❍ True human being ❍
नाहं पशुः नाहं पक्षी अहं मनुष्यः।
માણસ તરીકે જન્મ મળવો એ અત્યંત દુર્લભ છે.પણ શંકરાચાર્યે આ કોના માટે કહ્યું છે? બે હાથ, બે પગ,બે -બે કાન અને આંખ તેમજ નાક સાથે જે પ્રાણી જન્મે તેને આપણે માણસ કહીએ,તેમ છતાં એવાને પણ 'માણસ' તરીકે જન્મ મળવો દુર્લભ છે ,કારણ કે એ માણસ તરીકે જીવતો નથી.એટલે જ શંકરાચાર્યને આમ કેહવું પડયું.તો પછી માણસ કોને કહેવાય ?કોઈ કહેશે કે,'આ તે કંઈ પ્રશ્ન છે ? જે બે પગે ચાલે છે તે માણસ !' એમ ? તો ચકલી ,કબૂતર ,કાગડો એવા ઘણાબધાં પક્ષીઓ પણ બે પગે ચાલે છે કે નહીં? કોઈ કહેશે કે ,'માણસ પાસે ભાષા છે . તે બોલી શકે છે .' પણ બીજા ઘણાબધાં પશુ-પંખીઓને પણ પોતપોતાની ભાષા હોય છે .સવારે વહેલાં ઉઠીએ તો કેટલો કલબલાટ ચાલતો હોય ! ચકલી ,મેના ,કબૂતર -આ બધાંનો જે સ્વર છે તે એમની ભાષા જ છે ને ! તો પણ જો કોઈ કહે કે, અમારી ભાષા માં ક્યાંક ૨૬ Alphabets-અક્ષરો છે ,ક્યાંક ૫૨ (બાવન) છે. આ બધા કાગડા અને કબૂતર બોલે એમાં ક્યાં આપણને આવી કંઈ ખબર પડે છે ? 'અરે પણ ,જયારે એક કાગડો બોલે 'કા...આ...' ત્યારે આઠ -દસ કાગડાઓ આવી ચડે છે .અને બીજી વખત કાગડો 'કા ...આ ...કા...આ...'બોલે તો બધા ઊડીને જતા રહે છે.એટલે એક જ 'કા' થી આ બંને કૃતિ થાય છે ને ? આમ કેટલી સમૃદ્ધ ભાષા આ પશુ-પક્ષીઓ પાસે છે! તો આપણી પાસે ભાષા છે એવું બોલવાનો તો કંઈ અર્થ જ નથી .
તોપણ કોઈ કહેશે કે ,'પણ અમે અમારું ઝૂંપડું બનાવીએ છીએ ,મકાન બાંધીએ છીએ' પણ એ આપણને જ ખબર છે કે આપણું બાંધકામ કેવું ? વરસાદની મોસમ આવી એટલે ગાળવાનું ચાલુ ! ત્રીજો માળ ચડાવે તો બીજો પડી જાય !જયારે ચકલીનો માળો આપણા કરતાં પણ સારો કે નહીં ? વેસ્ટ (#waste) મેં બેસ્ટ(#Best) !એટલું જ નહીં એને એ પણ ખબર છે કે પોતાનાં બાળ-બચ્ચા માટે કેટલો હુંફાળો માળો જોઈએ .આપણે મકાન બનાવીએ પણ એમાં ઠંડીના દિવસોમાં શેતરંજી કે કાર્પેટ નાખીએ.કેમ, તો કહે ,લાદી બહુ ઠંડી થઈ જાય.' એ ચકલીના માળામાં ઠંડું નહીં થતું હોય ?એને કારણ પણ છે હો ! એનાં બચ્ચા સાથે એ રહે છે ને !બરાબર હૂંફ મળે છે એમને. અને એનો માળો પડતો પણ નથી, હવે આપણે લોકો પડતા હોઈએ તો વાત જુદી છે.તો પછી માણસમાં શું વિશેષ છે ? આંખ ,કાન,નાક માણસને છે તેમ બધાને છે. અરે,ઘુવડને તો અંધારામાં પણ દેખાય છે !વાઘ ,સિંહ રાત્રે પણ પાણી પીવા જાય ! આ રીતે આપણી આંખ કરતાં એમની આંખ તેજ ,આપણા પગ કરતાં એમના પગ તેજ અને બળવાન ખરા ને! આપણા કરતાં એમની શારીરિક નિપુણતા વધારે છે,છતાં આપણે કહીએ नाहं पशुः नाहं पक्षी अहं मनुष्यः। અરે ,પણ એ કાયા આધારે ? હું માણસ છું,પણ પશુ -પક્ષી કરતાં વધારે આપણે શું કરીએ છીએ ?
