચંદ્ર કે પર્વત, સાગર સર્વમાં વ્યાપક પરમેશ્વરને નીરખવા અમૃતાલયમની જરૂરત નથી. તો શા માટે લોકનાથ અમૃતાલયમ્-loknath amrutalayam ? 

જનસમુદાયના હૈયામાં સત્ત્વ જાગૃત કરી તેમને નિઃશ્રેયસ માર્ગ દેખાડનાર પોતાનો એક પણ પુત્ર લાચાર કે દીન ન બને તેની કાળજી રાખનાર અને કીડીને ય કણ પૂરનાર ભગવાનને પૂજ્ય દાદાએ લોકનાથ સંજ્ઞા આપી છે. જગતનું પોષણ કરનાર ભગવાન વિષ્ણુના આ સ્વરૂપમાં રામથી માંડીને મહમદ સુધીના સર્વ અવતારો આવી જાય છે. એવા આ ભગવાન યોગેશ્વરનું અમૃતાલયમ્ દરેક સંપ્રદાયના અનુયાયીઓને પોતાનું લાગે છે. આમ લોકનાથ અમૃતાલયમ્નો પ્રયોગ આપી પૂજ્ય દાદાએ માણસના નવઘડતરની શરણાઈઓ ફૂકી છે. આ નવઘડતરની પ્રક્રિયા જડ નથી; જીવંત છે. આ અમૃતાલયમ્માં જડ પાષાણતા પાંગરતી નથી; પણ જીવન પાંગરે છે. 

જગન્નિયંતા જગદીશને, શેષશય્યાના આવાસમાં રહેતા નારાયણને પોતાના ગામમાં એક ઘર આપવાનું ગામના લોકો નકકી કરે છે. ગામમાં જેમ બધાનું ઘર, તેમ ગામમાં એક ભગવાનનું ઘર ' લોકનાથ અમૃતાલયમ્ '. ભગવાનના આ ઘર માટે કોઈ ફાળો એકઠો કરવા જરૂરી નથી.  જે પ્રકારે ગામમાં લોકો રહે , તે પ્રકારે ગામમાં ભગવાન રહે. પૂજ્ય દાદા કહે છે કે ઘાસઘાસમાં પણ વિશ્વનિયંતાનો વાસ છે. તેથી આપણે વાંસ, ઘાસ ને પાંદડાથી ભગવાનનું ઘર બાંધીશું . સુંદર મજાનો ઓટલો બને, તેના પર હૈયાના ભાવોનું લીંપણ થાય , આંખમાંથી ઊભરતા નેહની રંગોળી પૂરાય ને રૂમઝૂમ કરતી વેલ પાંદડે પાંદડે ભગવાનને ચીતરી આવે. આખાયે વાતાવરણમાં ગુલમોરી છાંટણા છંટાય ને પ્રભુના આગમનની ઘડીઓ ગણાય. 

