શ્રાદ્ધનું મહત્વ અને તેનું પ્રકૃતિલક્ષી કારણ.
ઉત્સવ દર્શન :શ્રાદ્ધ
શું આપણા ઋષિ મુનિઓ પાગલ હતા ? કાગડા માટે ખીર બનાવવાની ? તેને આપીએ તો પૂર્વજોને મળે ?
પણ તેનો જવાબ છે ના . . .
ઋષિઓ ક્રાંતિકારી વિચારધારા અને પ્રકૃતિનું રક્ષણ કરવાવાળા હતા.
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કોઈને ઉગાડતા જોયા છે ?
પીપળો કે વડના બીજ ક્યાંય મળે છે ?
જવાબ છે ના . . . .
શ્રાદ્ધનું પ્રકૃતિલક્ષી કારણ
વડ કે પીપળાના ટેટા ગમે તેટલાં રોપશો તો પણ નહીં ઉગે કારણકે પ્રકૃતિ / કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે ગોઠવણ કરી જ છે. આ બન્નેના ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં. કાગડા તે ખાય અને વિષ્ટામાં જ્યાં જ્યાં શૌચ કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે. તમે અમુક વડલા, પીપળા ધાબાની છત પર પણ ઉગતા જોયા હશે. કારણ કાગડાએ ત્યાં ચરક કરી છે.
પીપળો જગતનું એક માત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક(round the clock) ઓક્સિજન(Oxygen) છોડે છે અને વડના ઔષધીય ગુણો અકલ્પનિય તેમજ અદ્દભુત છે. જો આ બે વૃક્ષો જીવાડવા હોય તો કાગડાની મદદ વગર શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે. . .
એવું કેમ?
તો કાગડા ભાદરવા મહિના ઇંડાં મૂકે છે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢીને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે. માટે ઋષિઓએ કાગડાના બચ્ચાઓને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય. . . . .
એટલે ખોટું મગજ દોડાવ્યા વગર આપણા ઉત્સવો ,પરંપરાઓ તેમજ રૂઢિઓમાં સમાયેલું વિજ્ઞાન જાણીને પછી શ્રાદ્ધ કરજો. પ્રકૃતિના રક્ષણ માટે તો ખરુજ પણ એક વાત ક્લિયર છે કે જયારે જયારે વડ કે પીપળો તમે જોશો તો પૂર્વજો યાદ આવશે જ...
ઋષિઓએ આપણી (માનવીની) અને પ્રકૃતિની રક્ષણ માટે અલગ અલગ ઉત્સવો અને પરંપરાઓને આપણી આસ્થા સાથે ગોઠવ્યા છે.
શ્રાદ્ધ એટલે શું ?
ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષનું પખવાડીયું શ્રાદ્ધ પક્ષ અથવા મહાલય પક્ષ કહેવાય છે . આ દિવસો પૂર્વ અને ઋષિમુનિઓના સ્મરણ – તર્પણના દિવસો. શ્રાદ્ધ એટલે श्रद्धया क्रियते यत् तत्। શ્રદ્ધાથી જે અંજલિ આપવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે . જે પિતરોએ અને પૂર્વજોએ આપણા કલ્યાણ માટે ચામડી ઘસી નાખી , લોહીનું પાણી કર્યું , એ સૌનું શ્રદ્ધાથી સ્મરણ કરી તેઓ જે યોનિમાં હોય તે યોનિમાં તેઓને સુખ અને શાંતિ મળે, દુઃખ ન પડે તે માટે પિંડદાન અને તર્પણ કરવાનું .
