ઉત્સવ દર્શન:હનુમાન જયંતી.
હનુમાન જયંતી.
જયંતિ નો છે ઉત્સવ, રાજી ન લાગે મને હનુમાન,
ઉજવીતો ખરી મેં જયંતિ, લાડુ ધર્યા, કર્યા મેં પ્રણામ.
તેને સંભળાવું સુરીલુ સંગીત, કે પછી કરું હુ નૃત્ય,
જઇ લંકાએ તે કાળે, હનુમાને કર્યા કેટકેટલા કૃત્ય.
કર્યા વીર હનુમાને રામાયણમાં, રામ - સીતા નેં ભેગા,
સ્વામી સેવકની પ્રિત અનેરી, આતો છે સત્યના લેખા.
રામ કથા એ રહેતો પ્રસન્ન, એ જાણે છે આ મુરારી,
રુદ્રનામે ઓળખાયો આમાં, એ ભોળો પંચ પુરારી.
તુલસીએ આલેખ્યું પાત્ર, છે સાચુ કે માત્ર અનુમાન,
શ્વાસે શ્વાસે સ્મરણ તારું, જીવંત રાખે એ હનુમાન.
જગતના સાત ચિરંજીવીઓમાં જેની ગણતરી થાય છે એવા શ્રી રામ ભક્ત હનુમાનનો જન્મ ચૈત્ર સુદ પૂનમને દિવસે થયો હતો. શંકર ભગવાનનું શિવાલય જે પ્રમાણે નંદિ વગરનું હોતું નથી તે જ પ્રમાણે શ્રી રામના દેવાલયની પૂર્ણતા હનુમાનની મૂર્તિ સિવાય થતી નથી. ભક્ત વગર ભગવાન અધૂરા એ ભાવનું દર્શન આ ઘટના પરથી થાય છે.
રાવણની લંકામાં જવા ભગવાન રામને પૂલ બાંધવો પડ્યો જ્યારે હનુમાનજી કુદી ગયા. હનુમાનના કૂદકાથી ભક્તનો મહિમા વધ્યો. જેમ પુત્રના પરાક્રમથી પિતા આનંદિત થાય છે , શિષ્ય પાસે હારી જવામાં ગુરુ ગૌરવ અનુભવે છે, તેમ ભક્તની મહિમાવૃદ્ધિમાં પ્રભુ પ્રસન્નતા જ અનુભવે છે. જેનું ચિંતન પ્રભુ કરે તેવા મહાપુરુષોમાંના હનુમાન એક છે. માણસો તો તેમનું ચિંતન કરશે જ. આજ હજારો વર્ષથી જનસમુદાયના હૃદયમાં રામ જેટલું જ આદરણીય સ્થાન હનુમાનને મળ્યું છે.
ઉત્તરકાંડમાં રામ હનુમાનને પ્રાજ્ઞ, ધીર, વીર, રાજનીતિનિપુણ વગેરે વિશેષણોથી સંબોધે છે, એ ઉપરથી જ તેમની ઉચતમ યોગ્યતા કલ્પી શકાય છે. હનુમાન સીતાની શોધ કરીને આવ્યા ત્યારે શ્રી રામ કહે છે, “ હનુમાન ! તારા મારા ઉપર અગણિત ઉપકાર છે તેને માટે મારા એક-એક પ્રાણ કાઢીને આપીશ તો પણ ઓછા જ પડશે કારણ કે તારો મારા ઉપરને પ્રેમ પંચપ્રાણ કરતાં પણ વિશેષ છે, તેથી હું તને ફક્ત આલિંગન જ આપું છું - एकैकश्योपकारस्य प्राणान् दास्यामि। ' રામ કહે છે કે હનુમાને એવું દુષ્કર કાર્ય કર્યું છે, જે લોકો તો મનથી પણ ન કરી શકે . ધન્ય એ હનુમાને કે જેને વાનર હોવા છતાં પણ પ્રભુએ સ્વમુખથી "પુરુષોત્તમ" ની પદવી આપીને પોતાની જોડે સ્થાન આપ્યું .