amrutalayam-temple-tukda-india-images-photos-pictures-gallery

ગામમાં અમૃતાલયમ્ આવે એટલે માત્ર મંદિર આવતું નથી; પણ ગામમાં ભગવાન આવે છે. દૂરથી જ ખબર પડે કે આ ભગવાનનું ઘર. આપણા બધાનાં ઘરો સૂકાં તો ભગવાનનું ઘર લીલુંછમ. આ લીલીછમ હરિયાળી અંતરમાં બારે માસ લહેરાતી રહે તે માટે આપણને જોઈએ અમૃત આપવાવાળા ભગવાન. આપણને અખૂટ શ્રદ્ધા અને ભાવ જોઈએ . દેવાલય એટલે દેવનું ઘર. તેમ આ અમૃતનું ઘર એટલે અમૃતાલયમ્ છે. સુખમાં કે દુ:ખમાં ભગવાન ઉપરનાં ભાવ કે શ્રદ્ધા લેશમાત્ર ઓછાં ન થાય, એવો અમૃતભાવ, એવી અમૃત શ્રદ્ધા અહીંથી મળે છે. અહીં સદા ચેતનવંત અને જીવંત વેલાઓ છે, જે ધીમે ધીમે વધતા રહે છે અને માનવ્યને લીલીછમ ભીનાશ આપતા રહે છે; જે જડ નથી; તેથી તે સદા વાંછે છે માનવ્યને, ઊંચનીચના ભેદ વગરના માનવ્યને; તેથી ભગવાનનું ઘર બંધાઈ રહે કે મંદિરમાં મૂર્તિની ભાવપ્રતિષ્ઠાને દિવસે સવારે ભગવાન નગરચર્યા કરે છે . અને ગામના પ્રત્યેક માનવના અંતરમાં હેતનું અમી પૂરે છે. આસોપાલવના તોરણથી શણગારેલું દરેક આંગણું ભગવાનને આવકારે છે અને ભગવાનની મીઠી અને પ્રેમાળ નજર દરેક વ્યકિત પર પડે છે. ભગવાનની આ પ્રેમાળ નજરમાં કોઈ ઊંચો નથી કે કોઈ નીચો નથી. સમાજમાં બુદ્ધિ, સંપત્તિ, કલા, કર્તૃત્વ, વૃત્તિ કે સ્વભાવને લીધે પડેલા ભેદભાવો અને તેને લીધે જન્મેલ વિષમતા ભગવાનની આંખમાં દેખાતી નથી. 

સમાજમાં માનવ માનવ વચ્ચે અનેક કારણોને લીધે દીવાલો ઊભી થાય છે. વિદ્વાન, શ્રીમંત કે પ્રતિષ્ઠિત વ્યક્તિના મનમાં ગુરુતાગ્રંથિ રહેવાની જ અને અજ્ઞાની કે સામાન્ય માણસ પોતાના મનમાં લઘુતાગ્રંથિ અનુભવતો ચૂપચાપ જીવ્યે જાય છે. વળી સમાન તકો આપવાથી પણ સમાનતા જન્મી શકતી નથી; કારણ માણસોમાં વૃત્તિની અસમાનતા છે. માણસ સદ્ગુણોથી પણ અસમર્થ બની જાય છે. અને દુર્ગુણો પણ તેને અસમર્થ બનાવે છે. પ્રાગૈતિહાસિક કાળથી માનવામાં સમર્થ અને અસમર્થોની વચ્ચે સંઘર્ષો થતા આવ્યા છે અને પ્રત્યેક સંઘર્ષ સમાનતાની સામે એક પડકાર બનીને આવતો જાય છે. ગુરુતાગ્રંથિ અને લઘુતાગ્રંથિમાં અટવાતા માનવનો જીવનવિકાસ અવરોધાતો જાય છે. શરીરથી, બુદ્ધિથી, સત્તાથી, ધર્મથી કે ધનથી માનવામાં સમર્થ - અસમર્થના ઝઘડાઓ સર્જાય છે. અને વળી સર્જાય છે ભય ગ્રંથિ ! (Fear Complex) આમ આ ત્રિવિધ ગ્રંથિઓથી પીડિત માનવીને ગ્રંથિથી મુકત કરવા સિગમંડ ફ્રોઈડ પણ ચિંતિત હતા. માણસમાં એકલતાની ભાવના, પરાયાપણાની લાગણી જન્મે છે, પોષાય છે ને દરિયાના એક મોજે તે ફંગોળાઈ જાય છે ભય ગ્રંથિ ! કિનારાથી જોજનો દૂર !! 

આ બધી ગ્રંથિઓ રૂંધે છે માનવીના વિકાસને ! ભેદ પાડે છે . માનવ માનવના સંબંધોમાં ! ભાગલા પડે છે એક પિતાનાં બે સંતાનોમાં ! એ સમયે અનેક રીતે વિષમ સંબંધો હોવા છતાં એ બધા એક જ સંબંધે સમાન થઈ શકે આની સમજણ આપે છે લોકનાથ અમૃતાલયમ્. 