તર્પણ કરવાનું એટલે તૃપ્ત કરવાના; સંતુષ્ટ કરવાના. જે વિચારો માટે , જે ધર્મ અને સંસ્કૃતિ માટે તેઓએ પોતાનું જીવન ખર્ચી નાખ્યું હોય તે વિચારો , ધર્મ અને તે સંસ્કૃતિ ટકાવી રાખવા આપણે પ્રયત્ન કરીએ ; તેઓની આબરૂ , પ્રતિષ્ઠા વધે એવું વર્તન અને જીવન રાખીએ તો તે જરૂર તૃપ્ત થાય . રોજ દેવો , પિતૃઓ અને ઋષિઓની તૃપ્તિ રહે એવું જીવન જીવવું જોઈએ અને વર્ષમાં એક દિવસ જે પિતૃને , ઋષિને આપણે માન્યા હોય તેમના શ્રાદ્ધ નિમિત્તે આપણા જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ અને કેટલા આગળ ગયા તથા કયાં ભૂલ્યા તેનો વિચાર તટસ્થ રહીને કરવું જોઈએ .
શ્રાદ્ધ નો મહિમા
શ્રાદ્ધ પરંપરા જાળવે છે , સાંસ્કૃતિક વારસો જીવંત રાખે છે . નિસર્ગ જેને શરીરથી લઈ જાય છે તેને શ્રદ્ધામય સ્મરણ અમર બનાવે છે . કાળે જેમને નાશ કર્યો છે પણ કર્મો અને વિચારોએ જેમને ચિરંજીવ બનાવ્યા છે એવા ધર્મવીરો અને કર્મવીરેનું કૃતજ્ઞભાવે પૂજન કરી આ દિવસોમાં કૃતકૃત્ય થવાનું .
માનવજીવન વિવિધ ઋણમુક્તિ માટે છે . આપણા પર દેવોનું ઋણ છે અને ઋષિઓનું ઋણ છે . આ નિ:સ્વાર્થ કર્મયોગીઓના ઋણમાંથી મુક્ત થવા આપણે શું શું કરવું જોઈએ તેને આ પંદર દિવસમાં વિચાર કરવાનો.
શ્રાદ્ધના દિવસે એટલે ઋષિતર્પણના દિવસે . ભારતીય સંસ્કૃતિની મહાનતા , ભવ્યતા , દિવ્યતા એ ઋષિઓને આભારી છે . ભારતની આજે પણ વિશ્વમાં કિંમત થાય છે તેનું કારણ આપણા ઋષિઓ છે . ભાવિ પેઢી આનંદમય જીવન જીવે તે માટે નિરપેક્ષ ભાવે લોહીનું પાણી કરી તેમણે દિવ્ય વિચારસરણી આપી . પોતે બળીને લોકોનાં જીવનો પ્રકાશિત કર્યા . તેથી સમાજ તેમનો ઋણી છે . ઋષિઓનું ઋણ અદા કરવા ઋષિના વિચારોને પ્રચાર કરવો જોઈએ . ઋષિની -સંસ્કૃતિ ટકાવવા અને તેને ફેલાવો કરવા પ્રયત્ન કરવો જોઇએ .
જેમણે આપણને જન્મ આપ્યો , જેમની કૃપાથી આપણે નાના ના મોટા થયા , આપણા કલ્યાણ માટે જેમણે પોતાના સ્વાર્થનો ત્યાગ કર્યો તે પિતરો નું આપણા પર ઋણ છે . કોઈ પણ માનવ નિ : સ્વાર્થ ભાવે આપણું કંઈક કામ કરે , આપણા પર કંઇક ઉપકાર કરે તો આપણે તેના ઋણી થયા કહેવાઈએ . આપણા પિતરોએ આપણા પર અસંખ્ય ઉપકાર કર્યા છે . તેમને તૃપ્તિ થાય તેવું કંઈક કરવું એ જ પિતૃઋણમાંથી મુક્ત થવાનો ઉપાય છે . કોઈ કારણવશ પિતા પોતાના જીવનનું નિશ્ચિત ધ્યેય સિદ્ધ ન કરી શકે તે તે સિદ્ધ કરવાની જવાબદારી પુત્રની છે . પુત્ર આ અભિલાષા પૂર્ણ કરે તે પિતા સંતુષ્ટ થાય એ સ્વાભાવિક છે . ' सम्यक तनोति-तनु विस्तारे ' પિતાએ આપેલા ધ્યેયને આગળ વધારે તે સંતાન . આ પુત્ર જ પિતાનું સાચું તર્પણ કરી શકે .
