Shree Darshanam-Divine Communes

શ્રી દર્શનમ્.


Shree Darshanam-Divine Communes


જીવનમાં અમુકેક લાગણીઓ એવી હોય છે કે જેને વર્ણવવી આપણને ખૂબ ગમે. અમુકેક લાગણીઓ એવી છે કે જેનું વર્ણન શક્ય જ ન બને. પણ કેટલીક લાગણીઓ એવી હોય છે જેને શબ્દોનો સ્પર્શ કરવાની ઈચ્છા જ થતી નથી. શબ્દોથી અભૃષ્ટ આ કૂણી કૂણી લાગણીઓ નવો જ શબ્દકોશ ઊભો કરે છે . એકાંતમાં મેળો રચવાનું કર્તુત્વ આ લાગણીઓના હુંફાળા ! સ્પર્શમાં છે. આ લાગણીઓ પ્રથમ સ્પર્શે છે ત્યારે જાણે ચારે બાજુથી કશુંક અડકીને જતું રહે છે. આવી સબળ લાગણીઓની અનુભૂતિ છે શ્રી દર્શનના પ્રયોગમાં. 

આંબાવાડિયામાં પથરાયેલા કોયલના ટહુકામાં કે ખળખળ વહેતા ઝરણાના કલનાદમાંયે પ્રભુનું સ્વરૂપ જોતા કાંતદ્રષ્ટા પૂજય પાંડુરંગ શાસ્ત્રીજી આઠવલે ( પૂજય दादा ) ની માનવમાં મૂકેલી શ્રદ્ધાનું નવતર રૂપ એટલે શ્રી દર્શનમ્. શ્રી દર્શનમ્ આ કોઈ સ્થળ કે વસ્તુનું પાડેલું નામ નથી, પરંતુ માનવની ભાવનાઓનું પૂજય दादाએ કરેલું નામકરણ છે. 

માણસના કર્તુત્વથી ઉત્પન્ન થતી સંપત્તિમાં રહેલ 'શ્રી’નો ભાવ પામવાની કેડી પૂજય दादा કંડારે છે અને માનવ કર્તૃત્વમાં રહેલ પ્રભુશકિતને ઓળખવાનો, પ્રભુને પામવાનો નકશો ચીતરાઈ જાય છે. 

શ્રીના દર્શનમાં સંપત્તિના પ્રદર્શનની વરવી ગૂંચ ઉકેલાઈ જાય છે કારણ પ્રદર્શનમાં તો જે નથી તેનીયે તસ્વીર લગાડાય છે. જયારે દર્શનમાં તો છે સહજ ઊંડાણ. દર્શન એટલે ઊંડાણથી પમાતી સમજણ. પૂજય दादा સંપત્તિના વરવા પ્રદર્શનમાં યે શ્રી દર્શનનો વિષય મૂકી શકે છે; કારણ પૂજય दादा ટોળામાંયે માણસને પામી શકે છે.' માણસમાં રહેલા ઈશ્વરની સમજણ સ્પષ્ટ થાય, કે સ્પષ્ટ થાય સંપત્તિમાં સંતાયેલ શ્રીનું પારિત્ર્ય. 

શ્રી એટલે લક્ષ્મીનું દર્શન વિષ્ણુ હોય ત્યાં સર્વત્ર થાય છે અને વિષ્ણુ એટલે વ્યાપક. “ ભગવાન સર્વત્ર છે ” ની સમજણ આવતાં જ મંદિરના પત્થર હવામાં ઓગળી જાય છે ને પ્રભુનું સ્થાન જન જનનું હદય બને છે. આમ પ્રભુની વ્યાપકતાનું તત્ત્વજ્ઞાન સમજણ બને ત્યારે ખેડૂતની કોદાળી ને સાગરપુત્રનું હલેસું પ્રભુનાં કામ કરતાં થઈ જાય. આમ પોતાની આજીવિકાના સાધન દ્વારા જ માનવ પ્રભુનું કામ કરી શકે, પ્રભુને પામી શકે. આ અભૂતપૂર્વ વિચાર પૂજય दादाએ સૌને સમજાવ્યો. મંદિરમાં થીજી ગયેલી ભકિતને પૂજય दादाએ વિચારોની ઉષ્મા આપી, અને ભકિતનું ઝરણું કલકલતું વહી નીકળ્યું ઉપવનોના વૃક્ષો ને યોગેશ્વર કૃષિમાં ઊભા પાકની વચ્ચેથી. "स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानव :'' ની ગીતા ઉકિતને પૂજય दादाએ નિપુણતાનો અર્થ આપી શણગારી છે. માણસ પોતાની નિપુણતા પ્રભુને સમપ સિદ્ધિ મેળવી શકે છે. તેથી ખેડૂત પોતાની ખેતીકલાથી પણ પ્રભુની ભકિત કરી શકે છે. આવી અદ્ભુત સમજણ પામીને ઘણાં ગામોમાં યોગેશ્વર કૃષિના પ્રયોગો થયા છે. અને આવાં ખેતરો ખેડતા ખેડૂતો મજૂરો કે માલિક નથી રહેતા પણ બને છે પૂજારીઓ અને તેથી આવાં ગામો બની જાય છે યાત્રાધામો. પૂજય दादाએ આપેલા પ્રત્યેક પ્રયોગધામ જાણે કે યાત્રાધામ બની રહે છે અને યાત્રાને અનુરૂપ હદયનો ભાવ ઈશશ્રદ્ધા અને નિ:સ્વાર્થ ભાવ રાખતા દરેક યાત્રી પણ પૂજારી થઈ રહે છે. 