ગામમાં રહેતી બુઠ્ઠી મા પાસે તેના ચાર દીકરાઓ શહેરમાંથી રજા ગાળવા આવે ત્યારે આહલાદક દશ્ય સર્જાય છે. પોતાના હાથે રાંધેલો કંસાર નાના દીકરાના મોંમાં દેતી મા એમ નથી વિચારતી કે તેનો પુત્ર કારકૂન છે અને તેના કરતાં વધારે કમાતા છોકરાઓ બાજુમાં બેઠા છે. માને મન તો ડૉકટર હોય કે કારકૂન, ખેડૂન હોય કે વેપારી, બધા યે દીકરા સમાન છે. બધાયને સાથે બેસાડી હસતાં હસતાં જમતા જોઈ માની આંખમાંથી હેતની ધારા વહી આવે છે અને ચારે ય દીકરાઓ એક સરખા ભીંજાય છે. આ ચારેય દીકરાઓમાં નથી કોઈ સ્થિતિની સમાનતા કે નથી પ્રતિષ્ઠાનું સામ્ય અને છતાં યે આ ચારે જણાને એક સૂત્રે બાંધનાર ઉધડતા ફૂલ જેવો સંબંધ એમની વચ્ચે છે --- એક માના સંતાન હોવાનો સંબંધ આ સંબંધે તેમને આપી ભાવાત્મક એકતા જેણે માને પરમ સંતોષની લાગણી કરાવી. બસ આ જ ભાવ ભગવાનની સ્નેહભરી નજર પ્રત્યેક જણને કરાવે છે. અને એ ભાવનો પ્રત્યુત્તર પામી ભગવાનને પણ પરમ સંતોષની લાગણી જન્મે છે. 

જે લોહીના સંબંધે ચાર દીકરા મા પાસે એક થઈ શકે તો શું લોહી બનાવનારના દૈવી સંબંધે બધા ભગવાનના દીકરા ભગવાન પાસે બેસીને એક ન થઈ શકે ? માણસ માણસ વચ્ચે સમર્થ અને અસમર્થના ભેદ - Barrier - લોહી બનાવનારના સંબંધ દ્વારા જ કાઢી શકાય. અને તે અમૃતાલયમ્ દ્વારા જ શક્ય છે. જમીનદાર અને મજૂર, બ્રાહ્મણ અને હરિજન સામાજિક આર્થિક સ્તરે વિવિધ પ્રકારના લોકો ગામમાં હોય, પરંતુ સાંજના આરતીના સમયે પચ્ચીસ વીધા જમીનનો માલિક અને ખોબો એક જમીન ધરાવતો ખેડૂત એક જ આસન પર ગોઠણ લગાડીને બેસે ત્યારે તે સૌ હોય છે માત્ર માનવ --- એક જ પિતાનાં સંતાનો! માણસ પોતાનો સામાજિક, આર્થિક મોભો વિસારે પાડી ગોઠડી માંડે ત્યારે ભગવાનનના કાળજામાં લાગણીની ટશર ફૂટ છે. ભગવાન પોતાના સૌ સંતાનોને સાથે જુએ છે અને તેથી જ તે અમૃતાલયમ્માં રહેવાનું પસંદ કરે છે. 

