ઉત્સવ દર્શન: શંકરાચાર્ય જયંતી.
આદિ શંકરાચાર્ય જયંતી
આદિ શંકરાચાર્યનો જન્મ વૈશાખ સુદ પાંચમ નો ગણાય છે. ભારતમાં જે મહાપુરુષો થયા તેમાં શંકરાચાર્યને એક વિશિષ્ટ સ્થાન આપવું પડે. માણસ કેટલું જીવ્યો તેના કરતાં કેવું જીવ્યો એ વધારે મહત્ત્વનું છે ; એ વાત આદ્ય શંકરાચાર્યે પોતાના અલ્પકાલીન પણ જ્વલંત જીવનથી સાબિત કરી આપી છે . આધ્યાત્મિક અને બુદ્ધિમતા, તેમની બેજોડ વિદ્વતા તેમજ અમુલ્ય વિચારોએ આપણા સમાજ પર અમીટ છાપ છોડી છે. આદિ શંકરાચાર્યએ સાચી રીતે શિક્ષણ, ચર્ચા અને વિચારણાની તંદુરસ્ત સંસ્કૃતિ પર ભાર મૂક્યો હતો.
આચાર્ય શંકર એટલે જ્ઞાન અને ભાવનો સુભગ સમન્વય ! જ્ઞાનના ઉત્તંગ શિખર પર આસનસ્થ હોવા છતાં તેમણે જીવનમાં ભાવનું ઊંડાણ ખોયું નહોતું . જ્ઞાન અને ભાવને એક સાથે જીવનમાં જે જાળવી શકે ; બુદ્ધિનો પ્રકષૅ અગ્નિ જેના શ્રદ્ધાના પુષ્પને કરમાવી ન શકે તે જ સાચો મહાપુરુષ ! આચાર્ય શંકર એટલે જ્ઞાનના હિમાલય અને ભાવના સાગર . અદ્વૈતની ગર્જન કરનાર આચાર્ય જ દ્વૈતનાં ભાવમધુર સ્તોત્રો રચ્યાં છે એ જ એમના જીવનનો મહિમા છે . ' अहं ब्रह्मास्मि ' ની ગર્જના કરનાર કે ' एकमेवा द्वितीय ब्रह्म ' એમ કહેનાર શંકરાચાર્ય જ ' मम भवतु कृष्णोऽक्षिविषयः । ' કહી શકે છે ; એ જ એમની વિશેષતા છે . શંકરાચાર્યના અદ્વૈત જ્ઞાન અને દ્વૈત જીવનશ્રેણિનો સમન્વય સાધવામાં નિષ્ફળ નીવડતા લોકો શંકરાચાર્ય બે કે ત્રણ હતા એમ કહેવાનો મિથ્યા પ્રયાસ કરે છે ત્યારે તેમના એ પ્રયત્નો હાસ્યાસ્પદ ભાસે છે .
શંકરાચાર્યના અદ્વૈતવાદને અનુભૂતિ , ભાવ , બુદ્ધિ કે વ્યવહારના વિભિન્ન સ્તરો પરથી સમજવાનો પ્રયત્ન કરવામાં આવે તો અદ્વૈતવાદનું સાચું રહસ્ય સમજાઈ જાય , એટલું જ નહીં પણ આચાર્યની મહાનતાના દર્શન થાય અને આપણી ગેરસમજણ કે અલ્પ બુદ્ધિને કારણે આચાર્યને થતો અન્યાય અટકે .