પિતૃતર્પણ એટલે પિતૃઓને યાદ કરી તેમણે આપેલા ધ્યેય તરફ હું કેટલો આગળ વધ્યો તેનું સરવૈયું કાઢવું . જે જન્મે છે તે મરે છે ; શ્રાદ્ધના દિવસે એટલે આ અટલ મૃત્યુનો વિચાર કરવાના દિવસો . મૃત્યુને અમાંગલિક ગણીને , મૃત પિતૃઓ અને ઋષિઓને યાદ કરવાના દિવસોને પણ આપણે અમાંગલિક માની બેઠા છીએ . પરંતુ આપણી આ સમજણ ભ્રામક છે . ઊલટું શ્રાદ્ધ પક્ષમાં તો મારે પણ મારા પિતૃઓની માફક જવાનું છે એનું સ્મરણ કરીને સત્કૃત્યો નું ભાથું બાંધવા તત્પર થવું જોઈએ .
ત્રિવિધ ઋણમાંથી મુક્ત થવાનો આ દિવસોમાં વિચાર કરવાનો , એટલું જ નહીં પણ આપણામાં આ સમજણ આવતાં જ તે બીજાને પણ આપવાની . શ્રદ્ધાથી થાય તે શ્રાદ્ધ , પણ આજે તે સૌ શ્રદ્ધાનું શ્રાદ્ધ કરી બેઠા છે . પરિણામે માનવજીવનના સંબંધો ભાવનાશૂન્ય , મમત્વ રહિત અને યંત્રવત બન્યા છે . ચાર્વાકની પરંપરાના લોકો આજે પણ શ્રાદ્ધની મશ્કરી કરે પણ તેઓ માનવજીવનને ખરો મર્મ સમજ્યા નથી . પશ્ચિમના ચશ્માથી પૂવને જોનાર પૂર્વનું હૃદય શી રીતે સમજી શકે ? “ અહીં બ્રાહ્મણોને ખવડાવેલું પિતૃઓને જો પહોંચતું હોય તો મુંબઈમાં ખાધેલું દિલ્લી માં રહેનારને કેમ નહીં પહોંચતું હોય ? ” એવી એમની દલીલ છે . ઇન્ડિયન બેન્કમાં ભરેલા નાણાં અમેરિકામાં ત્યાંના ચલણમાં પ્રાપ્ત થાય છે , સુરતના સ્નેહીનો અવાજ ટેલિફોન પર તેવોને તેવો સૌરાષ્ટ્રમા સાંભળી શકાય છે તે પછી ભક્તિભાવથી , શુદ્ધ અંત:કરણથી અને અનન્ય શ્રદ્ધાથી કરેલું શ્રાદ્ધ મંત્રશક્તિના જોરે પિતૃઓને તૃપ્તિ આપતું હશે એ વાત આધુનિક ચાર્વાકોના મગજમાં કેમ નહીં ઘૂસતી હોય એ એક પ્રશ્ન છે . તેઓની આ ભ્રાંત અને ભૂલભરેલી સમજણને દૂર કરી કૃતઘ્ન બનતા રહેલા એ સૌને કૃતજ્ઞ બનાવવાનું કામ સમજદાર લોકોનું છે . તે કરવા પ્રભુ આપણને શક્તિ આપે એ જ પ્રાર્થના !
1 Comments
Best knowledge is given by my dad' my ideal
ReplyDeleteMy friend my felloshophr
My GURU
SHRI PANDURANG ATHVALE
I AM NOT GOOD ENGLISH
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.