અમૃતાલયમ્ માં ભગવાનનો પિંડ પિંડ બંધાય છે ગામનાં નર નારીઓથી. અહીંની મૂર્તિમાં શિલ્પીની હથોડી નથી દેખાતી; પણ વર્તાય છે હતનો હરિયાળો હાથ ! ઈજનેરોએ ડિઝાઈન કરેલા સ્થાપત્ય પર ચડેલો ઈંટ અને ચૂનાનો ભાર અહીં કડડભૂસ કરીને તૂટી પડે છે ને ઊભી થાય છે બોગન વેલની ધૂધવતી ભીંતો અને હાથમાં હાથ રાખીને ગૂંથેલો માટીનો ઓટલો. આ ઓટલા પર બેસીને છીણાયેલું વ્યક્તિત્વ પુનઃ એકત્વ પામી શકે છે. અહીં કોઈ શ્રી‌‌મંતે ઓચ્છવ કરવા માટે ફગાવેલ પૈસાની સામગ્રી નથી ધરાતી; પણ અર્પણ કરાય છે દરેક વ્યકિતની કુશળતા. ઑપરેશન કરતો સર્જન અહીં ઓટલો લીપતો દેખાય. શિલ્પી શિલ્પ કોતરીને, ઈજનેર બાંધકામ કરીને કે શ્રીમંત માણસ પૈસા ફેંકીને ભગવાનને કેદ કરીને છૂટો થઈ ચાલ્યો નથી જતો; પરંતુ દરેક માણસ પોતાની કુશળતાને પ્રભુચરણે સમર્પી ભગવાનની ભકિત કરી કૃતકૃત્યતા અનુભવે છે. અમૃતાલયમ્ માં ભકિત કરવાનો અનેરો ઉમળકો ગ્રામજનોના મોં પર છલકાતો હોય છે. ભગવાનનું ઘર આપણે હાથે બંધાય તેનાથી અદકું શું ? અને વળી ઘર છોડીને અહીંથી ચાલી નથી જવાનું. પૂજ્ય દાદા સાથે બેસીને ગ્રામજનો નકકી કરે છે, પોતાના હાથે પ્રભુને પૂજવાના દિવસો. પ્રત્યેક કુટુંબનો વસતિ પ્રમાણે ચાર - છ મહિને એક વાર વારો આવે પૂજારી થવાનો અને જેઓ પૂજારી - પૂજારણ હોય તેઓ સ્તોત્રો ગાતાં નીકળે. મંદિરના ઓટલાને લીંપ, સાથિયો પૂરે અને કોડિયાં પ્રગટાવે; કારણ ભગવાનને ઘરે તો રોજ દિવાળી. 

આમ ભગવાનનું ઘર એ કાઈ પરાયું ઘર ન રહેતાં પોતીકું આંગણું થઈ જાય છે; ત્યાં જઈ દરેક માનવ વ્યથાને છતી કરી આવે અને હર્ષના આંસુને લૂછી આવે. આમ ગામમાં ભગવાન આવે એટલે લોકોને આશ્વાસન મળે છે. દરેક માણસ અનુભવતો થાય છે કે હું એકલો નથી; પણ ભગવાન મારી સાથે છે. આથી માણસ સલામતી અનુભવે છે અને તેને સમજાય છે કે અમે આખો દિવસ જે કામ કરીએ છીએ તેમાં ભગવાન ભાગીદાર છે. મારું જીવન ચલાવનાર પ્રભુનો હું ઋણી છું. તે રામ મારામાંથી આઘો થાય તો હું નામે શૂન્ય. આથી પ્રભુ એ મારો નિષ્ક્રિય ભાગીદાર નથી; પણ સક્રિય ભાગીદાર છે. મારાં કાર્યોમાં તે સાથે છે; માટે મારી કમાણીમાં એનો પણ ભાગ લખાયો છે. 

ભગવાન સાથેની ભાગીદારીમાં ચાલતા જીવનને સમજીને માનવ પોતે પુષ્ટ થાય છે. અને ભાગીદાર તરીકેની પોતાની ફરજ સમજીને ભગવાનનો ભાગ અલગ કાઢે છે; કારણ કે તે જાણે છે કે પ્રભુની શકિત વગર પોતાના કૌશલ્યને કિંમત કેટલી ? તેથી તે સક્રિય ભાગીદારનો ભાન ન કાઢનાર વ્યક્તિ ગુનેગાર ઠરે છે. તે જ વાત ગીતા કહે છે કે,
 
इष्टान् भोगान् हि वो देवाः दास्यन्ते यज्ञभाविताः । 
तैर्दत्तानप्रदायेभ्यो यो भुडक्ते स्तेन एव सः ॥ 

જે વ્યકિત ભગવાનનો ભાગ નથી કાઢતી તે વ્યક્તિ ચોર છે; કારણ બધાની કમાણીમાં ભગવાનનો ભાગ છે. આમ ભગવાનના ઘરમાં ભગવાનનો ભાગ ગ્રામજનો ઘરી જાય છે. આમ નિયમિત સ્વાધ્યાયના પરિણામે માનવ ઈશ્વર પ્રત્યે કૃતજ્ઞ બને છે. અને નિયમિત પ્રભુ ચરણે પ્રભુનો ભાગ સમર્પિત કરે છે. 

