Pratik Darshan:Umbara Punjan | પ્રતીક દર્શન:ઉંબરા પૂજન | ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

ઉંબરા પૂજન શા માટે કરવું જોઈએ.


Pratik Darshan:Umbara Punjan | પ્રતીક દર્શન:ઉંબરા પૂજન | ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ? #Pratikdarshan #Umbarapunjan #પ્રતીકદર્શન #ઉંબરાપૂજન

ઉંબરા પૂજન.

હે પ્રભુ!, 
● મારા બારણે સેતાનનું નહી, સંતનું સ્વાગત હો. 
● અલક્ષ્મીનું નહીં, લક્ષ્મીનું પૂજન હો. 
● મારા ઘરમાં ભોગથી નિર્માણ થવા વાળી ભીતી નહીં, પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહો. 
● કુવિચારોનો કચરો નહીં પણ સદવિચારોનું સામ્રાજય સર્જાઈ રહો.

પ્રાચીન કાળના સમયમાં ભાગ્યે જ કોઈ ઘર ઉંબરા વગરનું હશે ! જ્યાં કોઈ ઘરનો ઉંબરો પૂજયા વગર (અપૂજ) રહેતો હશે ! ઉંબરાના આ પૂજનની પાછળ વિશિષ્ટ સાંસ્કૃતિક ભાવ રહેલો છે. 

ઉંબરો એક મૂક વડીલ.

ઉંબરો ઘરની આબરૂનો રક્ષણહાર છે . માનવી મન અતિ ચંચળ છે. કઈ ક્ષણે કયાં લપસી પડશે તે કહેવું મુશ્કેલ છે. સ્ત્રી ઘરની બહાર પગ મૂકે, ઉંબરો ઓળંગે ત્યારે એ ઘરનો મૂક સાક્ષી બની બેઠેલો ઉબરો તેને તેના અંતરમન મારફત પૂછે છે, “ તું આ ઉંબરો ઉલ્લંઘે છે પણ તે વખતે ઘરની મર્યાદાનું તો ઉલ્લંઘન નથી કરતી ને ? આવેશમાં આવીને ઘરની આબરૂ તો ધૂળધાણી કરવા નથી નીકળી ને ? બહાર પગ મૂકે છે તે આડોઅવળો તે નહીં પડે ને ? ' અને આ ઉંબરો એક મૂક વડીલની ગરજ સારે છે, ખોટું કરવા ઉપડેલા પગને પાછો વાળે છે, અસત્ ના પંથ(માર્ગ) ઉપર આગળ વધવાની મનાઈ ફરમાવે છે. 

ઉંબરો ઘર બહાર નીકળતા પુરુષને પડકારે છે, “ અત્યારે આ કસુરવેળાએ(રાત ના સમય માં) કયાં ચાલ્યો ? ખાનદાન ઘરના માણસો આ રીતે અંધારામાં રખડવા જતા હશે?' 

પથરાનો ઉંબરો માનવીના કૃત્યેની નોંધ લે છે. ઘર બહાર જતાં, કયાં જાવ છો તેની પૂછપરછ કરે છે અને ઘરમાં દાખલ થતાં પુરુષની ઘર બહારના શુદ્ધ આચરણની જડતી લે છે. બહારથી ઘરમાં આવતા પુરુષની સાથે તેની ભીતર માં અનિચ્છનીય વિચારો, અનિચ્છનીય વાતો ઘૂસી જતા નથી ને ? તેની જડતી લે છે. 

બહારથી પૈસા કમાવી લાવતો પુરુષને ઉંબરે પૂછે છે: “ આ પૈસો તું લાવ્યો તે પસીનો પાડીને લાવ્યો છે ને ? હરામની કમાણી તો નથી ને ?  અને સંસ્કારી જીવ હરામની કમાણી લાવ્યો હશે તો ઉંબરામાં દાખલ થતા જ તેનું અંતરમન તેને ડંખશે. 

ઉંબરો એટલે લક્ષમણ -રેખા. 

ઉબરો જેમ ઘરના ધણીની જડતી લે છે તેમ બહારથી આવનાર આગંતુકની પણ નોંધ લે છે . આવનાર વ્યક્તિને ઉંબરા બહાર રાખવી છે કે અંદર આવવા દેવી છે ? જો અંદર પ્રવેશ કરવા યોગ્ય વ્યક્તિ ન હોય તે ઉંબરા બહાર ઊભો રાખી તેને ત્યાંથી વિદાય કરે છે. 