એને માટે માણસમાં એ સમજણ હોવી જોઈએકે ,'ભગવાન ! મારી અંદર તમે આવીને રહ્યા છો. તમે આવીને મને ઉઠાડો છો ,તમે આવીને મને ખવડાવો છો,ખાધેલું પચાવો છો .'મારા કરતાં બીજી કોઈ શક્તિ છે કે જે આ કરતી રહેલી છે.આ જેને ખબર પડે, આ સમજણ જેને આવે તે મનુષ્ય છે .મને ઊંઘ કેમ આવે છે તે મને ખબર નથી,પણ મને ગમે ત્યારે ઊંઘ આવે છે .આપણે ને કોઈ પૂછે કે ,'તમે રોજ ઊંઘો છો તો ઊંઘ એટલે શું ?આનો જવાબ છે આપણી પાસે ?તોપણ રાત્રે ઊંઘ આવે છે.પરંતુ ,ઊંઘ એટલે શું એ આપણને ખબર નથી.ભગવાન !તમે માથા ઉપરથી હાથ ફેરવો છો ને હું સુઈ જાવ છું .રાત્રે શાંતિદાન આપો છો અને સવારે સ્મૃતિદાન આપો છો ,આજે જે કોઈ સાંભળીને ,શીખીને હું સુઈ જાઉં તે બધું જ પોટલું સવારે મારી સામે આવી જાય છે .
Three types of life
એટલે હું માણસ છું એટલે છું ? ભગવાન ! તારો દીકરો થવું છે આ સમજણ જેને છે તે હુંછું .તું આવીને બધું કરે છે એ સમજું છું અને એનાં માટે તમને ઓછામાં ઓછા ત્રણ વાર નમસ્કાર કરું છું .માણસના પોતાનાં જીવનમાં પણ ઉત્તરોત્તર જુદી કક્ષાઓ છે .શરૂઆતમાં આપણે જે જીવન જીવતાં હોઈએ એને 'અજ્ઞ' જીવન કહે છે 'અજ્ઞ' જીવન એટલે જેમાં માણસ વિચાર જ કરતો નથી.હું ઊઠ્યો કેમ ? ખાધું કેમ? મને જોઈએ છે શું ? આનો વિચાર જ કરતો નથી .મારે ખાવું છે તો એનાં માટે હું કંઈ ભેગું કરું ,સુંગ્રહ કરું ,વિચાર કરું ,મારે એનાં માટે ભણવું જોઈએ ,સમજવું જોઈએ એ વિચાર જ નથી .એ 'અજ્ઞ' જીવન છે અને એમાં જ એને આનંદ છે.એ મૂઢતા છે,પણ એમજ જ તે સુખી છે .એવી મૂર્ખાઈ પણ સુખ આપે છે ,કારણ કે એને કંઈ વિચાર કરવાનો નથી .દુઃખી કોણ થાય? જેને વિચાર કરવાનો છે એ .પણ જેને આવું કશું જ વિચારવાનું નથી એ શાંત હોય! આ છે 'અજ્ઞ' જીવન .
ત્યાર પછી એક જીવન આવે તેને આપણે કહીએ પશુજીવન .પશુઓ જીવનમાં બધી જ વાતો કરતાં હોય .ભગવાને એમના માટે પણ બધું જ રાખ્યું છે .પશુ હોય કે માણસ ,ભગવાનને તો બધાં જ સરખાં છે.ભગવાન તો એમનું પણ જીવન ચલાવે છે.પણ મારુ જીવન કોણ ચલાવે છે ,મને કોણ ખાવા આપે છે ,આ વિચાર જેને કરવો નથી તે પશુજીવન .પશુજીવનમાં પણ બધું વ્યવસ્થિત ચાલતું હોય ,પણ એ કોના લીધે ચાલે છે ,કોણ નબધું કર છે એનો વિચાર જ તેમને કરવાનો હોતો નથી ,તેથી ભગવાનને નમસ્કાર કરવાની કે કૃતજ્ઞતા રાખવાની તેમને ખબર જ નથી.