ગામલોકોમાં આવી એકતા કેળવાયા પાછી પ્રત્યેક જણ એકમેકની નજીક આવે છે. આને કારણે કોને ઘરે અગવડ છે કોને ત્યાં માંદગી છે કે કોને ત્યાં પાક ઓછો ઊતર્યો છે; તેની ખબર ગ્રામજનોને હોય છે. અને તે વ્યકિતને ભગવાનનો ભાગ ભગવાનના પ્રસાદ તરીકે પહોંચે છે. ભગવાનનો પ્રસાદ પામનાર આ વ્યક્તિએ પણ ભગવાનનો ભાગ નિયમિતતાથી કાઢેલો હોવાથી તે દીન થશે નહિ. તે કોઈનો લાચાર થશે નહીં. તે કેવળ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞ બની રહેશે. 

વિશ્વના અર્થશાસ્ત્રને ઋષિઓએ આપેલી આ આમોલ ભેટ છે અને પૂજ્ય દાદાએ અમૃતાલયની સંકલ્પના આપી તે વિચારને નવપલ્લવિત કર્યો છે. અહીં લેનાર કોઈનો દેવાદાર જ નથી; કારણ તે તો ભગવાન પાસેથી મેળવે છે અને ભગવાનના તો સૌ દીકરાઓ છે. આમ દરેકની અસ્મિતા જળવાઈ રહે તેવો આ માર્ગ અમલમાં મૂકી પૂજ્ય દાદાએ વિશ્વના ચિંતકોને ચકિત કરી મૂક્યા છે.

ઈતિહાસ આપણને કહે છે કે સમાજમાં રહેલી અસમાનતા દૂર કરવી આજ સુધી અનેક માર્ગો અપનાવાયા છે. Have પાસેથી Have not ને પહોંચાડવા અનેક ચિંતકો વિધવિધ રસ્તાઓ શોધતા રહેલા છે અને તેમના પ્રયોગ કરતા રહેલા છે. આમાંના અનેક માર્ગોમાંનો એક માર્ગ એટલે Confiscation. વધારાની સંપત્તિ જબરદસ્તીથી જપ્ત કરીને સામાજિક કલ્યાણ માટે રાજ્ય તેને વાપરે છે. આમાં આપનારને સમાધાનને બદલે અશાંતિ થાય છે અને લેનાર તો કૃતજ્ઞ રહેતો જ નથી. 

બીજો માર્ગ છે Expropriation એક પાસેથી સંપત્તિ આંચકી લઈને બીજાને સોંપવાની આ પદ્ધતિથી તો વર્ગસંઘર્ષ વધે છે. 

ત્રીજો પ્રચલિત માર્ગ છે Taxation નો . સરકાર કરે વસૂલ કરીને સમાજના અછતવાળા લોકો માટે વાપરે છે. પરંતુ અહીં પણ લેનારનો અને દેનારનો સીધો સંબંધ ન હોવાથી દેનારને સંતોષ થતો નથી અને તે કરચોરી કરતો થાય છે. વળી લેનારને પણ કોના પ્રત્યે કૃતજ્ઞ રહેવું તેની ખબર નથી; કારણ સરકારનું સ્વરૂપ કર્યું ? તે કોના પ્રત્યે કૃતજ્ઞતા દાખવે ? આને કારણે અહીં માનવ મદદ લઈને પણ કૃતઘ્ની બને છે. અને કર ભરનાર કરચોરી જ વધારતો જાય છે. આમ સમર્થ પાસેથી અસમર્થને કેવી રીતે આપવું આ સૌથી વિકટ પ્રશ્ન કાર્લમાસ જેવા ચિંતકોને મૂંઝવતો રહ્યો. દાનના માધ્યમથી પણ આ વાત વણ ઉકેલાયેલી રહી; કારણ દાન દેનાર દાની બને છે અને લેનાર દીન બને છે. આપનારનો અહમ્ વધે છે અને લેનારનું ગૌરવ હણાય છે. આમ સમર્થ અને અસમર્થનો પ્રશ્ન પણ ઉકેલાયેલો રહ્યો છે, ત્યારે પૂજ્ય દાદાએ કહ્યું કે જ્યાં સુધી એક વ્યકિતનો બીજી વ્યક્તિ સાથે સંબંધ નહીં સમજાવો; ત્યાં સુધી આ પ્રશ્ન ઉકેલી શકાય નહીં. સમર્થ અને અસમર્થના ભેદ કાઢવાનો એક જ માર્ગ છે અને તે એટલે તેમની વચ્ચેના સંબંધની સમજણ. એક મિલમાલિક અને મજૂર વચ્ચે શું સંબંધ હોઈ શકે ? પૂજ્ય દાદાએ કહ્યું ; “એક ભગવાનના દીકરા હોવાનો સંબંધ”. પારિજાત શા મહેકતા આ સંબંધને સમજાવી પૂજ્ય દાદાએ સમર્થ અસમર્થના ભેદને હણી બન્નેને ભાઈ બનાવ્યા છે અને માનવીનું ગૌરવ વધે તેવી સમર્થ પાસેથી અસમર્થને વિત્ત પહોંચાડવાની રીત દેખાડી છે.