અદ્વૈતવાદના પ્રણેતા
જીવે , શિવ સાથે અદ્વૈત સાધવાનું જ છે ; પણ કુટુંબજીવન કે સમાજ જીવનમાં પણ આપણે એકબીજાનાં સુખદુઃખમાં સમરસ થઈ અદ્વૈત સાધીએ એ પણ અદ્વૈતવાદને અપેક્ષિત છે . પગમાં કાંટો વાગે તો આંખમાં આંસુ આવે અને હાથ કાંટાને કાઢવા , પગની મદદે પહોંચી જાય એથી મોટું અદ્વૈતનું બીજું કયું ઉદાહરણ હોઈ શકે ? સમાજમાં પણ માનવ એકબીજાની મદદે આ રીતે દોડી જાય તો સામાજિક સ્તર પર કેવું સુંદર અદ્વૈત સર્જાઈ રહે ! જીવનમાં પણ પિતા - પુત્ર , ભાઈ - બહેન , પતિ - પત્ની , સાસુ - વહુ , ગુરુ - શિષ્ય , રાજા - પ્રજા એ સૌમાં અદ્વૈતવાદનો ભાવાત્મક સૂર ઝીલાય તે સૃષ્ટિમાં કેવું સુંદર સંગીત પ્રગટે !
ભારતીય તત્વજ્ઞાન પર શંકરાચાર્યનો એવો અનોખો પ્રભાવ છે કે વેદકાળથી ચાલતો આવેલો માયાવાદ આચાર્યની પાછળ “ શંકર-માયાવાદ ” તરીકે ઓળખાવા લાગ્યો . આ માયાવાદને સમજવામાં પણ ભલભલાની બુદ્ધિ ચક્કર ખાય છે . દશ્ય જગતનો અસ્વીકાર કેમ કરાય ? પણ અહીં એક વાત ભૂલી જવાય છે કે માયાવાદ જગતને અસત્ય નહીં પરંતુ મિથ્યા ઠરાવે છે . તે જગતનું અસ્તિત્વ ( Existence ) સ્વીકારે છે પણ તેનું સત્યત્વ ( Reality ) અમાન્ય કરે છે . વેદાન્ત જગતને આભાસરૂપ ગણે છે . જગત છે પણ આપણે તેને જે રૂપમાં જોઈએ છીએ તેવું નથી . સાચી દષ્ટિ પ્રાપ્ત થાય તો જગતના વિભિન્ન પદાર્થોને બદલે સર્વત્ર બ્રહ્મ નાચતું દેખાય .
સંસાર સુંદર છે કારણ કે તેને સર્જનહાર સુંદર છે . ચિત્રકાર પોતે અલગ રહીને ચિત્ર બનાવે છે અને એ ચિત્રમાં બહારના રંગો પુરે છે , તેથી ચિત્ર સુંદર હોઇને પણ ચિત્રકાર સુંદર ન હોવાની પૂરે પૂરી સંભાવના છે . ફ્રોઇડ ઇત્યાદિ મનોવિશ્લેષણશાસ્ત્રીઓ તો એવો અભિપ્રાય ધરાવે છે કે , કેટલીક વાર પોતાની કુરૂપતા કે વિકૃતિથી નિર્માણ થયેલા માનસિક અસંતોષને દૂર કરવા માનવ સુંદર કૃતિનું સર્જન કરતો હોય છે . પરંતુ ઈશ્વરના બારામાં એવું નથી કારણ કે , સૃષ્ટિ સર્જીને ઈશ્વર એનાથી અલિપ્ત નથી રહ્યો પરંતુ , આ સૃષ્ટિના . અણુ - પરમાણુમાં તે પોતે જ પોતાની સમગ્ર કલાથી વિલસી રહ્યો છે .
ગીતાએ સંસારને અશ્વત્થ અને અવ્યય કહીને બિરદાવ્યા છે .સંસાર પરિવર્તનશીલ છે . આજની વાત તે જ સ્વરૂપે કાલે રહેતી નથી . છતાં સંસાર કદી નાશ પણ પામતો નથી . સંસારની ક્ષણિકતા અને પરિવર્તનશીલતામાં જ એની સુંદરતા સમાયેલી છે. ' क्षणे क्षणे यन्नवनामुपैतितदेवरूपं रमणीयतायाः । ' આદ્ય શંકરાચાર્યે ભગવાન કૃષ્ણને પણ ' दिने दिने नवं नवं ' કહીને બિરદાવ્યા છે . નિત્ય બદલતા રહેલા આ સંસારમાં પ્રવાહ સાતત્ય છે . તેની અવિચ્છિન્ન ધારાને ટકાવવા પ્રભુ સતત કાળજી લે છે .