કહેવાય છે કે ઘરમાં આવતી દરેક વ્યક્તિની ખરાબ દ્રષ્ટિથી ઉંબરો આપણને બચાવે છે, ઘરમાં કઈ વ્યક્તિ , કયા પ્રકારનું વિત્ત , કઈ વસ્તુઓ અને કેવા વિચારો પ્રવેશે તે ઉંબરા ઉપર નક્કી થયું જોઈએ . આજે માણસ પાણી મેલું હોય તો પીતા નથી. પણ વિચારો ગમે તેવા મલિન હોય તે પણ સ્વીકારી લે છે. શરીરના સ્વાસ્થ પર અસર કરનાર પાણી શુદ્ધ હોવું જોઈએ , એવો આગ્રહ રાખનાર માણસ માનસિક અને બૌદ્ધિક સ્વાથ્ય પર ચિરગામી અસર નિપજાવનાર વિચારોની વિશુદ્ધિ માટે આગ્રહ કેમ નહીં રાખતા હોય ? પાણી જેમ ઉકાળીને , ગાળીને પીવામાં આવે છે તેમ વિચારોને પણ સ્વાધ્યાયની ઉષ્માથી ઉકાળીને અને બુદ્ધિના ગળણીથી ગાળીને સ્વીકારવા જોઈએ. બુદ્ધિ એ માનવી જીવનનો ઉંબરે છે . ખરાબ પુસ્તકો અને અશ્લીલ સાહિત્યને મારા ઘરમાં પ્રવેશ નહીં મળે, એવો પ્રત્યેક સંસ્કારી માણસનો આગ્રહ હોવો જોઇએ. 

ખરાબ વ્યક્તિ ખાડામાં લઈ જશે, પાપને પૈસો પતનને માર્ગે ધકેલશે, અનૈતિક ભોગ જીવનમાં ભીતિ નિર્માણ કરશે અને અશ્લીલ વિચારો આડે માર્ગે ચડાવી દેશે. તેથી આવી વ્યક્તિ, વિત્ત, વસ્તુ, કે વિચાર ઘરના ઉંબરાની બહાર રહે એમાં જ કુટુંબનું શ્રેય છે. ગૃહલક્ષમીએ ઉંબરાનું પૂજન કરી ઉંબરામાં રહેલા દેવને પ્રાર્થના કરવી જોઈએ કે, “ હે પ્રભુ ! મારા બારણે સેતાનનું નહીં સંતનું સ્વાગત હો; અલક્ષ્મીનું નહીં, લક્ષ્મીનું પૂજન હો; મારા ઘરમાં ભોગથી નિર્માણ થવાવાળી ભીતિ નહીં પણ પ્રસાદથી પ્રાપ્ત થતી પ્રસન્નતા વ્યાપી રહો; કુવિચારોનો કચરો નહીં પણ સદ્ વિચારોનું સામ્રાજ્ય સર્જાઈ રહો. ”   

ઉંબતો એટલે મર્યાદા . 

આપણા જીવનમાં વિચાર, વિકાર, વાણી, વૃત્તિ અને વર્તનની મર્યાદાઓનો સ્વીકાર હોવો જોઈએ. આપણે ત્યાં બધા જ ઋષિઓએ અને આચાર્યોએ વેદમાન્ય વિચારો કહ્યા છે. તેમણે વિચાર પર વેદનું બંધન માન્ય કર્યું છે. તે જ રીતે આપણા વિકારો પર પણ બંધન હોવું જોઇએ. અનિબંદ્ધ વિકારે વ્યક્તિ તેમ જ સમાજ-જીવનના સ્વાસ્થને હણે છે. આપણી વાણી પણ મર્યાદાથી શોભતી હોવી જોઇએ. કયાં બેસવું ? ક્યારે બોલવું ? કેટલું બોલવું ? શું બોલવું ? શું ન બોલવું ? એને સંપૂર્ણ વિચાર કરીને માણસે શબ્દો ઉચ્ચારવા જોઈએ. અનિયંત્રિત વાણી અનેક અનર્થો સર્જે છે. જ્યારે સુનિયંત્રિત વાણી પૃથ્વી પર સ્વર્ગ નિર્માણ કરે છે. માણસે વૃત્તિની મર્યાદા પણ સ્વીકારવી જોઈએ. દીન કે લાચાર ન બનતાં સ્વવૃત્તિને અનુકૂળ કર્મ કરી તેણે તેજસ્વિતાથી જીવન વિતાવવું જોઇએ. વૃત્તિ સંકરતાથી વર્ણસંકરતા ઊભી થાય છે અને સમાજની વ્યવસ્થા ખેરવાઈ જાય છે . એ જ રીતે માણસે વર્તન મર્યાદા પણ સાચવવી જોઈએ. માણસ એ સામાજિક પ્રાણી છે, તેને બીજા જોડે રહેતાં આવડવું જોઈએ. મારા પ્રત્યેક વર્તનને ભગવાન જુએ છે એ ભાવ દઢ થાય તો આપણું વર્તન સ્વયં સુનિયંત્રિત બની જાય. ભગવાન શ્રી રામે પોતાના જીવન દરમ્યાન બધી જ મર્યાદાઓનું યથોચિત પાલન કરી દેખાડયું છે અને તેથી જ તેઓ મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે.

