What is Yogeshwar Krushi-A combination of agricultural culture and sage culture means 'Yogeshwar Krushi'

યોગેશ્વર કૃષિ.

 
Yogeshwar Krishi-farms-God-swadhyay-pariwar
 

મારા દાદા ને આપું એક ખુશી ખબર ,તમે ભાળો ના ગામ કોઈ કૃષિ વગર.

રાબેતા મુજબ સવાર પડે એટલે થોડાંક દૈનિક કાર્યો આટોપી મંદિરે જવું, ભગવાનની મૂર્તિ સામે આંખ મીંચીને ઊભા રહી જવું, કર્મકાંડ કરીને સંતોષ માનવો, ભજન કીર્તન કરવાં, યથાશક્તિ દાન આપીને છૂટી જવું - આ બધું એટલે ભક્તિ , એવો આપણો રૂઢિગત ખ્યાલ છે. ખળ ખળ વહેતી ઝરણા જેવી ‘ભકિત' આજે રૂઢિઓના બંધિયાર ખાબોચિયામાં બંધાઈ ગઈ હોય એવું નથી લાગતું ? અમુક વર્ગના ઈજારાએ સાચી ભકિતને ઈજા પહોંચાડી છે. આ કહેવાતી ભક્તિમાં સામાન્ય માણસનું સ્થાન કયાં ? એ તો ક્યાંય સંકળાયેલો હોય એવું લાગતું નથી. એ નિષ્ક્રિય બેઠો છે. કારણ ભગવાન સાથે તે જોડાયો નથી . ધાણીની જેમ ફૂટતા વેદમંત્રોનાં ફટાફટ ઉચ્ચારણો એને સમજાતા નથી. ભગવાનની ભાષા સમજવી તેને અઘરી લાગે છે, પરિણામે મોઢા પર તાળું મારીને, તે આંખો સામે ભજવાતાં દશ્યો મૂક પ્રેક્ષકની જેમ જોયા કરે છે. તે ઝંખે છે પરિવર્તનને, પણ ગતાનુગતિક પ્રવાહ છોડવા તે તૈયાર નથી. તે ઝંખે છે નવી કેડીને, પણ ચીલાને છોડીને ચાલવાની તેની તૈયારી નથી. તે ઝંખે છે મુક્તિના તાજા શ્વાસ, પણ કર્મકાંડના સળિયા પાછળ તેનો ધાર્મિક જીવ સબળ્યા કરે છે. 
 
પ્રભુનો વાસ ફક્ત મંદિરમાં જ નથી. પૂજા, આરતી તથા પ્રસાદ એ જ માત્ર ભક્તિ નથી, ભક્તિ એ તો માનવ જીવનનો પ્રાણ . . . એના પ્રેરણાપિયૂષ વગર માનવજીવન પુષ્ટ અને ઉન્નત બનવું અશક્ય. ભક્તિના માધ્યમ દ્વારા દૈનંદિન જીવનમાં જે પ્રભુનો સ્પર્શ માણી શકે,જાણી શકે, તેનું જીવન સુગંધી બને. તેના જીવનમાંથી સંગીત વહેતું થાય. “પ્રભુ મારી સાથે છે'' એ કલ્પના અને સમજણથી જ માનવજીવનમાં ઉત્સાહ, સ્કૂર્તિ અને ચૈતન્ય નિર્માણ થાય. વિશ્વસર્જક સાથેના સગપણની જે એકવાર ખબર પડે તો જીવન અનોખું પર્વ બને. 
 
“ભકિત સામાજિક શકિત છે અને તેના દ્વારા માનવજીવનની વિવિધ સમસ્યાઓનો હલ લાવી શકાય છે" આ ક્રાંતિકારી વિચારનો દીપ પ્રગટાવ્યો પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ, જેમણે સમાજણે વિવિધ પ્રયોગોનો અણમોલ ઉપાર આપ્યો છે. એમને મન ભક્તિ એ મંદિર પૂરતી મર્યાદિત નથી અને ભગવાન, એ કર્મકાંડોની દીવાલોમાં પૂરાયેલો કેદી નથી પણ હરતું ફરતું ચૈતન્ય છે. 
 