હનુમાન જયંતી ઊજવાય છે કારણ કે તેમણે પોતાના આંતરિક અને બાહ્ય(આંતબાહ્ય) શત્રુઓ પર જય મેળવ્યો હતો. ઇન્દ્રજીત જેવા બાહ્ય શત્રુને તો એ હનુમાને જીત્યા જ પણ મનની અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર ઇત્યાદિ અસુર પર પણ તેમણે વિજય પ્રાપ્ત કર્યો હતો. સીતા શોધ માટે તેઓ લંકામાં ગયા ત્યારે અનેક સુંદર સ્ત્રીઓને તેમણે જોઈ હતી, પણ તેમનું મન ચલિત થયું ન હતું. ભગવાન રામ જેવો ખજાનો જેને પ્રાપ્ત થયા હોય તેને પછી દુન્યવી સુખ સંપત્તિનો લોભ ક્યાંથી રહે ! પોતે જે કંઈ કર્યું છે તે રામની શક્તિને લીધે જ થયું છે એવી અંત:કરણની ભાવના હોય ત્યાં મદ અને અભિમાન કયાંથી સંભવે ?
હનુમાન બળ, બુદ્ધિ સંપન્ન હતા. તેમનામાં માનસશાસ્ત્ર, રાજનીતિ, સાહિત્ય, તત્વજ્ઞાન વગેરે શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન હતું. તેમને અગિયારમા વ્યાકરણકાર અને રુદ્રનો અવતાર માનવામાં આવે છે. તેમનામાં જબરદસ્ત વિદ્વત્તા હતી. તેમની વકતૃત્વશક્તિ પણ અજબ હતી. હનુમાનની વાણીમાંથી જાણે જ્ઞાનનિષ્ઠ વૈચારિક પ્રવાહ અને સરળ છતાં પણ અર્થગંભીર ભાષાપ્રવાહ વહી રહ્યો ન હોય તેમ સાંભળનારને લાગતું.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર ।
જય કપીશ તિહુ લોક ઉજાગર ॥
હનુમાનને માનસશાસ્ત્રને ઘણો ઉંડો અભ્યાસ હતો . તેમની મુત્સદ્દીગીરી અને વિદ્વત્તા ઉપર રામનો પણ અદ્દભુત વિશ્વાસ હતો. વિભીષણ - શત્રુ રાજ્યના સચિવ અને રાવણને ભાઈ - રામની પાસે આવ્યો છે તે કયા હેતુથી આવ્યો છે, તેને સ્વપક્ષમાં લેવું કે નહીં ? તે માટે રામે સલાહ છતાં સુગ્રીવથી માંડીને દરેકે આવા કટોકટીના સમયમાં વિભીષણને સ્વીકાર કરવાની ના પાડી છે. બધાને સાંભળ્યા પછી રામે હનુમાનનો મત પૂછયે. હનુમાને તરત તેને સ્વીકાર કરવા જણાવ્યું છે. રામે હનુમાનનું કહેવું માન્ય કર્યું, કારણ કે માણસને પરખવાની હનુમાનની શક્તિને રામ જાણતા હતા.
સીતા સંશોધનનું કાર્ય પણ રામે જેટલા વિશ્વાસથી તેમના પર મૂકયું હતું તેટલા જ વિશ્વાસથી તેમણે તે કાર્ય પાર પાડ્યું હતું. સુંદરકાંડ હનુમાનની લીલાથી જ ભરેલો છે . ભગવદ્ ભક્તની લીલા પ્રભુને અને તપ : સ્વાધ્યાયનિરત ઋિમુનિઓને સુંદર લાગે છે. તેથી જ જે કાંડમાં હનુમાનની લીલા છે તેનું નામ "સુંદરકાંડ" રાખ્યું છે.
હનુમાનજી પાસે સ્વતંત્ર બુદ્ધિ અને પ્રજ્ઞાશકિત હતી. અશોક વાટિકામાં આત્મહત્યાને માટે પ્રવૃત્ત થયેલી સીતાને પ્રભુ રામના સમાચાર આપતાં પહેલાં તેમણે ઝાડ પાછળ ઊભા રહીને ઈશ્વાકુ કુળનું વર્ણન શરૂ કર્યું. આ રીતે હનુમાને માનસિક ભૂમિકા તૈયાર કરીને સીતાના હૃદયમાં વિશ્વાસ નિર્માણ કર્યો છે, ત્યાર બાદ જ રામદૂત તરીકે પોતાને પરિચય આપ્યો છે.
લંકા - દહન એ કંઈ હનુમાનની મરકટ લીલા ન હતી, પણ રાજકારણ વિશારદ થયેલનું પૂર્ણ વિચારથી કરેલું કૃત્ય હતું. લંકા દહનમાં પૂર્ણ રાજનીતિ છે, તે દ્વારા તેમણે લંકાની રાક્ષસ પ્રજાને આત્મપ્રત્યય ખલાસ કર્યો. લંકા - દહન કરીને હનુમાને યુદ્ધનું અડધુ કામ પૂરું કર્યું છે.