સમર્થ અને અસમર્થની વચ્ચે ભગવાનને રાખીને પૂજય દાદાએ સાંકળની સૌથી નબળી કડીને જ અત્યંત સબળ બનાવી દીધી છે અને માનવતાનું મૂલ્ય વધાર્યું છે. લોકનાથ અમૃતાલયમ્ દ્વારા પૂજ્ય દાદાએ માનવ માનવ વચ્ચેનો સંબંધ સમજવ્યો છે. અમૃતાલયમ્ ગામમાં આવે એટલે ગામ જાણે કે એક ઘર બની જાય છે. અને સૌ સાથે મળીને ઘર ચાળવું, ચૂનો દેવો જેવા એકમેકના નાના મોટા કામ કરી છે. આમ અમૃતાલયમ્થી ગામમાં સંબંધ બંધાય છે. પોતાના ખેતરમાં કામ કરતા મજૂરના શ્રમની માલિક અહીં કિંમત નથી કરતો, પરંતુ તેના ઘરે જઈ તેના પરિવારને મળી તેની સંભાવના કરે છે તેને હલકો ન ઠરાવતાં ભાઈ માને છે, સંબંધ બાંધે છે. આમ બે પરિવારો વચ્ચે સંબંધનો સેતુ રચાય. પોતાના શ્રમનું મૂલ્ય ન કરતાં પોતાની સંભાવના કરનાર તરફ મજૂર આદર તથા પ્રેમથી જેવા લાગે. હવે તે હીન નથી, નાનો નથી. તે માલિકના ભાઈ જેવો છે. તે માલિકના ખેતરનું પોતાના જ ખેતર માફક જતન કરીને સોના જેવો પાક લેતો થાય અને જેમ એક ભાઈ બીજા ભાઈને હાથ આપે એમ સમર્થ અને અસમર્થના હાથના અંકોડા એકમેકમાં ભરાઈ રહે છે આમ માનવ્યને ઊંચે લઈ જતું લોકનાથ અમૃતાલયમ્ એ ગામનું Socio - economic Centre બની રહે છે. અમૃતાલયના આ સુંદર પરિણામોની સુગંધ આજુબાજુના ગામવાળા તો લે જ છે; પણ રાજકીય લોકો પણ લે છે. 

આવી ભવ્ય વિચારસરણીથી આવિર્ભાવ પામેલા લોકનાથ અમૃતાલયમ્માં ચર્ચની ભવ્યતા, મસ્જિદની શાંતિ અને વૈદિકોની મૂર્તિ ત્રણે આવીને બેસે છે; કારણ અહીં નિર્જીવ ઘંટને બદલે માનવતાનો નાદ રણકે છે. અહીંની સ્વચ્છભૂમિ પર બેસી પ્રાર્થના કરતા ખેડૂત સાથે પ્રભુ સ્વયં ગોઠડી માંડે છે અને તેથી જ લોકનાથ અમૃતાલયમના વાતાવરણમાં હરિયાળીની ઝીણી ઝીણી ઘંટડીઓ સદૈવ રણકયા કરે છે , જાણે માનવતાના ઊર્ધ્વગમનની વાતો કહેતી હોય ! 