માત્ર મંદિરમાં થીજી ગયેલા ભક્તિના ઝરણાને સામાન્ય માનવના હૈયા સુધી પહોંચાડવા,મંદિરમાં કેદી બનાવેલા ભગવાનને સામાન્ય માનવના હૈયામાં જગાડવા, એમણે  એક લીલોછમ પ્રયોગ માનવજાતની હથેળી પર મૂક્યો, – જેનું નામ છે ‘ યોગેશ્વર કૃષિ !! ' 
 
આ સૃષ્ટિનો સર્જક ભગવાન માત્ર મંદિરમાં નથી પણ માનવના હૃદયમાં , તેમજ કુદરતના પ્રત્યેક સર્જનમાં પણ છે --- એ જોવાનો દૃષ્ટિકોણ પૂજ્ય દાદાએ આપ્યો. એમણે આંખોની અંદર ભકિતની કીકી મૂકી . . .  
 
‘‘જયાં જયાં નજર મારી ઠરે,
યાદી ભરી ત્યાં આપની,
જયાં જયાં ચમન, જયાં જયાં ગુલો, 
ત્યાં ત્યાં નિશાની આપની." 
 
ભક્તિ તરફ જોવાની એક અનોખી નજર આપીને, ભક્તિના તત્ત્વજ્ઞાનને સરળ ભાષામાં સમજવીને ભક્તિની સાચી સમજણને સામાન્ય માનવી સુધી લઈ જઈને પૂજ્ય દાદાએ ખરેખર ક્રાંતિ સર્જી છે; ભક્તિના ક્ષેત્રમાં પ્રકાશ પાથર્યો છે. 
 
બ્રાહ્મણ, વિદ્વાન કે શ્રીમંતોનો જ ભકિત પર ઈજારો નથી. સામાન્ય માણસ પણ ભક્તિ કરી શકે છે એવી સમજણનું સિંચન કરીને એમણે માનવીની ભીતર રહેલા અસ્મિતાના બીજને અંકુરિત કર્યું છે. સૂતેલી શક્યતાને જાગૃત કરી, તેને ઊર્ધ્વગતિ આપી છે. 
 
માનવ પોતાની નિપુણતા, કલા, કૌશલ્ય પોતાના ઉત્કર્ષ માટે જ ન વાપરતાં એ પ્રભુનાં ચરણે ધરે તો તે ભકિત છે. ભીતરનો રંગ આપીને પણ માણસ ભક્તિની રંગોળી પૂરી શકે. પૂજ્ય દાદાએ એવી સમજણ ઊભી કરી કે નિપુણતા અપાતી હોય એ ક્ષણે સૌ સમાન છે. ભલે કાર્યની કક્ષા જુદી હશે પણ સમજણની કક્ષા તો એક જ. નિપુણતા આપવી એ તો સમજણનો પાયો છે. આમ પૂજ્ય દાદાએ 'નિપુણતા' ભગવાનના ચરણે ધરવાની સંકલ્પના ઊભી કરીને 'ભકિત’ શબ્દને સાચો અર્થ આપ્યો. સમજણથી માંજીને એને ઝગમગતો કર્યો.ભક્તિ, આ સમાજ વિકાસની પ્રક્રિયાનું ખરૂં પ્રેરક બળ છે અને તેનાથી સામાજિક શક્તિ નિર્માણ થાય છે. 'BHAKTI IS A SOCIAL FORCE' 
 
સંસાર, વ્યવહાર અને પાતાના ક્ષેત્રમાં વપરાતી શકિતને ભકિતનું આસન મળે તો તે પૂજા થઈ શકે છે અને મંદિરમાં થતી પૂજામાં પણ ઉપયુક્તતા(ફાયદો) અને ઉપભોગની નજર આવે તો તે વેપાર બની જાય છે. 
 