પછી આવે નૈતિક જીવન.તેમાં આપણે વિચાર કરવા લાગીએ કે આ મારુ છે ,આ બીજાનું છે .બીજાની વસ્તુ મારાથી ના લેવાય. બીજો માંદો છે તો એને મદદ કરું .મને કોઈએ પ્રશ્ન પૂછ્યો તો એનો સાચો જવાબ આપું. સાચું ,ખોટું આ કક્ષા આવી કે તેને નૈતિક જીવન કહીએ, નીતિમત્તા કહીએ .સમાજ કોઈને સારો માણસ કેમ કહે છે ? કારણકે એ નીતિમાન માણસ છે ,ખોટું બોલતો નથી ,બીજાની વસ્તુને અડતો નથી ,વ્યસનોથી દૂર રહે છે .આને નૈતિક જીવન કહેવાય.
નૈતિકજીવન ટકે એ માટે ધર્મ જોઈએ એ સાચી વાત છે,પણ આજના લોકોની ભાષા માં ધાર્મિકતા એટલે છું હોય છે ? મંદિર માં દર્શન કરવા ,આરતી કરવી અને પ્રસાદ લેવો -આ ત્રણ વાતો એટલે આપણો ધર્મ !
એકવાર વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી સ્વર્ગમાં બેઠાં-બેઠાં જોતા હતાં કે દર્શનને માટે કેટલી લાઈન લાગી છે !એટલે લક્ષ્મીજીએ ભગવાનને કીધું કે ,'હવે તો માણસમાં બહુ જ ભક્તિ વધી છે કે કેમ ? ' વિષ્ણુ ભગવાન બોલ્યા ,'એવું કંઈ નથી.'લક્ષ્મીજીએ પૂછ્યું ,'તો આ ભક્તોની લાઈન લાગી તે કેમ ? 'ભગવાને પૂછ્યું 'તારે જોવું છે ? ચાલ તને બતાવું .'તેઓ બંને ગરુડ પાર બેસીને જ્યાં આવ્યા ત્યાં એક નાનકડું મંદિર હતું ,પણ એની સામે દર્શન માટે બહુ મોટી લાઈન લાગી હતી.ભગવાન લક્ષ્મીને કહે ,'હવે તું જ જોઈએં નક્કી કરજે કે ભક્તિ વધી છે કે નહીં ? 'મંદિર માં એક જણે આવી ને કહ્યું ,'ભગવાન ! મને પ્રમોશન મળે એવું કંઈ કર .'બીજાએ આવીને કહ્યું ,ભગવાન !મને મકાન બનાવવું છે. બેન્કમાં લોનની સગવડ કરી આપોને !' ત્રીજો આવીને કહે કે,ભગવાન ! દસ વર્ષ થયા લગ્નને ,ઘરમાં પારણું નથી બંધાયું.કંઈક મારો વિચાર તો કરો .'એની પાછળ જે આવ્યો તેણેકહ્યું ,ભગવાન! ઘરવાળી ગુજરી ગયે છ મહિના થયા.ઘર કેવી રીતે ચાલે ?'ત્યાર પછી આવનાર કહે ,ભગવાન! લગ્નથી કંટાળી ગયો છું .મારુ કંઈક ભલું કરો.'ભગવાન સાંભળ્યા કરે છે બધું .દરેકને કંઈક ને કંઈક જોઈએ છે . છેવટે ભગવાને લક્ષ્મીજીને કહ્યું ,આમ બધાં તારા માટે જ આવ્યા હતાં .એક વ્યક્તિએ પણ આવીને એમ કહ્યું કે ભગવાન! તું મને ઉઠાડે છે ,ખવડાવે છે ,સુવાડે છે ,આટઆટલું મારે માટે કરે છે તેથી હું કૃતંજ્ઞ છું !'આજે મંદિરમાં જવું એટલે મંગાવ માટે જવું એવી માણસની કલ્પના છે ,જોકે ભગવાન સિવાય કોની પાસે માંગવાનું ?માંગવું ભગવાન પાસે જ પડે ,પણ હું કામ જ એવા કેમ ન કરું કે ભગવાન પોતે મને આપે ?
તેથી હે ભગવાન ! શક્તિ ,સ્મૃતિ અને અનુકૂળતા આપો જે કંઈ પણ તમે મને આપશો તે તમારા માટે વાપરવાનું છે ,લોકમાન્યતા નહીં,રાજમાન્યતા પણ નહીં પણ ભગવદ્દમાન્ય જીવન હું જીવી શકું એવી તાકાત ભગવાન મને આપો.
0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.