लोकानाम् नाथ: इति लोकनाथ:--- આવા લોકનાથ ભગવાનનું ઘર - અમૃતાલયમ્ બનાવીને પૂજ્ય દાદાએ માનવ્યને દેવત્વથી યે ઊંચેરું કર્યું છે. આ લોકનાથ અમૃતાલયમના લીધે સમાજમાંથી અન્યાય દૂર થાય છે અને માણસને ભગવાનના પ્રસાદ રૂપે આર્થિક ટેકો મળે છે. આમ આર્થિક ક્રાંતિમાં ભગવાનની હાજરી પૂરીને દાદાએ માનવમાં આધ્યાત્મિક ક્રાંતિનો રંગ પૂર્યો છે. માનવ - માનવ વચ્ચેનો સંબંધ સમજવી, સામાજિક અન્યાયને દૂર કરી સામાજિક ક્રાંતિના રંગ સાથે ભાવનિક ક્રાંતિની રંગોળી પૂરી છે. આમ “ પ્રભુ સાથે છે ” ની સમજણ રાખી જીવતો માનવ પોતાના ગૌરવ પ્રત્યે સભાન થાય છે. પોતાની જાતને કોઈ સત્તાના દલાલના હાથે વેચી નથી નાખતો. ઊલટો સ્વમાનથી જીવીને રાજકીય ક્રાંતિને સાકાર કરે છે. 

આમ પૂજ્ય દાદાના હાથમાં પકડાયેલી રંગની ફૂલવારીમાંથી જાણે આર્થિક, સામાજિક કે રાજકીયની સાથે ભાવનિક અને આધ્યાત્મિક ક્રાંતિના રંગોની છોળો ઊડે છે અને શ્યામ રંગે રંગાતી ગોપીઓની માફક અનેક મુનષ્યો આ રંગોની ઊડતી છોળોમાં તરબોળ થઈ ધન્યતા અનુભવે છે. 

આ અમૃતાલયમ્ જોઈ કહેવાનું મન થાય કે.... 

હદયોનો અહીં મધુર સંવાદ છે
કૃતજ્ઞતાના ઝરણાંનો કલનાદ છે. 
ઈશ્વરનું ઘર પણ લીલુંછમ બને 
ભીના હદયથી ભાવનો વરસાદ છે 
નથી શરમથી મસ્તક એનું ઝૂકતું 
પહોંચતો સદા એને પ્રભુનો પ્રસાદ છે. 
કાચું નથી આ બાંધકામ કે તૂટી પડે 
પાયામાં પૂરેલો ઈશ્વરવાદ છે. 
પીવા માંડો અમૃતકૂંપીના ઘૂંટડા 
અમૃતસ્ય પુત્રા: નો વહેતો સ્વાદ છે. 

આમ માનવને નબળો કે લાચાર ન બનાવતાં પ્રભુના સંતાન તરીકેનો એકમેક સાથેનો સંબંધ સમજાવતાં અને દુ:ખમાં માનવીને પડખે ઊભા રહેતા ઋષિપ્રણિત વિચારને લોકનાથ અમૃતાલયમ્ માં સાકાર રૂપ આપતા પૂજ્ય દાદાને શતશ: વંદના !!!

🙏Jay yogeshwar🙏

📽️ Amrutalayam - The House Of The God ~ Dadaji's thoughts ~ Swadhyay Parivar



#amrutalayam #temple #tukda #india #images #photos #pictures #gallery #Loknath #Amrutalayam #Pipaliya #Ravdava #places to #visit #religious #temple #amrutalayam #Baroda #Kheda #Amrutalayam #Near #Amrutalayam #Temple, #Dunetha #Valsad

Post a Comment

1 Comments

Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.