અર્જુન ક્ષત્રિય હતો અને એણે પોતાનું કૌશલ્ય, નિપુણતા, “करिष्ये वचनम् तव'' કહી પ્રભુને ચરણે ધરતાં તે પ્રભુનો લાડલો બન્યો. આજનો સામાન્ય માનવી પણ પોતાની ભીતરની સુગંધ પ્રભુચરણે ધરે તો એ પણ પ્રભુનો લાડકો દીકરો બની શકે. 
 
ગીતામાં પ્રભુએ કહ્યું છે..... 'स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवाः।' ‘તારું પોતાનું કાર્ય પ્રભુને ધરીને હું ભક્તિ કરી શકે છે.પૂજ્ય દાદાએ ગીતાની આ વાણીને નિપુણતાનો નવીન અર્થ આપીને શણગારી છે. હું મારું કાર્ય પ્રામાણિકતાથી કરું એ અપેક્ષિત નીતિ છે; ભક્તિ નથી, પણ જ્યારે પ્રભુ માટે, પ્રભુ પ્રીત્યર્થ કાર્ય કરું ત્યારે જ ભક્તિ મળે છે. પૂજ્ય દાદાએ ગીતાના આ મંત્રને સાકાર સ્વરૂપ યોગેશ્વર કૃષિમાં આપ્યું. આ નૂતન પ્રયોગ કરીને એમણે સાચા અર્થમાં કૃષિ સંસ્કૃતિ ઊભી કરી છે અને કૃષિ સંસ્કૃતિ એટલે પ્રભુ ઉપર શ્રદ્ધા અને પ્રકૃતિ ઉપર પ્રેમ, પશુસૃષ્ટિ પર પ્રેમ તથા પડોશી પર વિશ્વાસ. યોગેશ્વર કૃષિ દ્વારા પૂજ્ય દાદાએ ભકિતને ગામડાનાં ખેતરોનાં સરનામે પહોંચાડી દીધી છે. 
 
યોગેશ્વર કૃષિ એટલે ભગવાનનું ખેતર. જે ખેતરનો માલિક છે “યોગેશ્વર'' , ખેતર ખરીદનાર માલિક નથી કે ખેતર ખેડનાર માલિક નથી, માલિક છે પ્રભુ યોગેશ્વર, તેથી અહીં માલિકીના દાવા માટેની ખટપટ નથી, જમીનના ટુકડા અને એની વહેંચણીનો વાંધોવચકો નથી. અહીં તો છે ત્યાગ અને નિઃસ્વાર્થ ભાવનું દર્શન, લહેરાતી ભકિતનું આંદોલન. 
 
ખેતર અહીં લીલુંછમ, ચેતનવંતુ મંદિર છે; 
આરસપહાણનું પ્રાણહીન મંદિર નથી.
અહીં પોતાની નિપુણતા પ્રભુ ચરણે 
ધરનારો નિઃસ્વાર્થ ખેડૂત છે. 
પોપટિયો શ્લોક બોલનાર પગારદાદ પૂજારી નથી.
અહીં પૂજા થાય છે પણ ફૂલ , ચંદન કે ચોખાથી નહી, પર કોદાળી , પાવડા અને હળથી, કારણ ભક્તિનું કંકુ આ સાધનોને લાગી ગયું છે ને સ્વાર્થની માટી ખંખેરાઈ ગઈ છે. સાકરદાણા અને લાડુ એ અહીંનો પ્રસાદ નથી, ઉત્પન્ન થયેલો પાકે એ અહીંનો પ્રસાદ છે, કારણ અહીં પ્રસ્વેદબિંદુ અને માટીની મહેંક એકાકાર થયાં છે . 
 
ખેડૂતની નિપુણતા ખેતીમાં તેથી પોતાની નિપુણતા પ્રભુ ચરણે ધરવા ખેતરમાં - મંદિરમાં - તે નકકી કરેલા સમરે પૂજારી થઈને ચાલી નીકળે છે. પૂજારી તરીકે કામ કરતો હોવાથી તે માલિક તો નથી જ પણ સાથે સાથે મજૂર પણ નથી. એના હાથમાં ચંદન અને ચોખા નથી પણ પાવડો અને કોદાળી છે.... એ જ એના પૂજાનાં સાધનો !!! એના હોઠે છે હરિનું નામ અને હૈયે છલકે છે ભકિતની મસ્તી. તે ભાવથી નીતરતો, ગીત ગાતો, આનંદથી છલકતો ખેતર તરફ ચાલી નીકળે છે.
 