યોગેશ્વર કૃષિથી શરૂ થયેલ ઝરણાનું વિસ્તરણ થાય છે શ્રી દર્શનમાં. અહીં શ્રીનું દર્શન માત્ર ઍક જ ગામના લોકો નહિ પરંતુ વીસ ગામના લોકો સહિયારું કરે છે . જે ગામોમાં નિયમિત સ્વાધ્યાય થયા બાદ પ્રયોગોને પ્રત્યક્ષીકરણ મળ્યું હોય તેવી નજીક નજીકમાં વીસ ગામોની મધ્યમાં નક્કી થાય છે શ્રી દર્શનમ્ નુ સ્થળ . પ્રત્યેક ગામ શ્રી દર્શનમ્ થી બે - ત્રણ કિલોમીટરના અંતરે હોય . આમ વીસ ગામોના સંકુલ વચ્ચે જાણે કે વિષ્ણુને પધારવાનું મન થાય તેવું શ્રીદર્શનમ્ બની જાય. 

"બની જાય એક આખી નવી કેડી , છૂટક જે પડેલાં પરોવાય પગલાં .” આ શ્રી દર્શનમૂની વિભાવના સમજતી વખતે યાદ આવી જાય "લાઓત્ઝે ”. આ ફિલસૂફે વાત કરી હતી આત્મનિર્ભર ગામડાંની. દરેકે દરેક ગામ પોતપોતાની રીતે સ્વાતંત્ર રહેવું જોઈએ અને જયાં જેનું ઉત્પાદન હોય ત્યાં તેનું જ વિતરણ પણ થાય. આમ ગામમાં માત્ર ભીંડા જ ઊગતાં હોય તો ગ્રામજનોએ માત્ર ભીંડા જ આરોગવાના. આમ Self - sufficient ગામોની કલ્પના આપીને તેના રૂડારૂપાળાં નામ હેઠળ લાઓઝેએ ઊભી કરી દૂરી ભાવની વાત . રાતના પ્રહરે રડતું કૂતરું કે કણસતું બાળક મારા ગામનું નહીં પણ બાજુના ગામનું છે, કહી નિરાંતે સૂતો માણસ નીંભર બની ગયો છે. આમ આત્મનિર્ભરતાના ઓઠા હેઠળ માણસની માણસાઈ સામે તકાયેલી આ બંદૂકને નીચે મૂકાવીને પૂજય दादा ઊભું કરે છે વીસ ગામોનું એક અતૂટ સંકુલ . અહીં માનવનો પ્રેમ કે કતૃત્વ પોતાના ગામથી વધીને વીસ ગામો સુધી વિસ્તરે છે. આમ વીસ ગામોને એકમેકના સહાયક બનાવીને પૂજય दादा માનવને માત્ર માનવની જ નહિ, પણ પ્રભુની ય સમીપ લાવે છે. 