ઉંબરા પૂજન શા માટે કરવું જોઇએ?

એક માન્યતા એવી પણ છે કે મુઘલો જ્યારે આપણા દેશમાં હતા ત્યારે લૂંટ મચાવીને ઘરનું ધન ચોરી લેતા , તે સમયે ધરના મોભી ઉંબરાની નીચે ધન દાટી દેતા , જેથી કોઇને તેની જાણ ન થાય પહેલાંના સમયમાં ઉંબરાની પૂજા એટલે પણ થતી હતી . તે ઘરની રખવાળી કરતો હોવાથી તેને પૂજાય છે . તેમજ એમ પણ કહેવાયું છે કે જે ઘરના ઉંબરાની પૂજા થતી હોય તે ઘરમાંથી લક્ષ્મી ક્યારેય બહાર નથી જતી . તે પૂજા કરેલા ઉંબરાને ઓળંગવાનું પસંદ નથી કરતી . તેથી તેની પૂજા કરવી ખૂબ જરૂરી છે. 

ત્યારે એક વાયકા એવી પણ છે કે ઘરની આસપાસની નકારાત્મક શક્તિને દૂર રાખવા તેમજ ધરમાં આવતી નકારાત્મકતાને દૂર રાખવા માટે તેનું પૂજન કરવામાં આવે છે , આપણે આગળ જાણું તે મુજબ ઉંબરાને ઘરનો ચોકીદાર માનવામાં આવે છે , તેથી ઘરની આસપાસ ફરતી નકારાત્મકતા અને ઘરમાં કોઇપણ વ્યક્તિ સાથે આવતી નકારાત્મક્તાથી ઘરને તેમજ ઘરના સભ્યોને સુરક્ષિત રાખવા હોય તો ઉંબરાની પૂજા અચૂક કરવી જોઇએ . એ ઉંબરો તો કેટલાયના પગ નીચે કયરાયો હશે ! એના ઉપર પુનિત પગલાં પણ પડયાં હશે ! અને શોકમગ્ન ભારે હૈયાનો ભાર પણ તેણે સહ્યો હશે ! હર્ષથી પુલકિત થઈને બાળપગલીની ગમ્મત પણ અનુભવી હશે અને કડક થઈને ફરજ અદા કરવાથી નવોઢાની મિજાજભરી લાત પણ સહી હશે . અને તેથી જ તો એ નવોઢા , ગૃહિણી બીજા દિવસથી એ ઉંબરાનું પૂજન કરે છે . તેની સેવામાં રહેલા એ અદના સેવકને ભાવભર્યા અંતઃકરણથી શ્રદ્ધાથી નમસ્કાર કરે છે !

ઉંબરા પૂજન ની વિધિ.