‘ રાખું રૂદિયામાં રામ , કરું એનાં હું કામ , 
કૃષિભકિતને સાચી હું ભક્તિ ગણું 
તેથી ખેડું છું ખેતર કનૈયા તણું ...
 
આ પ્રયોગો બહુ યશસ્વી નીવડ્યા નહિ; કારણ પ્રશ્ન હતો કર્મ પ્રેરણાનો. પૂજ્ય દાદાએ ભક્તિને કેન્દ્રમાં રાખીને આ પ્રશ્નના પરિધને કાપી નાખ્યો. પૂજ્ય દાદાએ વહાવેલી ભકિતની ગંગામાં, સ્વાર્થની મલિનવૃત્તિ ધોવાઈ જતાં કર્મ પ્રેરણાનો કોયડો સમજવા માટે સહેલો થઈ ગયો. આપણા પ્રસ્વેદમાં પણ ભગવાનની સુગંધ છે તેથી મહેનતમાં પ્રભુનો ભાગ રાખવાની વાત કરી. આમ કર્મનું, ભક્તિમાં રૂપાંતર કરીને કર્મપ્રેરણાની સમસ્યાનો ઉકેલ આપ્યો. કર્મનિવૃત્તિ નથી એટલે સર્જકતાને કાટ ચડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.
 
પૂજ્ય દાદાએ યોગેશ્વર કૃષિમાંથી ઊભી થયેલી સંપત્તિના માલિક તરીકે યોગેશ્વરને સ્થાપીને અર્થશાસ્ત્રને અચંબામાં મૂકી દીધું છે. “લક્ષ્મી નારાયણની છે , '' “ माधवीं माधवप्रियाम '' કહીને પૂજ્ય દાદાએ હરિના હરિયાળા ખેતરમાં એક મોરપિંચ્છ વાવી દીધું છે. 
 
યોગેશ્વર કૃષિમાં ગામના દરેક લોકો, ભેદનો છેદ ઉડાડી, નાત જાતની વાત મૂકી, સાંપ્રદાયિક વાડા, સીમાડાઓને તોડી, ઓળંગી ‘ અમે એક પ્રભુનાં સંતાન ' આ ભાવના રાખી, હૈયે હૈયું મિલાવીને ઉત્સાહ અને આનંદથી કામ કરે છે. સંઘશકિતનું તાદશ દર્શન અહીં થાય છે. યજ્ઞીય ભાવનાથી કાર્ય થતું હોવાને કારણે અહીં અહંકારને જાકારો મળે છે અને પ્રેમ ભાવને મળે છે આવકારો. ગામના માણસોના મોઢા પર છે. કજિયા, કંકાસની કડવાશ નથી પણ આનંદની મીઠાશ છે. આખું ગામ કિલ્લોલ કરતું નજરે પડે છે. ‘ બીજાની અગવડ એ મારી સગવડ ’ એવા મૂડીવાદી વિચારની જગ્યાએ ' બીજાની અગવડ એ મારી અગવડ'એ વિચારની ભકિતધારા વહેતી જોવા મળે છે.
 
કૌટુંબિક જીવનમાં ભાવની વૃદ્ધિ અને પ્રેમની પૃષ્ટિ થાય છે. ગામની સંઘભાવનાને જોઈને સ્થાપિત હિતો ધરાવતી સંસ્થાઓ અને સરકારી એકમો શોષણ કરવાનો વિચાર માંડી વાળે છે. મફતનું ન લેવાની તેજસ્વી વૃત્તિ નિર્માણ થતાં માણસોની અંદર પથરાવા લાગે છે ઉજાસ. ગામના લોકો હવે પ્રારબ્ધવાદી કે યાચક ન રહેતાં પરાક્રમના પૂજક બન્યા છે. પ્રભુ માટેની શ્રદ્ધાંજ્યોત પ્રગટી છે. વિશ્વાસનો દીવો આતમના ઓરડામાં પ્રકાશ પાથરવા માંડ્યો છે. 
 