જ્ઞાન, કર્મ અને ભક્તિના પ્રયાગરાજ
શંકરાચાર્યના જીવનમાં જ્ઞાન , કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળે છે . પોતાના અજોડ બુદ્ધિપ્રકર્ષથી તેમણે અનેક પંડિતોને પરાસ્ત કર્યા છે . સોળ વર્ષની વયે તો તેમણે બ્રહ્મસૂત્ર ઉપનિષદો અને ગીતા એ પ્રસ્થાનત્રયી પર ભાષ્ય લખી નાખ્યાં હતાં . તેમની ભક્તિ તેમના સ્તોત્ર - સાહિત્યમાં ઊછળતી દેખાય છે . તેમની જ્ઞાનનિષ્ટ ભક્તિ શાંત સરિતા જેવી નહીં પરંતુ ઊછળતા સાગર જેવી છે . તેમનું અને પ્રભુનું મિલન એ બે ઘૂઘવતા મહાસાગરનાં મિલન જેવું છે . તેમને કર્મયોગ પણ અજોડ છે . વૈદિક સંસ્કૃતિનો ઝંડો લઇને તેઓ આસેતુહિમાલય દોડ્યા છે .
મૂર્તિપૂજાના પુરસ્કર્તા
મૂર્તિપૂજાના તેઓ પુરસ્કર્તા છે . બદ્રિનારાયણમાં ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી તેમણે મૂર્તિપૂજા ન માનનાર બૌદ્ધ વિચારેને ભારતના સીમાડાઓની બહાર ધકેલી દીધા . કર્મયોગ કરતાં-કરતાં તેઓ સામાન્ય માનવ સુધી પહોંચ્યા હતા.
સન્યાસનું ગૌરવ વધારનાર
તેમણે સંન્યાસનું ગૌરવ પણ વધાર્યુ હતું . સંન્યાસી એ જ્વલંતત કર્મયોગી હોય છે , એ તેમણે પોતાના જીવનથી બતાવી આપ્યું હતું . ભગવું વસ્ત્ર એ ત્યાગ , બલિદાન અને શૌર્યનું પ્રતીક છે એમ એમની જીવનધારા નિહાળ્યા પછી કોઈને પણ લાગ્યા વગર રહે નહીં . પરંતુ , સન્યાસનો અર્થ પ્રેમશૂન્યતા નથી એ એમણે પોતાની માતાની અંતિમ ક્રિયા કરીને સિદ્ધ કરી દેખાડયું હતું . તેમનો માતૃપ્રેમ અજોડ હતો . કેવળ સંસાર પ્રત્યેની વિરક્તિ નહીં પરંતુ પ્રભુ પ્રત્યેની અનુરક્તિએ તેમને સંન્યાસ તરફ વાળ્યા હતા . પ્રથમાશ્રમમાંથી સીધા ચતુર્થાશ્રમમાં જવામાં શાસ્ત્રનું ઉલ્લંઘન નહીંન પરંતુ એમની અલ્પ આયુમર્યાદા કારણભૂત હતી . બત્રીસ વર્ષના અલ્પ કાળમાં તેમણે મહાન વૈશ્વિક કાર્ય કરવાનું હતું .
જ્ઞાન, કર્મ અને ભક્તિના પ્રયાગરાજ, અદ્વૈતવાદના પ્રણેતા, મૂર્તિપૂજાના પુરસ્કર્તા, પંચાયતનપૂજાના પ્રવર્તક, અનુરક્તિ અને વિરકિતના સાક્ષાત્ સમન્વય તેમજ સન્યાસનું ગૌરવ વધારનાર ભારતમાતાના પનોતા પુત્ર એવા સદા નવજુવાન સંન્યાસી આચાર્ય શંકરને અનંત પ્રણામ !

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.