દિવાળીના દિવસે અને લક્ષ્મીપૂજાના દિવસે ઉંબરાની પૂજા ખાસ થતી હોય છે . ઘરની સ્ત્રી ત્યાં પાણીનો કળશ ઢોળીને પહેલાં તેને સાફ કરે છે , ત્યારબાદ પોય ચોંદલા કરીને ચોખાથી તેને વધાવે છે , અને ત્યારબાદ બંને તરફ સાથિયા કરીને ત્યાં લાભ અને શુભ લખે છે . આનો મતલબ એવો થાય છે કે સારા દ્વિસોમાં તમે તમારા ઉંબરે દેવોને તેમજ લક્ષ્મીજીને તમારા ઘરમાં આવવા માટે આવકારી રહ્યા છો . ઉંબરાની ઉપર આસોપાલવનું તોરણ પણ બાંધવામાં આવે છે , તેને પણ આપણાં શાસ્ત્રોમાં શુભ માનવામાં આવ્યું છે . શાસ્ત્રોમાં કહેવાયું છે કે તમારા ઘરના ઉંબરાને પવિત્ર રાખો , આસોપાલવના તોરણથી તેને સજાવી , કંકુ - ચોખાથી વધાવો . પહેલાંના સમયમાં આ પ્રથાનું પાલન સ્ત્રીઓ રોજ કરતી હતી , જેમજેમ સમય બદલાયો છે , જેમ જેમ દ્વિસો પસાર થઇ રહ્યા છે તેમતેમ આ પ્રથામાં બદલાવ આવ્યો છે , હવે સ્ત્રીઓ રોજ ઉંબરાપૂજન નથી કરતી , તેને બદલે વાર - તહેવારે તેની પૂજા કરે છે . આ વિશે એક કથા પણ છે , એકવાર દેવી લક્ષ્મી ઉંબરાપૂજન કરતાં હતાં . તે સમયે વિષ્ણુ ભગવાન અચાનક આવ્યા અને ત્યાં અટકીને પગે લાગ્યા વગર તેમજ ધ્વી લક્ષ્મીની સામે જોયા વગર જ ત્યાંથી ચાલ્યા ગયા . આ જોઇને દેવી લક્ષ્મીને દુઃખ લાગ્યું અને તેઓ રીસાઇ ગયો , તે દિવસે તેઓ બોલ્યાં નહીં . આ જોઇને ભગવાન વિષ્ણુને નવાઇ લાગી , તેમણે દેવીને પૂછયું ત્યારે તેમણે સમગ્ર ઘટના જણાવી . બસ , કહેવાય છે કે તે દિવસથી ઉંબરાનું પૂજન કરવાનું શરૂ થયું છે અને તે જ દિવસથી લક્ષ્મીજીને મનાવવો હોય તો ઉંબરાપૂજન કરવાનું ઘરની લક્ષ્મીને કહેવામાં આવે છે ?

મારા વિચારો વેદમાન્ય, વિકારો ધર્મમાન્ય, વાણી શાસ્ત્રમાન્ય, વૃત્તિ વર્ણ માન્ય તેમજ વર્તન ઈશમાન્ય હોવું જોઈએ; એવો સંદેશ પરોક્ષ રીતે ઉંબરો પોતાની મૂક ભાષામાં આપે છે. 

ઘરના પ્રતિહારી, વૈભવ અને ચારિત્ર્યના રક્ષક, લક્ષમણરેખાના દર્શક તેમજ મર્યાદાપાલનના પ્રેરક એ ઉંબરાને ભાવપૂર્ણ નમસ્કાર !

ઉંબરો 

ઘરનો મોભી બની બેઠો આ...ઉંબરો, 
લક્ષ્મણ રેખા બની બેઠો આ...ઉંબરો, 
રોજ - રોજ પૂજાતો બેઠો આ...ઉંબરો, 
લાભ - શુભ સંકેતો સોહાવતો આ...ઉંબરો, 
સુખ - દુઃખની કહાની જોતો આ... ઉંબરો, 
બહારની અશુદ્ધિને રોકતો આ...ઉંબરો, 
દંપતિના કજિયાથી હસતો આ...ઉબરો,
ભાઈ - બહેન સાથે રમતો આ...ઉબરો, 
વડીલો ની વાર્તા સાંભળતો આ...ઉંબરો, 
દીકરીની સ્વચ્છેદતા પર મૂઢ બન્યો આ...ઉંબરો, 
ટૂંકા પહેરવેશ જોઈને શરમાતો આ...ઉંબરો, 
વહેતી લાગણીઓને રોકતો આ...ઉંબરો, 
ઘરની મર્યાદા લૂંટાતી જોઈ રડતો આ...ઉંબરો,
દિકરીની વિદાય આંસુ સારતો આ...ઉંબરો,
સાધુ શા ગૃહસ્થ જોઈ હરખાતો આ...ઉંબરો.

Header Ads Insurance Loans Mortgage Attorney Credit Lawyer Donate Degree Hosting Claim

Post a Comment

0 Comments