શ્રી દર્શનમ્ ના પ્રયોગમાં પ્રત્યેક ગામના ચાર ચાર પૂજારી આવે છે ને પોતાની નિપુણતા પ્રભુચરણોમાં ધરે છે. પાંચ ગામના વીસ પૂજારીઓ આવીને જમીનને ખેડે અને વિવિધ દોષો જેવા પથ્થરોને દૂર કરીને જમીન સમથળ બનાવે. બીજા પાંચ ગામના પૂજારીઓ વાવણી કરી જાય ને પછીના પાંચ ગામના પૂજારીઓ કયારીઓ કયારીએ પાણી પાય. ભગવાનના મસ્તક પર અભિષેક કર્યાનો સંતોષ અનુભવે અને વહેતાં પાણીમાં વિકારોનાં રહ્યાસહ્યાં ડાળખાં યે વહી જાય. ત્યારે હરિયાળા ખેતરમાં કુંપળ થઈ સ્વયં વિષ્ણુ આવી બેસે . ચારેકોર વહેતો પવન સરસર થઈને છોડવાને વીંટળાઈ પડે ને ઘડીક હીંચકો ખવડાવી આગળ વહેતો થાય, આકાશ જાણે કે છોડવાને ટકે વિસામો ખાવા હેઠું ઊતરે ને ચારેકોર પ્રભુના જ દર્શન થાય, તેવે વખતે સહજ સ્ફરે કે “ આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે ". ઊગેલા પાકને પાંચ ગામના ખડૂતો આવીને લણી જાય ને યીય ભાવનાથી થતા કર્તુત્વથી શ્રીનું દર્શન થાય. 

આમ પૂજય दादाએ સર્જેલ આ ક્રાંતિ દ્વારા સમાજમાં એક આગવું આત્મબળ જગે છે. એક પિતાના સંબંધે ભેગાં થયેલાં સંતાનો વચ્ચે ભેદની દીવાલો ભાંગી જાય ને વહાલપનો દરિયો ઊમટે . વીસ ગામના લોકો સાથે મળીને જયાં ભક્તિ કરે ત્યાં આગળ દેવતાઓ પણ ભગવાનને મળવા આવતા હોય તેવી પવિત્રતાની સુગંધ લહેરાય, કારણ શ્રીદર્શનમૂની યશીય જવાલામાં વીસ ગામોના ગ્રામજનો મહીં રહેલ સહજ ઈર્ષ્યા કે રાગનું હવન થઈ જાય . દ્વેષ અને અસૂયાનો હોમ થાય અને વાતાવરણ આત્મીયતાની સુગંધથી મહેક મહેક થાય. વીસ ગામોના લોકો વચ્ચે બંધાયેલી આત્મીયતાથી પરસ્પરના પ્રેમ, ભાવનું વર્ધન થાય. અને વીસ ગામો એક પરિવાર બનીને ઊભાં રહે , ભકિતની બેઠકથી આવેલો આ ઐયભાવ એ જ છે શ્રી દર્શનનો મહાપ્રસાદ !

આમ યજ્ઞનો પરિપાક જયારે પૂજારીઓ નિહાળે એટલે કે ખેતરના ઉત્પાદનનો ઢગલો ખડકાય ત્યારે સૌને તેમાં લક્ષ્મીનું - શ્રીનું દર્શન થાય . ભૌતિક લાભની લાલચ વગર થતી કૃતિમાં કેટલું ઘસાયા તેનું ભાન પણ ના રહે અને નિસ્વાર્થ ભાવે થતી કૃતિથી પૂજારીને શાંતિ , તૃપ્તતા અને સમાધાન મળતાં જાય . 

આમ પૂજય दादा ખેતર ખેડતાં ખેડૂતને પણ પ્રભુકાર્યમાં જોડી દે છે અને ખેતર ખેડતાં ખેડતાં તેનું જીવન પણ ખેડાઈ જાય છે . આમ કીર્તન કે મંજીરા વગર થતી પ્રભુની ભકિતએ માનવને ચેતનવંત બનાવી મૂક્યો છે. પૂજ્ય दादाના મુખેથી નીકળતી આ ગંગા ત્રિકમ પાવડાને પવિત્ર કરે છે, અને સાગરપુત્રોનાં હલેસાંનેય તે પ્રભુના ઘરમાં સ્થાન આપે છે . આમ સામાન્ય માનવોથી વિખૂટા પડેલાં ને પોપટિયા વેદોચ્ચારોમાં અટવાતા ભગવાનને પૂજય दादाએ સંબધના સેતુએ બેસાડી લોક હદયમાં ઊતારી દીધા છે . આવા મહાપુરુષને શતશ : વંદન !!

#Shree_darshanam #Divine_communes 


Post a Comment

0 Comments