કૃષિ સંસ્કૃતિ અને ઋષિ સંસ્કૃતિનો સમન્વય એટલે ‘યોગેશ્વર કૃષિ’

યોગેશ્વર કૃષિનો પ્રયોગ ખેતીનો પ્રયોગ નથી. આ તો માનવની ભીતરની ધરતી પર ખેતીનો પ્રયોગ છે. અહીં તો લીલાછમ ખેતરની સાક્ષીએ પ્રભુ અને માનવનું મિલન થાય છે. અહીં તો વાવણી થાય છે ભકિતની, સાચી સમજણની ... અને લણણી કરવામાં આવે છે આનંદની, પ્રભુકાર્ય ક્યના સંતોષની. 
 
યોગેશ્વર કૃષિ સામાજિક કાર્ય નથી ; પરંતુ ભકિતનું કાર્ય છે.અહીં ભૌતિકતાની ભૂખ નથી, પણ અધ્યાત્મની તરસ છે. 
 
પૂજ્ય દાદા એ માત્ર વ્યકિત નથી પણ હરતી ફરતી પ્રયોગશાળા છે. આ વૈજ્ઞાનિક વિચારકે આપેલો યોગેશ્વર કૃષિનો આ પ્રયોગ માત્ર પ્રયોગ નથી રહ્યો પણ જીવનપ્રણાલિકા બની ગયો છે. 
 
યોગેશ્વર કૃષિ માત્ર નકશા દોરાયેલું ખેતર નથી પણ નકશાને ફાડીને ગામડામાં સાકાર થયેલું પ્રભુનું ખેતર છે ; જે ગામડું ભારતના નકશા પર મૂકવાનો સમય હવે પાકી ગયો છે. 
 
આજે સમગ્ર ભારતમાં હજારો યોગેશ્વર કૃષિ કાર્યરત છે. આ લીલાછમ પ્રયોગ દ્વારા પૂજ્ય દાદાએ ભક્તિના રસાયણથી માનવમનમાં નિઃસ્વાર્થ ભાવ એન પ્રભુભકિત ઊભાં કર્યા છે, કૃતિ ભકિતનું દર્શન કરાવ્યું છે. આ પ્રયોગ અર્થશાસ્ત્ર તેમજ અધ્યાત્મ ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ સર્જી છે. પૂજ્ય દાદા વિશ્વાસપૂર્વક કહે છે કે પ્રાચીન ભારતનાં તત્ત્વો ઉપર ઊભો રહેલો યોગેશ્વર કૃષિનો અર્વાચીન પ્રયોગ વિશ્વની સંસ્કૃતિના નવા ઉડ્ડયન માટે (પાંખોનું) પાયાભરણીનું કામ કરશે. 
 
હવે , તમે ક્યારેક કોઈ ગામમાં જાઓ ને અચાનક કોઈ ગીતના શબ્દો વહેતા વહેતા તમારા કાનના કિનારે આવીને અટકે.... પવનનો હળવો સ્પર્શ તમને આંદોલિત કરી જાય ....આંખો સામે લીલા રંગનો દરિયો ઉછળતો દેખાવા માંડે ને ખૂલતા જતાં ખેતરમાં, માનવ સમૂહ લયબદ્ધ શ્વાસોમાં કામ કરતો દેખાય તો સમજી લેજો કે એ જ છે ભગવાનના ખેતરનું સરનામું....એક હળવી લટાર મારીને ત્યાંથી પાછા ફરશો તો અનુભવાશે મોર પિચ્છનો કોમળ સ્પર્શ....
 
અને એ તો આપણે સૌ માનીએ જ છીએ કે સુગંધને અનુભવી શકાય . . . . દેખાડી કેમ શકાય ?
 
 
🙏Jay yogeshwar🙏

Post a Comment

0 Comments