હનુમાન રામના પૂર્ણ ભક્ત હતા. તે પ્રત્યુત્પન્નમતિ હતા. રામનો તેમના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. રાવણના મર્યા પછી સીતાને સંદેશો આપવા રામ હનુમાનને મોકલે છે. કારણ કે સીધા હર્ષના સમાચાર મળે તો કદાચ હૃદય બંધ થઈ જાય. અયોધ્યામાં પ્રવેશ કરતાં પહેલા ભરતના ચહેરા પર, રામના આગમનથી વિકાર થાય છે કે નહીં તે જોવા માટે પણ હનુમાનને મોકલે છે. અર્થાત્ આ નાજુક પ્રસંગોએ મહત્ત્વની કામગિરી, પૂર્ણ બુદ્ધિ ચલાવીને હનુમાન જ કરી શકે. નાજુકમાં નાજુક અને કઠોરમાં કઠોર કામ પણ હનુમાન સફળતાથી પાર પાડતા.
હનુમાનજી ચલે ના શ્રી રામ કે બીના,
શ્રી રામ ચલે ના શ્રી હનુમાજી કે બીના.
હનુમાનનો દાસભાવ પણ અતિ ઉત્કૃષ્ટ છે . રામ હનુમાનને પૂછે છે કે, “ તને શું જોઈએ છે ? ' ત્યારે, ‘ મને તમારા પરથી પ્રેમ ભક્તિ ઓછી ન થાય તથા રામ સિવાય બીજે ભાવ નિર્માણ ન થાય એટલું જ જોઈએ છે. ” એવો જવાબ તે આપે છે. જ્યાં સુધી રામકથા છે ત્યાં સુધી હનુમાન અમર જ છે.
શ્રી રામ અને શ્રી હનુમાજી ની જોડી અવિભાજ્ય છે.
હનુમાને પોતાને રામના દાસ તરીકે ઓળખાવતા. હનુમાન એટલે દાસ્ય ભક્તિનો આદર્શ. હનુમાન એટલે સેવક અને સૈનિકનો સહયોગ ! ભક્તિ અને શક્તિનો સુભગ સંગમ ! રામની સેવા કરવામાં પ્રાણ પાથરી દેવાની જરૂર પડે તો તે માટેની તેમની તૈયારી હતી. ” આમ તો રામાયણમાં હનુમાન જેટલે જ રાવણ પણ બળવાન હતો. પણ રાવણનું બળ ભેગોને અર્પણ થયું હતું. રાવણે રામપત્ની સીતાને ભગાડી જયારે હનુમાને તેને પાછી શોધી કાઢી. ભક્તિશુન્ય શક્તિ માનવને રાક્ષસ બનાવે છે. જ્યારે ભક્તિયુક્ત શક્તિ માનવને દેવત્વ પ્રદાન કરે છે. આ વાતનું સુંદર દિગ્દર્શન વાલ્મીકિએ રામાયણમાં આ બે પાત્રના ચરિત્રચિત્રણથી કર્યું છે.
આજે ઠેર ઠેર રાવણે અને કુંભકર્ણો જાગ્યા છે. આ સમયે રામનું કામ કરનાર હનુમાનની જરૂર છે . રાવણ વિચારો અને વૃત્તિઓનું દહન કરનાર વીર – મારુતિની જરૂર છે. રામની સંસ્કૃતિનું રક્ષણ કરનાર દાસ – મારુતિ આજનો સમાજ માગી રહ્યો છે. તેવા થવા પ્રયત્ન કરનારને જ હનુમાનજયંતી ઊજવવાનો અધિકાર છે. આપણે તો આજે બે પૈસાના તેલમાં અને એક આનાની માળામાં હનુમાનની કિંમત કરી નાખી છે ! શનિવારે આટલું અર્પણ કરી, સિંદૂરનું ટપકું લમણે કરવામાં આપણી બધી ભક્તિ જાણે આવી જાય છે ! રામના સેવકો અને રામના સૈનિકેની જે સમયમાં જરૂર છે ત્યારે આપણે સૂતેલા રહીશું તો નહીં ચાલે . આપણે ઊઠવું પડશે, જાગવું પડશે, હનુમાનની જેમ રામ -કાર્ય માટે કટિબદ્ધ થવું પડશે.

0 Comments
Jay Yogeshwar, Please do not enter any spam link in the comment box
અને હા, આ લેખ તમને કેવો લાગ્યો તેના વિશે થોડું લખો અને કૃતિશીલ ભાઈઓ અને બહેનો સાથે શેર કરો.